Business

પર્યટકોથી ઊભરાતું ગામ એટલે દમણના મરવડ પંચાયત ક્ષેત્રનું ગામ દેવકા

સંઘ પ્રદેશ દમણમાં જો પર્યટકોને કોઈ જગ્યા આકર્ષિત કરતી હોય તો એ છે, મરવડ પંચાયત ક્ષેત્રમાં આવેલું ગામ દેવકા. આમ તો, સમગ્ર દમણ ખાણીપીણી અને મોજમસ્તી માટે જાણીતું છે જ. પરંતુ જો દમણમાં હરવા ફરવાલાયક સ્થળોની જો વાત આવે તો તેમાં સૌથી વધારે પર્યટકોને વર્ષોથી પસંદ પડતું આવ્યું છે મરવડ પંચાયતનું દેવકા ગામ. છેલ્લાં ઘણાં વર્ષોથી દેવકામાં આવેલી વિવિધ હોટલો અને દરિયા કિનારાને લઈ પર્યટકો અહીં વર્ષ દરમિયાન અનેકવાર મુલાકાત લેતા હોય છે. જેને લઈ ગામનો પણ સારો એવો વિકાસ થયો છે. અને આ ગામ થકી જ મરવડ પંચાયતની એક આગવી ઓળખ ઊભી થઈ છે. દરિયા કિનારે વસેલા આ ગામની વાત કરીએ તો મરવડ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તાર 4.3 સ્ક્વેર કિલોમીટરનો છે.

જેમાં કુલ 3 ગામ આવેલાં છે. જેમાં મરવડ, દેવકા અને દલવાડાનો સમાવેશ થયો છે. જેમાં મરવડ ગામમાં 5 ફળિયાં આવેલાં છે. જેમાં ભાઠી ફળિયું, પટેલ ફળિયું, દુકાન ફળિયું, મોટા ઘર ફળિયું તથા ભંડારવાડનો સમાવેશ થયો છે. જ્યારે દેવકા ગામમાં 4 ફળિયાં આવેલાં છે. જેમાં દેવકા તાઈવાડ, દેવકા હળપતિવાસ, દેવકા કોલોની અને દેવકા ભંડારવાડનો સમાવેશ થયો છે. જ્યારે ત્રીજું ગામ છે દલવાડા. જે ચાર ફળિયાથી જ બનેલું ગામ છે. જેમાં ચોકી ફળિયું, પ્રકાશ ફળિયું, સ્કૂલ ફળિયું અને માહ્યાવંશી ફળિયાંનો સમાવેશ થયો છે. મરવડ પંચાયત ક્ષેત્રનાં આ ત્રણેય ગામમાં પટેલ સમાજના લોકોનું વિશેષ પ્રભુત્વ જોવા મળે છે. આ સિવાય હળપતિ, ભંડારી, માહ્યાવંશી, ઘોડી અને ઓડ જાતિના લોકો વસવાટ કરે છે.

અગાઉ મરવડ અને કડૈયા મળીને એક પંચાયત હતી. પરંતુ સમય જતાં ગામની જન સંખ્યાને ધ્યાન પર લઈ વર્ષ-2005માં કડૈયા પંચાયતથી મરવડને અલગ કરી મરવડ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ગામમાં પાંચ જેટલા સરકારી કૂવા આવેલા છે. જેમાં એક મરવડ સ્કૂલ પાસે, મેરૂ તળાવ પાસે, સુરા ફળિયામાં, માહ્યાવંશી ફળિયામાં અને દેવકામાં આવેલો કૂવો ગામના લોકોની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરે છે. આમ તો વિકસિત ગામ હોવાને લઈ ઘરે ઘરે નળનાં કનેક્શન હોવાથી જૂજ લોકો જ કૂવાના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 10,904 જેટલા લોકોની વસતી હાલમાં જોવા મળે છે. અગાઉ ગામના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. જ્યાં ડાંગર, તુવેર, અડદ અને વાલની ખેતી મુખ્યત્વે કરવામાં આવતી હતી. પરંતુ સમય જતાં અહીંનો યુવા વર્ગ નોકરી, વ્યવસાય અને ટ્રાન્સપોર્ટેશનના ધંધા તરફ વળતાં ખેતી કરવાનું કાર્ય હવે ઓછા વિસ્તારમાં જ જોવા મળી રહ્યું છે.

