SURAT

વરાછાના બે મિકેનીક મુંબઈના બારમાં જલસા કરી ડ્રગ્સ લઈ સુરત આવતા હતા ત્યારે…

સુરત (Surat): સીમાડા પોલીસ ચેકપોસ્ટ પાસે ફોરવ્હીલર ગાડીમાં ગેરકાયદે રીતે બે જણા મુંબઈ (Mumbai) મીરા ભાંયદર રોડથી 1.94 લાખની કિંમતનું 19.45 ગ્રામ એમડી ડ્રગ્સ (MD Drugs) સુરતમાં લઈને આવતા હતા. ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે બંને આરોપીને પકડી તેમની પાસેથી કુલ 4.30 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ આરોપીઓ પચાસ લાખનું એમડી સુરતમાં નાંખી ચૂક્યા હોવાની વિગત જાણવા મળી છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી એમડી ડ્રગ્સ ઘુસાડનારાઓ સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. તેમ છતાં છાસવારે એમડી ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. ક્રાઈમ બ્રાંચે મંગળવારે ફરી સીમાડા પોલીસ ચેકપોસ્ટ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી રહેલા બે જણાને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, મંગળવારે સીમાડા ચેકપોસ્ટ ઉપર મરૂન કલરની ફિયાટ ફોરવ્હીલ ગાડી નં.(GJ-05-CR-8190)માં એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈથી સુરતમાં લવાઈ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવીને આ કાર આવતાની સાથે તેમની ઝડપી પાડ્યા હતા.

કારમાંથી શૈલેષભાઇ નાથુભાઇ પટેલ (ઉં.વ.૪૬) (રહે.,સૌરાષ્ટ્રનગર સોસાયટી, નાના વરાછા તથા મૂળ આમલી ફળિયું, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ) અને ડ્રાઇવર સીટની બાજુની સીટ ઉપર બેસેલા કમલેશ બાવનજી ચોવટિયા (ઉં.વ.૫૧) (રહે.,ફ્લેટ નં.૧૦૦૪, દસમાં માળે, લજામણી ચોક પાસે, મોટા વરાછા તથા મૂળ-જૂનાગઢ)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ૧૯.૪૫ ગ્રામનું કિંમત રૂ.૧,૯૪,૫૦૦નું એમડી ડ્રગ્સ તથા રોકડા રૂ.1.01 લાખ અને મોબાઈલ ફોન, કાર મળી કુલ ૪,૩૦,૭૩૦ની મત્તાનો મુદ્દામાલ કબજે લીધો હતો. ક્રાઈમ બ્રાંચે આરોપીને સારોલી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓ અગાઉ પાંચેક વખત એમડી ડ્રગ્સ લાવ્યા હતા
બંને આરોપીની પૂછપરછ કરતાં તેઓ આ ડ્રગ્સ મુંબઇ મીરા ભાયંદર રોડ ખાતે એક વ્યક્તિ પાસેથી લાવ્યા હતા. પકડાયેલા આરોપી પૈકી કમલેશ કાર પેઇન્ટિંગના કલર વેચવાનું કામ કરે છે. અને શૈલેષ ડ્રાઈવિંગ અને ગેરેજનું કામ કરે છે. બંને આરોપી અગાઉ ચારથી પાંચ વખત આ રીતે મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હતા. અને હાલ પણ તેઓ આ ડ્રગ્સ લાવી પોતે જ તેનું વેચાણ કરતા હતા. આ સિવાય મુંબઈમાં બારમાં જઈને મોજશોખ કરવા પણ ટેવાયેલા હતા. પોલીસ અનુસાર તેઓ અંદાજે પચાસ લાખનું એમડી સુરતમાં ઠાલવી ચૂક્યા છે.

Most Popular

To Top