Business

‘B’ ગ્રુપવાળાએ એન્જિનિયરીંગમાં પ્રવેશ લેવાનો?- 2021

વ્હાલા વિદ્યાર્થી મિત્રો, કોરોના હળવો થવાથી હળવાશ અનુભવવા વરસાદની મોસમ માણતાં હશો. સાથે જ 15 દિવસ પછી એટલે કે 6th Aug.2021 Guj Cetની તૈયારીઓ કરતાં હશો, કરી જ લેજો. એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી માટે ઢીલાશ ન મૂકતાં તૈયારીમાં મંડી રહેજો. સાથે જ થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે આ વખતે ‘B’ જૂથવાળા વિદ્યાર્થીઓ એટલે જેમણે વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી લીધું હોય તેવા વિદ્યાર્થીઓ પણ એન્જિનિયરીંગ-B.E. માટે અપ્લાય કરી શકશે. શા માટે આવી નીતિ આવી કે લાવવી પડી? All India Council of Technical Education-AICTE  જે રાષ્ટ્ર લેવલે ટેક્નિકલ શિક્ષણ માટેની કાઉન્સિલ છે. જે ટેક્નિકલ શિક્ષણમાં પ્રવેશ લેવા બાબતે, શિક્ષણ બાબતે વખતોવખત નિયમો બહાર પાડે છે. એવું જાણવા મળે છે કે છેલ્લાં બે-ત્રણ વર્ષથી ત્રણ – ચાર રાજ્યોએ AICTEને પત્ર લખ્યા કે એન્જિનિયરીંગ ક્ષેત્રની બેઠકો ખાલી રહે છે જયારે જીવવિજ્ઞાન સાથે મળતાં વિકલ્પોમાં મેડિકલ-ક્ષેત્રે જેટલા વિદ્યાર્થી પાસ થાય એટલી બેઠકો ઉપલબ્ધ નથી માટે જીવવિજ્ઞાન સાથે ધો.12 પાસ કરનાર વિદ્યાર્થીને બેચલર ઓફ એન્જિનિયરીંગમાં લાયક ગણી પ્રવેશ આપવો.

સાથે જ NEP-New Education Policy-2020 આવી. મુખ્ય આશય વિદ્યાર્થીનો સાફલ્યવાદી વિકાસ કરવાનો જેમાં વિદ્યાર્થીને વિનયન, કળા, વિજ્ઞાનમાંથી વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા આપવાની. વિદ્યાર્થી વિવિધ ક્ષેત્રમાં વ્યાવસાયિક કુશળતા વિકસાવી શકે અને પોતાનાં સ્વપ્નો પૂરા કરી શકે. વધુ સુગમતા સાથે શિક્ષણમાં સહજતા અનુભવી શકાય.  હવે ફરી પાછા-જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ પસંદ કરે તો- ની પરિસ્થિતિ વિશે મનન-ચિંતનની આવશ્યકતા પર આવીએ.

  • – જીવવિજ્ઞાનના વિદ્યાર્થીનો ગણિત વિષયનો પાયો ન હોવાથી 4G level પર એન્જિનિયરીંગ ગણિત અને સ્ટ્રકચરલ ડિઝાઈનમાં ગડમથલ અનુભવશે.

તો એના ઉપાય માટે AICTE આવા વિદ્યાર્થીઓને  remedial કોર્ષ તરીકે ‘‘Bridge coureses’’ જેમાં મેથેમેટિકસ, ભૌતિકશાસ્ત્ર, અને એન્જિનિયરીંગ ડ્રોઇંગ જેવા વિષયો શીખવાડવામાં આવશે. જેનાથી વિદ્યાર્થી બેઝિક કન્સેપ્ટ વિકસાવી એન્જિનિયરીંગ વિષયોમાં પોતાની ચાંચ ડૂબાડી શકશે. કારકિર્દી બનાવી શકશે.

  • – હવે પ્રશ્ન એ છે કે શું આ વિકલ્પને NITS અને IITS માન્ય રાખી ‘B’ ગ્રુપવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે?

