SURAT

બિરદાવીએ સિંગલ મધર્સને આ ‘વિમેન્સ ડે’ એ

બૉલિવુડ સ્ટાર સુષ્મિતા સેને જ્યારે લગ્ન કર્યા વગર 25 વર્ષની ઉંમરમાં એક બાળકીને અડોપ્ટ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે ઘણા લોકોને અચરજ થયું હતું પણ આજના દોરમાં આવી મહિલાઓની સંખ્યા ખાસ્સી છે. જે પોતાના દમ પર પોતાનાં બાળકોની બહેતર સારસંભાળ રાખી રહી છે. જો કે તે એટલું સરળ પણ નથી. આ સફરમાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. જે સ્ત્રીના ડિવોર્સ થઈ ગયા હોય કે પછી તેના પતિનું નિધન થઈ ગયું હોય અથવા લગ્ન કર્યા વગર જ્યારે કોઈ યુવતી બાળકોને દત્તક લે છે ત્યારે તે સિંગલ મધરની ભૂમિકામાં આવી જાય છે.

બાળકોનો એકલે હાથે ઉછેર કરનારી સિંગલ મધરનું જીવન ખાસ્સી મુશ્કેલીઓથી ભરેલું હોય છે. એક વાત તો સનાતન સત્ય છે કે બાળકો ગમે એટલાં મોટાં થઈ જાય પણ તેમને હંમેશાં પોતાનાં માતા-પિતાની જરૂર રહે જ છે. જો કે ક્યારેક એવી પણ પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે પિતાની કમીને પણ ‘મા’ એ પૂરી કરવી પડે છે. એ દરમિયાન ના કેવળ તે એકલે હાથે બાળકોનો ઉછેર કરે છે પરંતુ તેને સાથ આપનાર પણ ઘણી વખત કોઈ નથી હોતું. વળી, ક્યારેક તો સિંગલ મધરને સમાજના મહેણાં-ટોણા પણ સાંભળવા પડે છે.

સમાજમાં એવા દાખલા પણ જોવા મળે છે કે સિંગલ મધરને કેટલાંક લોકો સારી દ્રષ્ટિથી પણ નથી જોતા. તો એવા પણ ઘણા લોકો છે જે એકલા હાથે ઘર અને બાળકને સંભાળતી મહિલાઓના સાહસની સિંગલ મધર તરીકેની ભૂમિકાની સરાહના પણ કરે છે. આગામી 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ છે તેને લઈને ચાલો આપણે મળીએ સુરતની એવી સિંગલ મધરને જે ઘર, બાળકો અને નોકરી કે બિઝનેસ આ ત્રેવડી ભૂમિકાને બખૂબી નિભાવી રહી છે.

હું મારા 11 વર્ષના બાળક સાથે સુરતમાં એકલી રહી બિઝનેસ કરું છું: અભિલાષા જૈન
ન્યૂ સિટીલાઈટ વિસ્તારમાં રહેતાં 41 વર્ષીય અભિલાષા જૈન બિઝનેસ વુમન છે. તેઓ સુરતમાં પોતાના 11 વર્ષના દીકરા યુવરાજને લઈને એકલાં રહે છે. અભિલાષા જૈને જણાવ્યું કે, ‘‘મારા મેરેજ 2006માં થયા હતા. અત્યારે હું 9 વર્ષથી સ્વતંત્ર રહું છું અને સિંગલ મધરની ભૂમિકા નિભાવું છું. હું વેસ્ટ બેંગાલમાં રહેતી હતી અને ત્યાંથી સાઉથ ઇન્ડિયા ગઈ હતી. બિઝનેસ પર્પઝથી હું સુરતમાં 4 વર્ષ પહેલાં આવી. મારી ગિફ્ટની શોપ છે. 2019માં સુરત આવી ત્યારે 6 મહિના મેં વર્ક ફ્રોમ હોમ કરેલું. હું કામથી ઘરની બહાર હોઉં ત્યારે મારા બાળકનું ધ્યાન મેડ રાખે છે. મારો દીકરો મને દરેક સિચ્યુએશનને એકલા હાથે હેન્ડલ કરતા જોઈને અન્ય બાળકો કરતાં વધારે મેચ્યોર બન્યો છે. હું સિંગલ મધરની ભૂમિકા બખૂબી નિભાવી રહી છું જેની તારીફ લોકો કરે જ છે. હું ખૂબ હિંમતવાળી છું એટલે મુશ્કેલીઓનો સામનો કરતા ડરતી નથી.’’