મરવડ પંચાયત વિસ્તારમાં ઔદ્યોગિક એકમો પણ ઘણા સ્થાપિત થયાં છે. જેમાં પ્લાસ્ટિક, ફાર્મા અને ગારમેન્ટ કંપનીઓ મુખ્યત્વે છે. જે ઔદ્યોગિક એકમોમાં ગામના સ્થાનિક લોકોની સાથે પરપ્રાંતીય લોકો રોજગારી મેળવી પોતાનો અને પરિવારનો જીવનનિર્વાહ કરે છે. આમ તો, મરવડ પંચાયત વિસ્તારમાં પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ અને અન્ય વિકાસનાં કામો અગાઉથી જ થઈ રહ્યાં છે. પરંતુ હાલમાં જો કોઈ સમસ્યા હોય તો એ ગામના રસ્તાની જોવા મળી રહી છે. પરંતુ દમણની તમામ પંચાયતોને મોડલ પંચાયતમાં સમાવિષ્ટ કરી દેતાં હવે રસ્તાની સમસ્યા પણ ટૂંક સમયમાં જ હલ થઈ શકશે. ત્યારે જોવા જઈએ તો, એકંદરે શાંત અને સુમેળભર્યા વાતાવરણ વચ્ચે અહીંના લોકો કોઈપણ પ્રકારની નાતજાતનો ભેદભાવ રાખ્યા વિના એક સંપ થઈને રહેવામાં માને છે.

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયત

સરપંચ – પ્રિતિબેન ધનસુખભાઈ હળપતિ
ઉપસરપંચ – સતીષભાઈ ગુલાબભાઈ પટેલ
પંચાયતના સભ્યોની સંખ્યા- 10
1.અશોકભાઈ જેરામ પટેલ – વોર્ડ નંબર – 1 સભ્ય, પટેલ ફળિયા, મરવડ
2.ચેતનાબેન દોલતરાય પટેલ – વોર્ડ નંબર – 2 સભ્ય, પટેલ ફળિયા, મરવડ
3.સતીષભાઈ ગુલાબ – વોર્ડ નંબર -3 સભ્ય, મોટાઘર ફળિયા, મરવડ
4.રાગીણી સતીષભાઈ પટેલ – વોર્ડ નંબર – 4 સભ્ય, મોટાઘર ફળિયા, મરવડ
5.વિજયભાઈ રતિલાલ દમણીયા – વોર્ડ નંબર – 5 સભ્ય, માહ્યાવંશી ફળિયા, દલવાડા
6.પ્રવીણભાઈ ભીમુભાઈ પટેલ – વોર્ડ નંબર – 6 સભ્ય, પ્રકાશ ફળિયા, દલવાડા
7.બલરામભાઈ નારણભાઈ પટેલ – વોર્ડ નંબર – 7 સભ્ય, સ્કૂલ ફળિયા, દલવાડા
8.આશીફા બાનુ ઝાકીર હુસૈન પીરવાલા – વોર્ડ નંબર – 8 સભ્ય, દેવકા તાઈવાડ
9.વર્ષાબેન ઉમેશભાઈ પટેલ – વોર્ડ નંબર – 9 સભ્ય, દેવકા તાઈવાડ, ભંડારવાડ
10.નર્મદાબેન દામુભાઈ હળપતિ – વોર્ડ નંબર – 10 સભ્ય, દેવકા કોલોની
જિલ્લા પંચાયત સભ્ય – નવીનભાઈ રમણભાઈ પટેલ, પ્રકાશ ફળિયા, દલવાડા

