National

યુનિફોર્મ સિવિલ કોડ પર ખાનગી ખરડો રાજ્યસભામાં રજૂ થતા હંગામો

નવી દિલ્હી: એક વિવાદાસ્પદ ખાનગી સભ્યનું બિલ જે યુનિફોર્મ સિવિલ કોડની રચના માટે પેનલ ઉપલબ્ધ કરાવવાની માગ કરે છે તેને શુક્રવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ‘ધ યુનિફોર્મ સિવિલ કોડ ઇન ઇન્ડિયા બિલ, 2020’ વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું.

  • વિરોધ પક્ષના નેતાઓેએ આરોપ લગાવ્યા હતા કે આ એક રીતે ભાજપ દ્વારા ઈરાદાપૂર્વકની ઉશ્કેરણી
  • કોંગ્રેસે આ ખરડાની રજૂઆત સામે વિરોધ કરતા કહ્યું હતું કે જો તે પસાર થશે તો તે દેશમાં પ્રચલિત વિવિધતામાં એકતાના સામાજિક તાણાનો ‘નાશ’ કરશે

ભાજપ સાંસદ કિરોડી લાલ મીણાએ યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી અને સમગ્ર ભારતમાં તેના અમલીકરણ માટે અને તેની સાથે સંબંધિત બાબતો માટે રાષ્ટ્રીય નિરીક્ષણ અને તપાસ સમિતિની રચનાની જોગવાઈ માટે ખાનગી સભ્યના સમયગાળા દરમિયાન ખરડો રજૂ કરવા માટે મંજૂરી લીધી હતી.

જો કે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી), મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (એમડીએમકે), રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), સમાજવાદી પાર્ટી (સપા), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ), સીપીઆઈ (માર્કસવાદી), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સભ્યો અને કોંગ્રેસે આ ખરડાની રજૂઆત સામે વિરોધ કરતા કહ્યું હતું કે જો તે પસાર થશે તો તે દેશમાં પ્રચલિત વિવિધતામાં એકતાના સામાજિક તાણાનો ‘નાશ’ કરશે.

વિરોધી પક્ષના સભ્યોએ ખરડો પાછો ખેંચવાની માગ કરી હતી, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે મત વિભાજન માટે કહ્યું હતું અને ખરડાની રજૂઆત માટેની દરખાસ્તના તરફેણમાં 63 અને વિરોધમાં 23 મત પડયા હતા. ભૂતકાળમાં બિલ રજૂ કરવા માટે સૂચિબદ્ધ હતું, પણ તે ઉપલા ગૃહમાં ખસેડવામાં આવ્યું ન હતું. આ ખરડામાં ધર્મને ધ્યાનમાં લીધા વગર તમામ નાગરિકોના અંગત હકોને સુરક્ષા આપતા કાયદાઓ છે. વિરોધ પક્ષના નેતાઓેએ આરોપ લગાવ્યા હતા કે ‘આ એક રીતે ભાજપ દ્વારા ઈરાદાપૂર્વકની ઉશ્કેરણી છે’. જો કે ભાજપે આ આરોપોથી ઈન્કાર કર્યો હતો.

Most Popular

To Top