બાળકો એક રૂપિયો માંગતાં તો આંખમાંથી આંસુ નીકળતાં: હેમલતાબેન પટેલ
અડાજણ વિસ્તારમાં રહેતાં 47 વર્ષીય હેમલતાબેન પટેલ એક ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે. તેમણે જણાવ્યું કે, ‘‘15 વર્ષ પહેલાં મારા પતિ પ્રકાશચંદ્રનું નિધન થયું હતું. ત્યારે મારી દીકરી હીનલ 15 વર્ષની હતી જ્યારે દીકરો ભાર્ગવ 12 વર્ષનો હતો. હું તો હાઉસવાઈફ હતી એટલે પતિનું નિધન થતાં મારી સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હું ઘર કઈ રીતે ચલાવીશ? બાળકોને કઈ રીતે ભણાવીશ? મને એક સ્કૂલમાં જોબ મળી આ દરમિયાન મેં બી.એ. ની ડિગ્રી મેળવી. એને કારણે મારો પગાર પણ વધ્યો. હું 12થી 14 કલાક જોબ કરતી અને એ રીતે બાળકોનું ભરણ-પોષણ કર્યું. હું બાળકોની સાર-સંભાળ સારી રીતે થાય તે માટે કટલરી વેચતી, સાડી વેચતી.

મારા ફ્રેન્ડ્સ અને સ્કૂલના ટ્રસ્ટી તથા મારા પિયર પક્ષનાએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. જો કે મારી આર્થિક સ્થિતિ નબળી હતી. બાળકો જ્યારે રૂપિયો માંગતાં ત્યારે મારી આંખમાંથી આંસુ નીકળતાં કેમ કે હું તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અસમર્થ હતી. સમાજમાં પુરુષ માટે એકલા રહેવું સરળ છે પણ સ્ત્રી માટે મુશ્કેલ છે. જો કે સમાજ સપોર્ટ કરે તો સ્ત્રી ધારે તે કરી શકે. સમાજનાં મહેણાં-ટોણા અને ઠોકરોએ મને મજબૂત સિંગલ મધર બનાવી. આજે મારો દીકરો USAમાં જોબ કરે છે. આજે મારી આર્થિક સ્થિતિ સારી છે. હવે હું ઘરને રીનોવેટ કરાવવાની છું. વર્ષોથી મારા ઘરને કલર પણ નથી થયો. મેં સિંગલ મધર તરીકે ખૂબ સંઘર્ષ કર્યો છે પણ આજે મારાં બાળકો સારી જોબ કરે છે એને હું મારી મહેનતનું ફળ ગણું છું.’’

દીકરો બીમાર હતો ત્યારે પૈસાની ખેંચ પડેલી: દીપિકાબેન ચૌહાણ
અડાજણ વિસ્તારમાં રહેતાં 50 વર્ષીય દીપિકાબેન ચૌહાણ 18 વર્ષથી સિંગલ મધરની ભૂમિકા નિભાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, ‘‘18 વર્ષ પહેલાં મારા પતિનું કેન્સરની બીમારીમાં નિધન થયું હતું. મારા પતિ ધોબીનો ધંધો કરતા અને તેમના કામમાં હું સપોર્ટ કરતી. મારા પતિનું નિધન થયું ત્યારે મારો દીકરો 6 વર્ષનો હતો અને દીકરી સાડા ત્રણ વર્ષની હતી. હું જોબ કરતી ત્યારે બાળકોને તેમના ટ્યુશન ટીચર પાસે મૂકી જતી. તેઓ જ તેમની દીકરીને સ્કૂલે લઈ જતા ત્યારે સાથે મારા બાળકોને પણ લઈ જતાં.