મરવડ પંચાયત વિસ્તારની 2 સરકારી શાળામાં 600થી વધુ બાળકો મેળવે છે શિક્ષણ

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં 2 સરકારી શાળા આવેલી છે, જેમાં મરવડ ગામમાં 1 અને દલવાડા ગામમાં 1 સ્કૂલનો સમાવેશ થાય છે. મરવડ ગામની સરકારી શાળામાં ધોરણ-1થી 10 સુધીનો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. જેમાં લગભગ 150 જેટલાં બાળકો અભ્યાસ કરે છે. જ્યારે દલવાડાની સરકારી શાળામાં ધોરણ-1થી 8 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળામાં ગુજરાતી અને હિન્દીના પાઠ્યક્રમનું શિક્ષણ બાળકોને આપવામાં આવે છે. આ શાળામાં આશરે 455થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ બંને શાળામાં ધોરણ-1થી 8 સુધીનાં બાળકોને દરરોજ અક્ષયપાત્ર દ્વારા અપાતું મધ્યાહન ભોજન પણ પીરસવામાં આવે છે. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે સ્કૂલમાં ધોરણ-1થી 8ના વર્ગોનું શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે.

મરવડ ગ્રામ પંચાયતમાં આવ્યાં છે 6 નંદઘર

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં 6 જેટલાં નંદઘર આવ્યાં છે. જેમાં હળપતિવાસ, દુકાન ફળિયા, ચોકી ફળિયા, પ્રકાશ ફળિયા, દેવકા તાઈવાડ અને દેવકા કોલોનીનો સમાવેશ થાય છે. આ 6 ફળિયામાં રહેતા પરિવારનાં નાનાં-નાનાં ભૂલકાંને 6 નંદઘરના ટીચર્સ સવારે 8-30થી 12-30 સુધી વિવિધ રમતો રમાડે છે અને સાથે સાથે શિક્ષણનું પ્રથમ પગથિયું ચઢાવતા પણ શિખવે છે. આ 6 નંદઘરના ટીચર્સની સાથે એક હેલ્પરની સુવિધા પણ આપવામાં આવી છે. અગાઉ આ નંદઘરને આંગણવાડી તરીકે પણ ઓળખવામાં આવતાં હતાં.

મોટી માતાજીના મંદિરે ગોઠવાય છે લગ્નોત્સુકોનાં સગપણ

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં મોટી માતાજીનું એક મંદિર આવેલું છે. આ મંદિર ગામના લોકો માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે. વર્ષો પહેલાં આ મંદિરને પણ લલ્લુ જોગી નામના રહીશે બનાવ્યું હતું. ત્યાર બાદ નાનાસરખાં આ મંદિરને ગામના લોકોએ સ્વભંડોળ એકત્ર કરી લાખો રૂપિયાના ખર્ચે વર્ષ-2018માં એક મોટા મંદિરનું નિર્માણ કર્યું હતું. આ મંદિરમાં મોટી માતા, માં સરસ્વતી, માં મહાલક્ષ્મી અને માં ચાંપાવતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. દર વર્ષે વૈશાખ સુદ આઠમના દિવસે માતાજીનો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં નવચંડી યજ્ઞ, શાંતિ હોમ, મહાપ્રસાદ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય વર્ષ દરમિયાન આવતા તમામ નાના-મોટા ધાર્મિક કાર્યક્રમો પણ મંદિર પરિસરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. કહેવાય છે કે, ગામનાં દીકરા-દીકરીનું સગપણ પણ જો ગોઠવવાનું હોય તો આ જ મંદિરમાં બેસી ગોઠવવામાં આવતું હોય છે. આ મંદિરમાં પણ વર્ષ દરમિયાન નવરાત્રિ, ગણપતિ તથા અન્ય તહેવાર નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ગામના લોકો ઉત્સાહપૂર્વક આયોજન કરતા હોય છે.

