Columns

ગુસ્સો છોડવા માટે

એક માણસ ભગવાન ગૌતમ બુધ્ધ પાસે આવ્યો અને પ્રણામ કરી બોલ્યો, ‘ભગવન્ મને મારા સ્વભાવમાં એક તકલીફ લાગે છે અને મારે તે દૂર કરવી છે. મને માર્ગ દેખાડો.’બુધ્ધ બોલ્યા, ‘બહુ સારી વાત છે કે તમને તમારા સ્વભાવની તકલીફ સમજાય છે. બોલો શું તકલીફ છે.હું શક્ય હશે તો માર્ગ દેખાડીશ અને તમે પ્રયત્ન કરશો તો તેમાંથી બહાર આવી શકશો.’ માણસ બોલ્યો, ‘ભગવન્ મને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે.નાની નાની વાતે ગુસ્સે થઈ જાઉં છું અને કોઈની પણ સાથે ઝઘડો કરી બેસું છું.બધા મારાથી દૂર ભાગે છે.મારા સંબંધો બધા સાથે બગડી રહ્યા છે.હું ગુસ્સો ઓછો કરવાની ઘણી કોશિશ કરું છું પણ તે ઓછો થતો જ નથી.મને મહેરબાની કરીને એવો કોઈ ઉપાય બતાવો, જેનાથી મારો ગુસ્સો ઓછો થાય..

એવી કોઈ ધ્યાન ..પાઠ ..સાધના બતાવો, જે હું ધીમે ધીમે મારી ઈચ્છા મુજબ થોડી થોડી કરું અને ધીમે ધીમે હું આ બહુ ગુસ્સો કરવાની આદતમાંથી બહાર આવું.તમે જે કહેશો તે હું કરીશ.’ ગૌતમ બુધ્ધ હસ્યા અને બોલ્યા, ‘આ શકય છે પણ અને નહિ પણ …તમને તમારી તકલીફ ..તમારી ખામી ખબર છે તે તમે કબૂલ કરો છો તે સારી વાત છે.પણ તમારે તેમાંથી તમારી રીતે ધીમે ધીમે જયારે થાય ત્યારે દૂર કરવી છે તો તે શક્ય નથી.’ માણસને કંઈ સમજાયું નહિ.ભગવાન બુધ્ધે વાત કરતાં કરતાં અચાનક પાસે પડેલા દીવાની જ્યોત માણસના હાથને જરા અડકાડી અને માણસે ધીમી ચીસ સાથે હાથ તરત જ એક ઝટકામાં ખેંચી લીધો અને બોલ્યો, ‘ભગવન્ , આ શું હું દાઝી જાત..’ ગૌતમ બુધ્ધ બોલ્યા, ‘માફ કરજે ભાઈ, પણ તને સમજાવવું હતું કે જે વસ્તુ જાતને દઝાડતી હોય તેનાથી ખબર પડે કે તરત જ એક ઝટકામાં દૂર થઇ જવું જોઈએ.

જો મારી એક વાતનો જવાબ આપ કે એવો કોઈ ઘર માલિક હોય કે જેના ઘરમાં આગ લાગી છે…ઘર માલિક તરીકે એને ખબર છે કે આગ લાગી છે,પણ માલિક કહે છે હું ધીમેધીમે આગમાંથી દાઝ્યા વિના આરામથી બહાર જઈશ.શું આ શક્ય છે?’ માણસ બોલ્યો, ‘ના,આગમાંથી દાઝ્યા વિના કોણ બહાર આવી શકે અને તે પણ ધીમે ધીમે ….ત્યાં સુધી આગ બધું બાળી ન નાખે…આગનો તો પહેલો ચટકો લાગે ત્યારે જ તરત બહાર ભાગી જવું જોઈએ…હમણાં મેં કેવો તરત હાથ પર દીવો દાઝતા હાથ દૂર લઇ લીધો તેમ.’ ભગવાન બુધ્ધ બોલ્યા, ‘બસ, તારી તકલીફનો ઉત્તર મેં આપી દીધો છે.તારો ગુસ્સો તને અને તારા સંબંધોને બાળે છે તેમાંથી ધીમે ધીમે બહાર આવવાનો કોઈ માર્ગ જ નથી. એક જ ઝાટકે બહાર આવવું પડશે.’ભગવાન બુધ્ધે માણસની આંખો ખોલી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top