National

ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામમાં સંયુક્ત આરબ અમીરાતે મદદ કરી હતી

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન વારંવાર ભારત-પાકિસ્તાન વચ્ચેના ઝઘડામાં લવાદ બનવાની ઓફર કરી હતી, પણ ભારતે તેમને ભાવ આપ્યો નહોતો. કાશ્મીરનો વિવાદ પેદા થયો ત્યારથી ભારતનો અભિગમ રહ્યો છે કે તે બે દેશો વચ્ચેનો વિવાદ છે અને તેમાં તેઓ કોઈ ત્રીજા દેશની દખલગીરી ચાહતા નથી. ભૂતકાળમાં અમેરિકા ઉપરાંત રશિયાએ પણ આ વિવાદમાં લવાદી કરવામાં રસ બતાડ્યો હતો, પણ ભારતે તેમાં સંમતિ આપી નહોતી. હવે અચાનક પશ્ચિમી મીડિયામાં સમાચારો વહેતા થયા છે કે આ વર્ષના ફેબ્રુઆરી મહિનાની ૨૫ મી તારીખે ભારત-પાકિસ્તાન વચ્ચે લાઈન ઓફ કન્ટ્રોલ પર ફાયરિંગ બંધ કરવાનો જે કરાર કરવામાં આવ્યો તેમાં સંયુક્ત આરબ અમીરાતે કાજીની ભૂમિકા ભજવી હતી. રોઈટરના હેવાલ મુજબ જાન્યુઆરી મહિનામાં ભારતની અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાઓના ટોચના અધિકારીઓ દુબઇમાં મળ્યા હતા અને તેમણે મંત્રણાઓ કરી હતી.

પશ્ચિમી મીડિયાના હેવાલ મુજબ સંયુક્ત આરબ અમીરાતના પાટવી કુંવર શેખ અબ્દુલ્લા બિન ઝાયેદના પ્રયાસોથી ભારતે અને પાકિસ્તાને ૨૦૦૩ ના યુદ્ધવિરામના ઠરાવને વળગી રહેવાનો નિર્ણય કર્યો હતો. તા. ૨૫ મી ફેબ્રુઆરીના ભારતના અને પાકિસ્તાનના લશ્કરી અફસરો દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી તેના બીજા જ દિવસે બિન ઝાયેદ ભારતની મુલાકાતે આવ્યા હતા અને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરને મળ્યા હતા. હકીકતમાં સંયુક્ત આરબ અમીરાતના અમેરિકા ખાતેના રાજદૂત યુસુફ અલ ઓટૈબાએ જાહેર નિવેદન કર્યું છે કે તેમનો દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરી રહ્યો છે. જો કે ભારતે તે બાબતમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી. હવે તો એવું પણ બહાર આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇ ઉપરાંત લંડન, મનીલા અને થાઇલેન્ડમાં પણ મંત્રણાઓ ચાલી રહી હતી. આ મંત્રણાઓ માટે બેકચેનલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભારતને અને પાકિસ્તાનને આઝાદી મળી ત્યારથી બે દેશો વચ્ચે કાશ્મીર ઝઘડાનો મુદ્દો બની ગયું છે. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધો થઈ ચૂક્યા છે. કાશ્મીરને મુક્ત કરાવવા પાકિસ્તાની જાસૂસી સંસ્થા તેના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓને તાલીમ આપીને ભારતમાં મોકલે છે. આ આતંકવાદીઓ ભારતમાં ઘૂસી શકે તે માટે અંકુશરેખા ઉપર સતત ફાયરિંગ ચાલુ રાખવામાં આવે છે. ૨૦૧૯ ના ફેબ્રુઆરી મહિનામાં કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોને લઈ જતાં વાહન પર આતંકવાદી હુમલો થયો તેમાં ૪૦ જવાનો શહીદ થઈ ગયા તે પછી બે દેશો વચ્ચેના સંબંધો કથળી ગયા હતા. પુલવામાના હુમલાનો બદલો લેવા ભારતે બાલાકોટમાં પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ત્યારે બંને દેશો યુદ્ધની કગાર પર પહોંચી ગયા હતા. ત્યારે પાકિસ્તાનના ફાઇટર જેટે ભારતમાં પ્રવેશવાની કોશિશ કરી હતી. આ ઘટના પછી બંને દેશોએ પોતપોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા હતા અને વેપારી સંબંધો પણ ખોરવાઈ ગયા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદમાં સંયુક્ત આરબ અમીરાત કેવી રીતે લવાદ બન્યું? તે પણ વિચારવું જોઈએ. સંયુક્ત આરબ અમીરાત ભારત અને પાકિસ્તાન બંને સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. પાકિસ્તાનને તો અમીરાત દ્વારા માતબર ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. પાકિસ્તાનના અનેક કારીગરો અમીરાતમાં નોકરી કરે છે. તેઓ કમાઇને ડોલર પાકિસ્તાન મોકલે છે. પાકિસ્તાન અમીરાત સાથે વેપારી સંબંધો પણ ધરાવે છે. પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમોની બહુમતી છે તેમ સંયુક્ત આરબ અમીરાત પણ સુન્નીઓનો દેશ ગણાય છે. અમીરાત નથી ચાહતું કે પાકિસ્તાન ઇરાન, મલેશિયા કે તુર્કી જેવા દેશો તરફ વળી જાય. બીજી બાજુ બાલાકોટની ઘટના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ વધી ગઈ હતી. બંને દેશોના રાજકારણીઓ આ શત્રુતાનો અંત આણવા માગતા હતા, પણ ભારતમાં જે પાકિસ્તાનવિરોધી માહોલ પેદા થયો હતો તેમાં સત્તાવાર મંત્રણા ચાલુ કરવાની સરકારની હિંમત નહોતી.

