Gujarat

હજારો ટ્રકોનાં પૈડાં ફરી દોડશે: 17 દિવસની હડતાળનો આવ્યો અંત, સુરત-તાપી જિલ્લાની 100 ક્વોરી ઉદ્યોગ ધમધમ્યા

વ્યારા: ગુજરાતના (Gujarat) બ્લેક ટ્રેપ (Black Trap) ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ૧૭ જેટલી માંગણી અંગે સરકાર (Government) દ્વારા કોઇ નિર્ણય ન લેવાતાં ગુજરાતભરની ક્વોરીઓનું કામકાજ સામૂહિક રીતે બંધ (Close) કરી દેવાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાં આશરે ૫ હજાર જેટલી ક્વોરીઓ બંધ થઈ ગઇ હતી. ૧૭ દિવસ સુધી ક્વોરીઓ બંધ રાખ્યા બાદ મંગળવારે પડતર ૧૭ માંગણી મુદ્દે હૈયાધરપત અપાતાં હાલ નિરાકરણ આવ્યું હતું. તમામ ક્વોરી માલિકોને તેમના ક્વોરી પ્લાન્ટ શરૂ કરવા ગુજરાતના બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાયે સૂચના આપતાં ફરી એકવાર ક્વોરી ઉદ્યોગ ધમધમતો થઈ ગયો છે. આજથી સુરત (Surat) અને તાપી (Tapi) આ બે જિલ્લાની ૧૦૦ જેટલી ક્વોરી પુન: ધમધમી ઊઠશે.

તાપી જિલ્લાની સોનગઢ, વ્યારા, વાલોડ અને ડોલવણની આશરે ૪૦ જેટલી ક્વોરી અને સુરત જિલ્લાની 60 ક્વોરીના સંચાલકો હડતાળમાં જોડાયા હતા. ઉદ્યોગ બંધ થતાં ૧૫ હજારથી વધુ લોકોને આર્થિક ફટકો પડ્યો હતો. ક્વોરી પરથી માલ વહન કરતી હજારો ટ્રકોનાં પૈડાં થંભી ગયાં હતાં. જેના કારણે ટ્રક માલિકો, ડ્રાઇવર, ઓપરેટરો પ્લાન્ટમાં કામ કરતા મજૂરોને વ્યાપક અસર થઈ હતી. ક્વોરી માલિકોની કુલ ૧૭ પૈકીની ૮ માંગ મુખ્યત્વે હતી. જેમાં ક્વોરીના ખાડાની માપણી, ખાનગી માલિકીની જમીનમાં ક્વોરી લીઝો હરાજી વગર આપવા, ક્વોરી ઝોન જાહેર કરવા-ખનીજ કિંમત રૂ.૩૫૦ની જગ્યાએ રૂ.૫૦ કરવાનો મુદ્દો મુખ્યત્વે હતો.

ક્વોરી એસોસિએશને હડતાળ પૂરી કરવા આ બાંયધરી મળી
વ્યારા: બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તથા અન્ય પ્રતિનિધિઓ તેમજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજના અધિકારીઓની યોજાયેલી બેઠકમાં બ્લેક ટ્રેપ ખનીજની લીઝોમાં ખાડા માપણી તથા ખનીજ કિંમત નક્કી કરવા અંગે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીના અધિકારીઓ તથા બ્લેકટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓની સંયુક્ત કમિટી બનાવી ૩ માસમાં પોલિસી નક્કી કરવામાં આવશે. પોલિસી નક્કી ન થાય ત્યાં સુધી રાજ્યમાં બ્લેકટ્રેપ ખનીજની લીઝો તથા સ્ટોકની માપણી/દંડ કરવામાં આવશે નહીં. ખાનગી માલિકીની જમીનોમાં લીઝોની ફાળવણી કરવા બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી દ્વારા સરકારમાં દિન-૭માં દરખાસ્ત કરવામાં આવશે. જૂની તથા નવી લીઝોમાં રોયલ્ટી તથા પ્રિમિયમ બાબતે એકસૂત્રતા જળવાય એ મુજબ પ્રિમિયમ નક્કી કરવામાં આવશે.

Most Popular

To Top