મરવડનું મત્સ્ય માતાજીનું મંદિર પણ જાણીતું છે

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં મોટી માતાજીના મંદિર સિવાય મત્સ્ય માતાજીનું પણ એક મંદિર આવેલું છે. કહેવાય છે કે, જે-તે સમયે આ મંદિરની જગ્યા પર મોટી માછલીનું હાડપિંજર જોવા મળ્યું હતું. જેને લઈ અહીં મત્સ્ય માતાજી સ્વયં પ્રગટ થયા હોવાની લોકવાયકા પણ પ્રચલિત થઈ હતી. 1957 પહેલાં આ મંદિર નાનકડું મંદિર જેવું હતું. ત્યારબાદ જે-તે સમયે ગામના રહીશ લલ્લુ જોગીએ મંદિર મોટું બનાવવા નવા મંદિરનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું. સમય જેમ જેમ વીતતો ગયો એમ મંદિર મોટું બનાવવા ગામના લોકોએ સ્વભંડોળ એકત્ર કરવાનું શરૂ કરી નવું મોટું મંદિર વર્ષ-2004માં બનાવ્યું હતું. ગામના લોકો અહીં પણ આસ્થા સાથે મત્સ્ય માતાજીની આરતી સવાર-સાંજ કરે છે. અને વારે તહેવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરતા હોય છે.

મરવડ ગામનું છીબડી માતાજીનું મંદિર સાચવીને બેઠું છે ઇતિહાસ
મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં મોટી માતાજી, મત્સ્ય માતાજી સિવાય છીબડી માતાજીનું પણ એક મંદિર આવેલું છે. કહેવાય છે કે, આજથી 200 વર્ષ પહેલાં ગામમાં પાણીની અછત વર્તાઈ હતી. ત્યારે ગામના લોકોએ અત્યારે જે જગ્યાએ મંદિર છે એ જગ્યા પર કૂવો ખોદવાનું કાર્ય શરૂ કર્યું હતું. ખારપાટ જમીન હોવા છતાં ગામના લોકોએ કૂવો ખોદવાનું કાર્ય શરૂ કર્યું અને થોડો ઊંડો કૂવો ખોદતાની સાથે જ એક મોટો પથ્થર જોવા મળ્યો હતો. અને એ પથ્થર નીચેથી અચાનક મીઠા પાણીના ફુવારા ઊડ્યા હતા. અને જોતજોતામાં કૂવો પાણીથી ભરાઈ ગયો હતો. ત્યારબાદ ગામના લોકોએ એ પથ્થરને સલામત રીતે બહાર કાઢી એક નાનુંસરખું મંદિર બનાવી ગામના પાદર માતા તરીકે સ્થાપિત કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી. ત્યાર લઈ અત્યાર સુધી ખેતીકામ કે અન્ય કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં છીબડી માતાજીનાં આશીર્વાદ લઈને જ તમામ કાર્યો શરૂ કરવામાં આવે છે. જે-તે સમયે આ મંદિરનું નિર્માણ કાર્ય પણ ગામના રહીશ લલ્લુ જોગીએ કર્યું હતું. ત્યાર બાદ સમય જતાં ગામના અન્ય રહીશ જયેશ પટેલ સહિતના અગ્રણીઓએ ફંડ એકત્ર કરી નવા મંદિરનું નિર્માણ કાર્ય કર્યું હતું. આજે પણ ગામમાં લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ શુભ કાર્ય હોય તો ગામના લોકો માતાજીના દર્શન કરીને જ જે-તે કાર્ય શરૂ કરે છે.

મરવડમાં જ આવ્યું છે ખ્રિસ્તી સમુદાયનું એક ચર્ચ

મરવડ ગામમાં મંદિરોની સાથે આજ વિસ્તારમાં ખ્રિસ્તી સમુદાયનું એક ‘ધ લાઇફ ઓફ સેન્ટ એન્થની ઓફ પડવા’ નામનું ચર્ચ પણ આવેલું છે. સેન્ટ એન્થની પડવા એ પોર્ટુગલમાં નવમી સદીના પાદરી અને તપસ્વી (ફ્રાયર) હતા. જેમનો જન્મ 1195ની 15 ઓગસ્ટના દિવસે પોર્ટુગલના લીઝબેન શહેરમાં થયો હતો. જ્યારે તેમનું મૃત્યુ 13 જૂન-1231માં ઈટલીના પડવા શહેરમાં થયું હતું. તેઓ શાસ્ત્રના નિષ્ણાત હતા. તેમના શક્તિશાળી ઉપદેશ લોકોને કાયલ કરતા હતા. તેમને ગરીબો અને માંદા લોકો પ્રત્યે અપાર પ્રેમ હતો. ત્યારે નાતાલ અને અન્ય ખ્રિસ્તી ધર્મના તહેવાર દરમિયાન આ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકો માસ (પ્રાર્થના) માટે આવતા હોય છે.