હું સાંજે એક બાજુ રસોઈ બનાવતી તો બીજી બાજુ બાળકોએ આખો દિવસ શું કર્યું તેની ચર્ચા કરતી. મને બીજા કોઈનો સપોર્ટ નહોતો. મારા દીકરાને કમળો, ટાઈફોડ અને મેલેરિયા એક સાથે થયા હતા તે વખતે ડૉકટરોએ તેના જીવવાની આશા છોડી દીધી હતી. તે વખતે મને પૈસાની સખત ખેંચ પડી હતી. જો કે ભગવાનની કૃપાથી મારો દીકરો સાજો થયો. આ સમયે 2006ની રેલની સ્થિતિ હતી. દીકરાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યો ત્યારે રેલના પાણીમાં ચાલીને દીકરાને ઘરે લઈ ગઈ હતી. લોન પરનું ઘર સીલ થયું ત્યારે પણ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. મેં એક ખાનગી હોસ્પિટલમાં નર્સનું પણ કામ કર્યું છે. ભગવાનના આશીર્વાદથી હવે મારા ઘરની આર્થિક સ્થિતિ સારી છે.’’

મારી દીકરીના નામની પાછળ મારું નામ લખાવ્યું છે: પ્રીતિબેન શાહ
અડાજણ વિસ્તારમાં રહેતાં 46 વર્ષીય પ્રીતિબેન શાહ ગવર્મેન્ટ ઓથોરાઈઝ્ડ પોસ્ટલ એજન્ટ છે. તેમણે જણાવ્યું કે, ‘‘સિંગલ મધરે ડગલે ને પગલે ડિફિકલ્ટીઝનો સામનો કરવો પડે છે. હું પ્રેગ્નન્ટ હતી ત્યારે હસબન્ડથી સેપરેટ થઈ ગઈ હતી. મારી દીકરી 3-4 વર્ષની થઈ ત્યારે મારા ડિવોર્સ થઈ ગયા હતા. મને મારાં મમ્મી-પપ્પાનો સારો સપોર્ટ મળ્યો મારી દીકરીના ઉછેર માટે. હું જ્યારે કામથી ઘરની બહાર જાઉં ત્યારે મારી દીકરીને સ્કૂલે મૂકવા-લેવા મારાં મમ્મી-પપ્પા જતાં પણ નાનકડી દીકરી એટલે કાળજાનો કટકો. તેને મારાથી એક પળ પણ દૂર રાખવી મને અઘરું લાગતું. સમાજ તો સિંગલ મધરને લઈને સવાલ પણ કરે અને ટીકા પણ વરસાવે. સિંગલ મધર જરા પણ સારાં કપડાં પહેરીને બહાર જાય એટલે લોકોને સવાલ થાય કે આટલી તૈયાર થઈને ક્યાં જાય છે? એક વખત મારી દીકરીએ કોઈ વસ્તુની ડીમાંડ કરી હતી અને હું કામમાં ભૂલી ગઈ હતી ત્યારે મારી દીકરી બોલી હતી પપ્પા હોત તો લઈ આવત પણ ત્યાર પછી મારી દીકરીએ મારી સિંગલ મધર તરીકેની ભૂમિકાને એપ્રિસીએટ જ કરી છે. મારી દીકરી દીક્ષીના નામ પાછળ મારું નામ પ્રીતિ શાહ લાગેલું છે. અત્યારે મારી ડોટર 18 વર્ષની છે અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.’’

બાળકોનાં ભરણ-પોષણ માટે સ્કૂલ વેન ડ્રાઈવર બની: શોભનાબેન ચૌહાણ
પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતાં 40 વર્ષીય શોભનાબેન ચૌહાણ સ્કૂલ વેન ડ્રાઈવર છે. તેમણે જણાવ્યું કે, ‘‘9 વર્ષ પહેલાં મારા હસબન્ડ યોગેન્દ્રનું કમળાની બીમારીમાં અવસાન થયું હતું. એ વખતે હું હાઉસવાઈફ હતી. પતિના નિધન બાદ 6-7 મહિના તો સમજ નહીં પડતી કે હવે શું થશે? મારા નણદોઈએ મને હિંમત આપી. તેમણે મને ફોર વ્હીલ ગાડી ચલાવતાં શીખવાડ્યું અને મારે પણ ઘરનું ગુજરાન ચલાવવું હતું ઉપરાંત બાળકોના ભણવાનો ખર્ચ ઉઠાવવાનો હતો એટલે હું માત્ર 5 દિવસમાં જ ફોર વ્હીલ ચલાવતાં શીખી ગઈ અને સ્કૂલ વેન ડ્રાઈવર બની હતી.

