Columns

સરકાર યુજીસીનો કાયદો પાછો લાવી રહી હોવાની શંકાથી સવર્ણો ચિંતામાં છે

સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમો પર રોક લગાવતાં કહ્યું હતું કે તેમની જોગવાઈઓ પહેલી નજરે અસ્પષ્ટ લાગે છે. આ નિયમોનો દુરુપયોગ થવાની સંભાવના હતી, તેથી નિષ્ણાતોની સમિતિ તેમની ખામીઓને દૂર કરવા પર વિચાર કરવાની ભલામણ કરવામાં આવી હતી. હવે ભાજપના મોરચાની સરકાર ત્રણ રાજ્યોની ચૂંટણી પહેલાં UGCના નવા નિયમોનો અમલ કરવા સજ્જ થઈ રહી હોવાના હેવાલો પછી તેની સામે દેશભરમાં સવર્ણોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર રોક લગાવી દીધી હોવા છતાં સરકાર તેને પાછા લાવવાના પ્રયાસો કરી રહી હોવાથી આ મુદ્દો ગંભીર ચર્ચાનો વિષય રહ્યો છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નિયમો લાવવા પાછળ સરકારનો હેતુ શું હતો? વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી માને છે કે નવા નિયમો લાવવા પાછળનો હેતુ OBC વર્ગને આકર્ષવાનો હતો.

અત્યાર સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિગત ભેદભાવની વ્યાખ્યામાં OBCનો સમાવેશ થતો ન હતો. જો કે, એક સંસદીય સમિતિએ UGC ને આ માળખામાં OBC વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી નવા નિયમોમાં જાતિ ભેદભાવની વ્યાખ્યામાં OBCનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓબીસી સમુદાય ઘણો મજબૂત બન્યો છે અને ભાજપની ઓળખની રાજનીતિનો એક મુખ્ય ભાગ બન્યો છે. ઓબીસી સમુદાયનો સમાવેશ કરીને ભાજપ તેના કેટલાક રાજકીય લાભો પ્રાપ્ત કરવા માંગતો હતો. જો સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓનો ગુસ્સો વધ્યો હોત તો ભાજપ માટે આ નવી પરિસ્થિતિને સંભાળવી એક પડકાર બની ગઈ હોત.

ભાજપમાં એવી ચર્ચા હતી કે પાર્ટી વધુ પડતી ઓળખનું રાજકારણ રમી રહી છે, જેના કારણે સામાન્ય જનતાની અવગણના થઈ રહી છે. બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ પણ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને કહ્યું કે નવા નિયમો લાગુ થયા પછી સામાજિક તણાવનું વાતાવરણ વિકસિત થયું હતું. જો UGC એ નવો નિયમ લાગુ કરતાં પહેલાં તમામ પક્ષોને વિશ્વાસમાં લીધા હોત અને કુદરતી ન્યાય મુજબ તપાસ સમિતિ વગેરેમાં ઉચ્ચ જાતિના સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું હોત તો આ બાબતમાં સામાજિક તણાવની પરિસ્થિતિ ઊભી ન થાત.

ઉચ્ચ જાતિના સભ્યો આ નિયમન સામે દલીલ કરી રહ્યા છે કે તેનો દુરુપયોગ થઈ શકે છે અને તેના દ્વારા ઉચ્ચ જાતિનાં વિદ્યાર્થીઓને હેરાન કરી શકાય છે. તાજેતરમાં જયપુરમાં કરણી સેના, બ્રાહ્મણ મહાસભા, કાયસ્થ મહાસભા અને વૈશ્ય સંગઠનોએ એક મોટા સંગઠનના બેનર હેઠળ આ નિયમન સામે એક મોટું આંદોલન શરૂ કરવા માટે સવર્ણ સમાજ સંકલન સમિતિ (S-4) ની રચના કરી છે. અસંખ્ય ઉચ્ચ જાતિના પ્રભાવકો, યુટ્યુબર્સ અને કાર્યકરો સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહ્યા છે. સ્વામી આનંદ સ્વરૂપે એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં લખ્યું છે કે જો આજે બધા ઉચ્ચ જાતિના સભ્યો એક નહીં થાય, તો તેમનું પતન નિશ્ચિત છે.

ગયા વર્ષે માર્ચમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને યુનિવર્સિટી કેમ્પસમાં જાતિ આધારિત ભેદભાવની ફરિયાદો અંગે સંસદીય શિક્ષણ સમિતિને માહિતી આપી હતી. તેમાં એવું નોંધાયું હતું કે ૨૦૧૯-૨૦ અને ૨૦૨૨-૨૩ વચ્ચે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જાતિ આધારિત ભેદભાવની ફરિયાદોમાં લગભગ ૧૧૮ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૧૭૩ ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે ૨૦૨૦-૨૧માં ૧૮૨, ૨૦૨૧-૨૨માં ૧૮૬, ૨૦૨૨-૨૩માં ૨૪૧ અને ૨૦૨૩-૨૪માં ૩૭૮ ફરિયાદો નોંધાઈ હતી.

એટલે કે, ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવની કુલ ૧,૧૬૦ ફરિયાદો નોંધાઈ હતી. આ ડેટા ૭૦૪ યુનિવર્સિટીઓ અને ૧,૫૫૩ કોલેજોમાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો. ૨૦૨૦ માં રાજ્યસભા સાંસદ વંદના ચવ્હાણના પ્રશ્નના જવાબમાં, HRD મંત્રાલયે કહ્યું હતું કે ૨૦૧૫ થી ૨૦૧૮ ની વચ્ચે વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવના કુલ ૨૯૫ કેસ નોંધાયા હતા. તો શું આ જ કારણ હતું કે સરકાર નવા યુજીસી નિયમો લાવી?