મરવડ પંચાયતના દલવાડાનું વાસુકીનાથ મહાદેવ મંદિર પ્રચલિત

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના દલવાડા ગામમાં શ્રી વાસુકીનાથ મહાદેવનું એક સુપ્રસિદ્ધ મંદિર પણ આવેલું છે. આ મંદિર પણ પ્રદેશનાં અન્ય શિવાલયોની જેમ જ ઘણું પ્રચલિત છે. વર્ષ-2005માં જયરામદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટી અનિલ અગ્રવાલ દ્વારા આ મંદિરનું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. મહાદેવના આ મંદિરમાં રામ-સીતા-લક્ષ્મણ મંદિર, બ્રહ્માણી માતાનું મંદિર, જલારામ બાપાનું મંદિર, રાધા-કૃષ્ણ મંદિર, સાંઈબાબા મંદિર અને શનિદેવનું મંદિર આવેલું છે. શ્રાવણ માસ, શિવરાત્રિ, વસંત પંચમી અને અન્ય તહેવાર નિમિત્તે ખાસ મંદિરમાં અભિષેક, હવન, પૂજા પાઠ અને મહાપ્રસાદનું આયોજન થતું હોય છે. ખાસ કરીને શ્રાવણ માસમાં આ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં ભોલે બાબાના દર્શનાર્થે ઊમટતા હોય છે.

દલવાડામાં કરાઈ છે ખત્રી બાપાના મંદિરની સ્થાપના

દલવાડા ગામમાં રહેતા રમણભાઈ કુંવરજી પટેલના દાદા 1943ની સાલમાં માછીમાર ભાઈઓ સાથે જંગલ વિસ્તારમાં જતા હતા. જ્યાં સેલવાસના ટોકરખાડીમાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યાં માછીમારોએ જ એમના પ્રમાણે તેમની અંતિમ વિધિ કરી નાંખી હતી. જે બાદ મળેલી માહિતી પ્રમાણે આ પરિવારના આ સદસ્ય પર કોઈ ને કોઈ આફતો આવતી જતી હતી. અંતે એક ભગત દ્વારા ખત્રી બાપાની સ્થાપના કરી તેના મંદિરનું નિર્માણ કરવાનું પરિવારને સૂચિત કરતાં પરિવાર દ્વારા ખત્રી બાપાનું મંદિર સ્થાપિત કર્યા બાદ તેમના પર આવતાં સંકટો દૂર થયાં હતાં. ત્યારથી લઈ અત્યાર સુધી દર વર્ષે ચૈત્ર માસમાં ઢોલ-નગારાં વગાડવામાં આવે છે અને મંદિરમાં શાંતિ ઓમ કરાય છે.

દેવકા તાઈવાડમાં આવી છે રમઝાની અને ગરીબ નવાઝ મસ્જિદ

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના દેવકા ગામમાં તાઈવાડ વિસ્તારમાં મુસ્લિમ સમાજની વસતી વસેલી છે. આ વિસ્તારમાં સ્થાનિક અને પરપ્રાંતિય સાથે આશરે 1100 જેટલા મુસ્લિમ પરિવાર વસવાટ કરે છે. ગામમાં 2 મસ્જિદ આવેલી છે. જેમાં સુન્નત જમાતની રમઝાની મસ્જિદનું નિર્માણ 58 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. જ્યારે સુન્ની મુસ્લિમ સુન્નત જમાતની ગરીબ નવાઝ મસ્જિદનું નિર્માણ કાર્ય 2008માં કરાયું હતું. અહીં વસતા મુસ્લિમ બિરાદરો દરરોજ નિયત સમયે નમાઝ અદા કરી ખુદાની બંદગી કરે છે. સાથે દર વર્ષે રમજાન ઈદ, બકરી ઈદ અને અન્ય મુસ્લિમ તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. આ સાથે જ દેવકાના સમર હાઉસની પાસે એક પીર સૈયદ કાઝી મોહમ્મદની 125 વર્ષ જૂની દરગાહ પણ આવેલી છે. જ્યાં ઉર્સ અને અન્ય મુસ્લિમ કાર્યક્રમો પણ આયોજીત થતા હોય છે.