મારા હસબન્ડનું અવસાન થયું ત્યારે મારો મોટો દીકરો ઇન્દ્રજીત છઠ્ઠા ધોરણમાં હતો અને નાનો દીકરો કંવલજીત ત્રીજા ધોરણમાં હતો. ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી તેમાં પણ જ્યારે બાળકો સ્કૂલ પિકનિકમાં જવાની કે હોટેલમાં જમવા જવાની જીદ કરતા ત્યારે હું તેમને નેક્સ્ટ ટાઈમ જવાનું કહી સમજાવતી. મારાં સાસુ પણ મારા દીકરાઓની સંભાળ રાખતા. સમાજમાં લોકો મારા સિંગલ મધર તરીકે અને સ્કૂલ વેન ડ્રાઈવર તરીકેના સાહસને બિરદાવે છે. મેં હિંમત દાખવી મારાં બાળકોને મોટાં કર્યાં છે.’’

એક બાળકને દત્તક લઈને હું સિંગલ મધર બની છું: મનીષા આનંદ
પાર્લેપોઇન્ટ વિસ્તારમાં રહેતાં 39 વર્ષીય મનીષા આનંદ ફોરેન જવાની તૈયારી કરતા સ્ટુડન્ટ્સને ટ્રેન કરે છે. મનીષા આનંદે જણાવ્યું કે, ‘‘મારા મેરેજ નથી થયા પણ મેં મારા ઘરના કેર ટેકરના દીકરા મનીષને તે સાડા ત્રણ વર્ષનો હતો ત્યારે એડોપ્ટ કર્યો હતો. અત્યારે તે 12 વર્ષનો છે. મનીષ ઇન્ટેલીજન્ટ છોકરો છે. તેને સારું એજ્યુકેશન મળે અને સારી સાર-સંભાળ થાય એટલે મેં એને એડોપ્ટ કરેલો. મારા આ નિર્ણયથી મારાં પેરેન્ટ્સ ખુશ થયાં હતાં. તેમણે મારા આ સાહસિક નિર્ણયને બિરદાવેલો. જો કે સમાજમાં કેટલાંક લોકોએ પ્રશ્ન કર્યો હતો કે સિંગલ હોવા છતાં બાળકને દત્તક લીધો છે તો હવે મેરેજ કઈ રીતે થશે? કેટલાક તો તેના ફાધર વિશે પૂછે છે ત્યારે મારે કહેવું પડે છે કે હું સિંગલ છું અને મેં બાળકને દત્તક લીધું છે. સ્કૂલમાં મનીષના નામની પાછળ મારું મનીષા આનંદ નામ લખાવ્યું છે. હું મનીષના નાના ભાઈ કાર્તિકના ભણતરનો ખર્ચ પણ ઉઠાવું છું. સિંગલ મધર તરીકે મેં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પણ મને ખુશી છે કે બાળકનું બહેતર ભવિષ્ય બનાવવા માટે હું નિમિત્ત બની છું.’’

એ તો સત્ય જ છે કે સિંગલ મધર ખાસ્સી છે. જો કે એમના માટે જિંદગીનો રાહ સરળ નથી. ડગલે ને પગલે કઠિનાઈઓનો તેમણે સામનો કરવો પડે છે. એમાં પણ જો કોઈ હાઉસવાઈફ હોય, જે ઘરનો ઉંબરો ઓળંગીને નોકરી માટે બહાર નહીં ગઈ હોય તેવી સ્ત્રી જ્યારે પતિની ઓથ ગુમાવે છે ત્યારે તેની સામે સૌથી મોટો પ્રશ્ન બાળકોને ખવડાવવાં કઈ રીતે? કઈ રીતે તેમને ભણાવવાં? આર્થિક પ્રશ્ન હળવો થાય તો પણ બાળકોને એકલે હાથે ઉછેરવાં, તેમને ઘરમાં એકલા મૂકીને નોકરી માટે જવું કઠીન બની જતું હોય છે. જો માતા-પિતા કે બીજા કોઈનો સહારો મળે તો પણ બાળકોની ચિંતા તેમને કોરી ખાતી હોય છે છતાં સિંગલ મધરની ભૂમિકા નિભાવતી મહિલાઓ કઠીનાઈઓનો સામનો કરીને પણ પોતાનાં બાળકોના ઉછેરમાં કોઈ કચાશ નથી રાખતી. શત શત પ્રણામ છે નારી તું નારાયણી સિંગલ મધરને……

Most Popular

To Top