આ પ્રશ્નના જવાબમાં, પ્રોફેસર અપૂર્વાનંદ કહે છે કે સરકારે નવા નિયમો લાવવા માટે કોઈ અલગ પહેલ કરી ન હતી. આ ઇન્દિરા જયસિંહ અને દિશા વાડેકર (વરિષ્ઠ વકીલ) ની પહેલનું પરિણામ હતું. ૨૦૧૭ માં રોહિત વેમુલાની આત્મહત્યા પછી વેમુલા કાયદાની માંગણી કરવામાં આવી રહી છે. તે પહેલાં પણ ૨૦૦૬-૦૭ દરમિયાન AIIMS માં આત્મહત્યા સંબંધિત ઘણી ઘટનાઓ બની હતી, જેના પગલે તત્કાલીન UGC ચેરમેન સુખદેવ થોરાટને શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ સંબંધિત માર્ગદર્શિકા વિકસાવવાની સૂચના આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૨ માં જારી કરાયેલા આ નિયમનમાં પ્રથમ વખત શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવના તથ્યને ઉજાગર કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે કયાં પગલાં દ્વારા તેને રોકી શકાય છે. પરંતુ આ નિયમોનો અસરકારક રીતે અમલ કરવામાં આવ્યો ન હતો. આના કારણે રોહિત વેમુલા અને પાયલ તડવીની માતાઓએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી અને નવા નિયમો રજૂ કરવામાં આવ્યા હતા. રોહિત વેમુલા હૈદરાબાદ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો, જેણે ૨૦૧૬ માં યુનિવર્સિટી કેમ્પસમાં કથિત જાતિ આધારિત ભેદભાવને કારણે આત્મહત્યા કરી હતી. પુણેની એક મેડિકલ કોલેજની વિદ્યાર્થિની પાયલ તડવીનું ૨૦૧૯ માં આવા જ ભેદભાવને કારણે મૃત્યુ થયું હતું.

યુજીસીના નવા નિયમો સામે વાંધો ઉઠાવનારાઓએ જણાવ્યું હતું કે આ નિયમોનો ઉપયોગ સામાન્ય શ્રેણીનાં વિદ્યાર્થીઓ સામે થઈ શકે છે અને ખોટા આરોપો તરફ દોરી શકે છે. તેઓએ જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. પ્રોફેસર અપૂર્વાનંદ કહે છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત દ્વારા આવતા વિદ્યાર્થીઓ સામે ભેદભાવ ઘણી વાર જોવા મળે છે, તેથી તે સ્પષ્ટ છે કે જાતિ ભેદભાવની વ્યાખ્યામાં ફક્ત અનામત શ્રેણીના વિદ્યાર્થીઓનો જ સમાવેશ કરવામાં આવશે. આર્થિક રીતે પછાત સામાન્ય શ્રેણીનાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ કરનારાઓ આ હકીકતને અવગણી રહ્યા હતા. યુજીસીના ભૂતપૂર્વ ચેરમેન સુખદેવ થોરાટે પણ એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે નવા નિયમો વિભાજનકારી નથી. આમ છતાં નવા નિયમોનો વિરોધ ચાલુ રહ્યો હતો.

વિરોધનું બીજું કારણ સમાન તક કેન્દ્ર હતું. આ સૂચનાના ચોથા પાના પર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે યુનિવર્સિટીઓ સમાન તક કેન્દ્રો સ્થાપિત કરશે. તેમનું કાર્ય વંચિત જૂથો માટેની નીતિઓ અને કાર્યક્રમો અસરકારક રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે કે કેમ તેનું નિરીક્ષણ કરવાનું હતું. આ સમાન તક કેન્દ્ર હેઠળ દરેક યુનિવર્સિટીમાં સમાનતા સમિતિ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી, જે ભેદભાવની ફરિયાદોની તપાસ કરશે. આ સમિતિમાં ઓબીસી, અપંગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓના પ્રતિનિધિત્વ અંગે ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં વિરોધ કરનારાઓએ પ્રશ્ન કર્યો કે સમિતિમાં સામાન્ય વર્ગનું પ્રતિનિધિત્વ કેમ નથી. તેમણે દલીલ કરી હતી કે નિષ્પક્ષ તપાસ માટે સામાન્ય વર્ગનું પ્રતિનિધિત્વ જરૂરી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઘણા વિપક્ષી નેતાઓ પણ યુજીસીના આ નિયમોનો બચાવ કરી રહ્યા હતા.

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ભેદભાવના નામે કાયદાનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરવી એ કેન્દ્ર, રાજ્ય સરકારો અને યુજીસી બધાની જવાબદારી છે. તેમણે એમ પણ કહ્યું કે આ મામલો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ છે અને બંધારણના દાયરામાં રહીને તમામ પગલાં લેવામાં આવશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને તેના જ કેટલાક કાર્યકરો અને નેતાઓના વિરોધનો સામનો પણ કરવો પડ્યો. ભાજપ કિસાન મોરચાના પ્રમુખ શ્યામસુંદર ત્રિપાઠીએ નવા યુજીસી નિયમોના વિરોધમાં રાજીનામું આપી દીધું. યુપી કોંગ્રેસના પ્રમુખ અજય રાયે કહ્યું કે ભાજપ સત્તામાં રહેવા માટે ભાગલા પાડી રહી છે. પહેલાં તેણે હિન્દુઓ અને મુસ્લિમોના નામે લોકોને લડાવ્યાં અને હવે તે જાતિના આધારે હિન્દુઓને વિભાજીત કરી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top