દેવકામાં આવેલી દરિયાઈ વઝીરની દરગાહ છે મુસ્લિમ બિરાદરોની આસ્થાનું કેન્દ્ર

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના દેવકા સ્થિત આવી છે વર્ષો જૂની યા પીર સૈયદ હાજી મહોમદ દરિયાઈ વજીર દેવકા સરકારની દરગાહ. જ્યાં દેવકા તથા દમણમાં વસતા મુસ્લિમ બિરાદરો દરગાહમાં બંદગી કરવા આવતા હોય છે. આ દરગાહ મુસ્લિમ બિરાદરોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં વર્ષ દરમિયાન ઉર્સ અને અન્ય મુસ્લિમ તહેવારોની પણ ઉજવણી થતી હોય છે.

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના દેવકાનો દરિયા કિનારો આમ જોવા જઈએ તો પર્યટકો માટે હોટ ફેવરિટ ગણાય છે. શનિ-રવિવારના દિવસે અને વેકેશનના સમયે મોટા ભાગના પર્યટકો આ જ વિસ્તારમાં જોવા મળે છે. દમણની તમામ ખ્યાતનામ હોટલો પણ દેવકામાં જ આવી છે. જ્યાં સુરત, બરોડા, અમદાવાદ, મુંબઈ અને મહારાષ્ટ્ર તથા આસપાસના પર્યટકો અહીં મોજમસ્તી કરતા હોય છે. ત્યારે દમણ પ્રશાસન દ્વારા મોટી દમણ લાઈટ હાઉસથી જામપોર સી-લિંક રસ્તાનું કાર્ય પૂર્ણ કરી દીધું હોય, જે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અને હવે દેવકાની જગ્યાએ પર્યટકો જામપોરની મુલાકાત વધુ લેતા હોય છે. ત્યારે દેવકામાં પણ હાલના દિવસોમાં દરિયા કિનારે સી-લિંક રસ્તાના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. સાથે જૂના દેવકા ગાર્ડનને પણ સંપૂર્ણપણે નવા રૂપરંગમાં પરિવર્તિત કરવાની કવાયત પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે. જેને લઈ પર્યટકો અહીં રાત્રે હોટલમાં મોજમસ્તી અને ખાણીપીણીની સાથે લોકલ માર્કેટમાં ખરીદી કરવાનું પસંદ કરે છે. બીજી તરફ દેવકામાં જ દરિયા કિનારે આવેલા વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા ઈકો પાર્કની પણ પર્યટકો અવશ્ય મુલાકાત લે છે. અને અહીંના કુદરતી વાતાવરણમાં પોતાના પરિવાર સાથે આહલાદક સમય વિતાવતા હોય છે. જ્યારે બીજી તરફ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા યુવાનો અહીંનાં લોકેશન અનુરૂપ ફોટોગ્રાફીનો આનંદ ઉઠાવતા હોય છે.

 મરવડ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં 2 તળાવ પણ છે

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2 મોટાં તળાવ આવેલાં છે. જેમાં ભાભલુ નામનું તળાવ એ મરવડ ગામમાં આવ્યું છે. જ્યારે સત્ય સાગર ઉદ્યાન તળાવ એ દલવાડા ગામમાં આવ્યું છે. આ બંને તળાવમાં વર્ષ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ રહેતું હોય છે. જેનો જરૂરી વપરાશ ગ્રામજનો ખેતી તથા અન્ય કામકાજમાં ઉપયોગમાં લેતા હોય છે.

