Dakshin Gujarat

ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા ઉમરગામના સોળસુંબાના સરપંચ બલદેવ સુરતી સસ્પેન્ડ

ઉમરગામ: ઉમરગામના (Umargam) સોળસુંબા ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ, તલાટી કમ મંત્રી અને પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવતા સત્તાનો દુરુપયોગ, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર (Corruption)અંગેની ફરિયાદ ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીએ (TDO) નોંધાવી હતી. જેના તપાસ દરમિયાન વર્તમાન સરપંચ બલદેવ સુરતીએ સત્તાનો દુરુપયોગ કર્યાનું સામે આવતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • વર્તમાન સરપંચ સહિત પૂર્વ સરપંચ અમિત મણીલાલ પટેલ, તલાટી કમ મંત્રી સુધીર પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ
  • નીતિ નિયમોને નેવી મૂકી પંચાયતમાં ખોટા ઠરાવો કરીને, શોપિંગ સેન્ટર, દુકાનો તથા કાચા શેડની 100 વધુ પતરાની દુકાનો બનાવી હરાજી કરી

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પૂર્વ સરપંચ અમિત મણીલાલ પટેલ, તલાટી કમ મંત્રી સુધીર પટેલ અને વર્તમાન સરપંચ બલદેવ સુરતીએ નીતિ નિયમોને નેવે મૂકી સત્તાનો દુરુપયોગ ર્ક્યો હતો. તેને સરકારી જમીનમાં ગેરકાયદેસર દુકાનો તાણી બાંધી પૈસા ઉઘરાવી, એચડીએફસી બેન્કમાં અલાયદુ ખાતું ખોલાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારીને મળી હતી. ફરિયાદ મળ્યા બાદ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ત્રણેયને નોટીસો આપી સુનાવણી રાખી હતી. પરંતુ સુનાવણીમાં આ ત્રણેયમાંથી એકેય હાજર રહ્યું ન હતું.

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીએ આ ત્રણેય વિરૂદ્ધ છેતરપિંડી, સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારની ફરિયાદ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ત્રણેયની આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી અરજી પણ નામંજૂર થઈ હતી. તેથી તપાસના તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ ઉમરગામના સોળસુંબા ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ બલદેવ સુરતીએ પોતાની સત્તાનો દુરુપયોગ ર્ક્યો હોવાનું ફલિત થતું હોવાથી તેને હોદ્દા પરથી દુર કરવાનો નિર્ણય વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?
ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ગૌચરણ અને સરકારી જમીનમાં પૂર્વ સરપંચ અમિત પટેલ અને તલાટી કમ મંત્રી સુધીર પટેલે નીતિ નિયમોને નેવી મૂકી પંચાયતમાં ખોટા ઠરાવો કરીને શોપિંગ સેન્ટર દુકાનો તથા કાચા શેડની 100 વધુ પતરાની દુકાનો બનાવી હરાજી કરીને વેપારીઓ પાસેથી રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુની રકમ ઉઘરાવી હતી.

આ રકમ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવાને બદલે સોળસુંબા ગ્રામ પંચાયત બજારના નામે અલાયદુ ખાતું એચડીએફસી બેન્કમાં ખોલાવી જમા કરી હતી અને તેનો વહીવટ કર્યો હતો અને પૂર્વ મંજૂરી સક્ષમ અધિકારી પાસેથી મેળવી ન હતી. વધુમાં આ દુકાનો સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હોવાનો ગણગણાટ શરૂ થતા કેટલાક લોકોએ પંચાયતમાં રસીદો આપી દુકાનના પૈસા પરત મેળવવા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા યોગ્ય પ્રત્યુતર ન મળતા જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર મામલે ફરિયાદ કરી તપાસ કરવા માંગ કરી હતી.

Most Popular

To Top