જો ન આપે તો વિદ્યાર્થીઓ પાસે સ્વનિર્ભર કોલેજોમાં પ્રવેશ લેવાનો વિકલ્પ ખુલ્લો રહેશે જે કદાચ કોલેજોને ફાયદાકારક વધુ રહેશે. એડમિનિસ્ટ્રેશન કરવામાં નાણાંકીય સહાય મળી રહેશે.

  • – વધુમાં વિદ્યાર્થીઓએ ‘A’ ગ્રુપ/ ‘B’ ગ્રુપ પોતાની થોડી ઘણી ક્ષમતાને, રસરૂચિને ધ્યાનમાં રાખીને પસંદ કર્યા હોય છે ત્યારે ક્ષમતા રસ-રૂચિ અને વિષયવસ્તુ વચ્ચે Mismatch થવાની શકયતાઓ વધી જાય છે.
  • – ‘Bridge course’ થી શું વર્ગખંડમાં ભણેલાં વિષયોની આઉટકમ ઇચ્છનીય હશે? કેમ કે ભારતભરમાં સૌથી વધુ બેરોજગારીનો દર ભણેલાં ખાસ કરીને એન્જિનિયરીંગ ક્ષેત્રે જોવા મળે છે કેમ કે MNC માં નોકરીની તકો હોવા છતાં લાયક શિક્ષિત ઉમેદવારો પાસે જોઈતી કુશળતાએ હોતી નથી માટે આ ક્ષેત્રે તકો હોવા છતાં નોકરી મેળવવામાં તકલીફો અનુભવાય છે.
  • – એન્જિનિયરીંગ ક્ષેત્ર એવું છે જેમાં ભણવાનાં વર્ષો દરમ્યાન પણ ગણિત આવે અને પછી કાર્યક્ષેત્રે પણ વિવિધ સ્તરે ઉપયોગ કરવાની આવશ્યકતા પડે. જો ન કરી શકાય તો આ ક્ષેત્રે નોકરીમાં લાંબાગાળે બેરોજગારી સહન કરવાનો વારો આવે અથવા તો અન્ય વ્યવસાય- નોકરીમાં પસંદગી ઉતારવી પડે.
  • –  વાલી, વિદ્યાર્થીઓએ સંવાદના સેતુ બાંધી તટસ્થ નિર્ણય લેવો જોઈએ નહીં કે એન્જિનિયર એ સામાજિક રીતે વધુ માનથી જોવામાં આવે એટલે. સમાજને તો બધાં જ વ્યાવસાયિકોની જરૂર હોય છે.
  • – એવું વિચારો કે આજથી પાંચ-છ વર્ષ પછી તમને કયા ક્ષેત્રે 10 કલાક કામ કરવાનું ગમશે? અથવા તો કયા વિષયમાં નિપુણતા મેળવી, સમાજમાં પ્રદાન કરી શકશો?
  • – કદાચ જ કોઇક એવા વિદ્યાર્થી હશે જેમણે કદાચ વધુ વિચાર કર્યા વગર બાયોલોજી લઇ લીધું હશે પણ ગણિત સાથે કારકિર્દી બનાવવામાં રસ હશે તો તેમને માટે ઉત્તમ તક છે.
  • – જીવશાસ્ત્ર સાથે માત્ર મેડિકલ જ વિકલ્પ નથી. આજે તો મેડિકલ, પેરામેડિકલ સિવાય પણ ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે તો તમારી પોતાની અભિયોગ્યતાની જાણકારી મેળવી, સ્વીકારી એમાં આગળ વધો જેથી તમે તમારા નોકરી-ધંધા થકી સમાજમાં સારું પ્રદાન કરી શકો. સમાજને જેટલી એન્જિનિયરોની જરૂર છે તેટલી જ બીજા વ્યાવસાયિકોને જરૂર છે માટે કોઇ જ વ્યવસાય-અભ્યાસ ઊંચો કે નીચો નથી. ‘‘Take right decision at right Time’’

Most Popular

To Top