ગામના લોકોનો એક સમયનો મુખ્ય વ્યવસાય ‘તાડી’ હતો

છેલ્લા ઘણા સમયથી વિકાસને વેગ મળતાં મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતની કાયાપલટ થઈ છે. અને હજુ પણ આ વિસ્તાર આગળ વધવા આતુર છે. કુદરતે ખોબો ભરીને કુદરતી સૌંદર્યનું સુખ આપ્યું છે. ત્યારે આ વિસ્તારમાં જોવા જઈએ તો ખજૂરીનાં ઝાડ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એક સમયે ગામના લોકોનો મુખ્ય વ્યવસાય તાડી ગાળવાનો હતો. પરંતુ સમય જતાં લોકો નોકરી, વ્યવસાય અને અન્ય ધંધા તરફ વળતાં તાડી ગાળવાનું કાર્ય હવે ઓછા લોકો જ કરી રહ્યા છે. ખાસ કરીને ઘરના વયોવૃદ્ધ લોકો જ પારંપરિક રીતે આજે પણ માટલામાં ખજૂરીના ઝાડમાંથી તાડી ગાળવાનું કાર્ય કરે છે.

ગૃહ ઉદ્યોગો થકી મહિલાઓ બની આત્મનિર્ભર

સમય બદલાતાની સાથે મરવડ ગામે પણ વિકાસની દિશામાં દૃષ્ટિ માંડી છે. એક સમય હતો જ્યારે પરિવારમાં પુરુષ કામ કરે અને મહિલાઓ ઘર સંભાળે. પરંતુ આજના સમયમાં મહિલાઓ પુરુષ સમાવડી બની રહી છે. અને આર્થિક રીતે પગભર થવા સાથે કુટુંબની આજીવિકા ચલાવવા મદદરૂપ થઈ રહી છે. ત્યારે સરકારી યોજનાઓ હવે ગ્રામ્ય વિસ્તાર સુધી વિસ્તરી ચૂકી છે. અને મહિલાઓ પણ વિકાસની દિશામાં યોગદાન આપી રહી છે. ત્યારે મરવડ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારની મહિલાઓ તેમાંથી બાકાત કેમ રહે. આ ગામમાં 3 જેટલાં મહિલામંડળ આવેલાં છે. જેમાં ગામની મહિલાઓ આત્મનિર્ભર બની ગૃહ ઉદ્યોગોનું કામ કરે છે, જેમાં અથાણાં, પાપડ, ચીકી તથા અન્ય ખાદ્ય સામગ્રી બનાવે છે. જ્યારે અમુક મહિલાઓ સિલાઈ કાર્ય કરે છે.

મરવડ હોસ્પિટલમાં મળે છે લોકોને સારવારનો લાભ

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સ્વાસ્થ્ય કેન્દ્રનો અભાવ છે. તેમ છતાં ગામના અમુક લોકો કડૈયા પંચાયતમાં આવેલા સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર સમયાંતરે નાની-મોટી બીમારીનું નિદાન કરાવવા જતા હોય છે. ત્યારે મરવડ ગામની બાજુમાં જ પાલિકા વિસ્તારમાં દમણની મરવડ સરકારી હોસ્પિટલ આવેલી છે. જ્યાં તમામ બીમારીઓનું નિદાન અને તેનો ઈલાજ તજજ્ઞ ડોક્ટરો દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે ગામના મોટા ભાગના લોકો મરવડ હોસ્પિટલમાં સારવાર કરવાનો લાભ લેતા હોય છે.

વૈદિક ડેન્ટલ કોલેજમાં ગુજરાત, મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ લે છે ડેન્ટિસ્ટની ડિગ્રી

મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના દલવાડા ગામમાં દમણની એકમાત્ર ડેન્ટલ કોલેજ આવેલી છે. વૈદિક ડેન્ટલ કોલેજમાં દમણના જ નહીં પણ ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યના વિદ્યાર્થીઓ દાંતના ડોક્ટર બનવાનું ભણતર ભણે છે અને ડેન્ટિસ્ટની ડિગ્રી લઈ પોતાની કારકિર્દીનું ઘડતર કરે છે.

Most Popular

To Top