વળી ભારતના ચીન સાથેના સંબંધોમાં તંગદિલી પેદા થતાં તે પાકિસ્તાન સાથે તડજોડ કરીને શાંતિ ચાહતું હતું. સંયુક્ત આરબ અમીરાત ભારત સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતું હોવાથી તેણે ભારતને અને પાકિસ્તાનને દુબઇમાં ગુપ્ત મંત્રણાનું આમંત્રણ આપ્યું હતું. બંને દેશોએ તે આમંત્રણ સ્વીકારી લીધું હતું અને જાન્યુઆરીમાં મંત્રણાના અનેક રાઉન્ડ યોજ્યા હતા. નવાઈની વાત છે કે ભારતના કે પાકિસ્તાનના મીડિયાને તેની ગંધ પણ આવી નહોતી. મંત્રણાને અંતે તા. ૨૫ ફેબ્રુઆરીના યુદ્ધવિરામને વળગી રહેવાની જાહેરાત કરવામાં આવી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઝઘડાનો હલ કાઢવાના પ્રયાસો ત્રણ મહિનાથી ચાલતા હતા. આ બાબતમાં ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ વચ્ચે ત્રીજા દેશોમાં ખાનગી બેઠકો ચાલતી હતી. ભારત વતી આ પ્રયાસોની આગેવાની નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત દોવલે લીધી હતી. તેઓ પાકિસ્તાનના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર મોઇદ યુસુફને કોઇ ત્રીજા દેશમાં મળ્યા હતા. તેમણે પાકિસ્તાની લશ્કરના વડા કમાર જાવેદ બાજવા સાથે પણ સંદેશવ્યવહારની કડી ચાલુ કરી હતી. મોઇદ યુસુફ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના સલાહકાર પણ છે. આવી અનેક બેઠકોના પરિપાકરૂપે ફેબ્રુઆરીમાં યુદ્ધવિરામને વળગી રહેવાની જાહેરાત કરવામાં આવી હતી.

દુબઇમાં જે બેઠકો યોજવામાં આવી તેમાં સરહદ પારના આતંકવાદને નિયંત્રિત કરવા ઉપરાંત બીજા પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં બે દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સામાન્ય બનાવવાના નિર્ણય ઉપરાંત સિંધુ નદીનાં પાણીની વહેંચણીના મુદ્દાની અને વેપારી સંબંધો ફરીથી સ્થાપિત કરવાની બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. તેનો અમલ પણ થયો હતો. માર્ચમાં સિંધુનાં પાણીની વહેંચણી બાબતમાં બેઠક પણ મળી હતી. પાકિસ્તાનમાં ભારતથી સાકર અને કપાસ મંગાવવા બાબતમાં માગણી પણ કરવામાં આવી હતી. ભારતમાંથી સાકર અને કપાસ ભરેલી ટ્રકો પાકિસ્તાન તરફ રવાના કરવામાં આવી હતી, પણ પાકિસ્તાને તેને પાછી કાઢી હતી. પાકિસ્તાનમાં કેટલાંક તત્ત્વો એવાં છે, જેઓ કોઈ રીતે ભારત સાથે શાંતિ પ્રસ્થાપિત થવા દેતા નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ઝઘડો ચાલે છે તેમાં બે દેશોનાં તોફાની તત્ત્વો જવાબદાર છે. તત્ત્વો લશ્કર ઉપરાંત જાસૂસી સંસ્થાઓમાં પડ્યા છે. કાશ્મીરનો વિવાદ ચાલુ રહે તો તેમને ફાયદો થાય તેમ છે. કાશ્મીરમાં આતંકવાદીઓ મોકલવા માટે જે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તેમાં લશ્કરના અધિકારીઓ જલસા કરે છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા અમેરિકાની જાસૂસી સંસ્થા સાથે પણ સંકળાયેલી છે. અમેરિકા ભારતનું મિત્ર હોવાનો દેખાવ કરે છે, પણ તેની જાસૂસી સંસ્થાઓ આતંકવાદીઓ તૈયાર કરવામાં મદદ કરે છે. અમેરિકા ચાહતું નથી કે ભારત અને પાકિસ્તાન સંપીને રહે. જો ભારત અને પાકિસ્તાન સંપી જાય તો તેનાં શસ્ત્રો કોણ ખરીદે? અમેરિકા ડબલ ગેમ રમે છે. એક બાજુ તે શાંતિની વાતો કરે છે તો બીજી બાજુ આતંકવાદીઓને હથિયારો આપે છે. જો સંયુક્ત આરબ અમીરાત જેવો દેશ પ્રયત્ન કરે તો આ વિવાદ કદાચ હલ થઈ શકે તેવો છે.

Most Popular

To Top