Charchapatra

આને કહેવાય રાષ્ટ્ર પ્રેમ અને  ઈમાનદારી

તાજેતરમાં ચર્ચાપત્રી શ્રી રમેશ મોદી દ્વારા એક સામાન્ય રીક્ષાચાલક કાલુની ઈમાનદારી દર્શાવતું ચર્ચાપત્ર વાંચ્યું. એ રીક્ષાચાલકની ઈમાનદારીને સલામ. આવા બે કિસ્સા અહીં દર્શાવું છું. 50 વર્ષ પહેલાંની વાત છે. સુરતની T એન્ડ TV હાઈસ્કૂલના પ્રિન્સીપાલ સ્વ. શ્રી આઈ.બી.ગાંધી મારા પિતૃપક્ષના મોસાળિયા થાય. એમના પરિવારમાં કોઈનું મૃત્યુ થયાનો ટેલિગ્રામ મળતાં તેઓ મારા પિતાશ્રી અને બીજાં બે ત્રણ સગા સાથે સુરત સ્ટેશને પહોંચ્યા. જરૂરી ટ્રેન હાજર હતી પરંતુ ઉપડવાની જાહેરાત થઈ, ટીકીટ લેવાનો સમય ન હતો. સૌ દોડતા ટીકીટ વિના ટ્રેનમાં ચઢી ગયા. બીલીમોરા સ્ટેશને ઉતરવાનું હતું. રસ્તામાં ચેકીંગ ન આવ્યું. બીલીમોરા ઊતર્યા ત્યાં પણ ટી.સી. ન હતા. સૌ આરામથી નીકળી જતે, પરંતુ ગાંધી સાહેબ અમને સાઈડમાં ઊભા રાખી ટીકીટ બારી પર ગયા. બારી ઉપર રૂા. ચૂકવી તેમણે તમામની બીલીમોરાથી સુરતની ટીકીટ લીધી અને અમારી પાસે આવી બધી ટીકીટ ફાડી નાંખી, સાથે આવેલા સૌ અવાચક બની ગયા. એમણે કહ્યું ટ્રેનમાં મફત મુસાફરી ચોરી કહેવાય.

આ હતી એમની ઈમાનદારી અને રાષ્ટ્રપ્રેમ! બીજો કિસ્સો : એક ગરીબ મુસ્લીમ કેળા વેચનાર મારા ધંધાકીય સ્થાન પાસે ઊભો રહે. એક દિવસ એક મહિલા એકટીવા લઈ કેળાં લેવા આવી, કેળા ખરીદી પર્સ ખોલી રૂા. ચૂકવી એ જતી રહી, પરંતુ એના પાકીટમાંથી બબ્બે હજારની સાત નોટ ફીંડલુ વાળી મૂકેલી તે કેળાની લારી પાસે પડી ગઈ એની કોઈને ખબર નહીં. થોડી વાર પછી કેળાવાળા શબ્બીરનું ધ્યાન પડયું. ફીડલું એણે ઊંચકી જોતાં બબ્બે હજારની સાત નોટ ! એટલે ચૌદ હજાર રૂા. એણે મને વાત કરી. મને એમ કે હવે એ જતો રહેશે પરંતુ એ ગયો નહીં નોટનું ફીંડલુ સાચવીને યથાસ્થિતિ રાખ્યું. બે-અઢી કલાક બાદ પેલાં કેળાં ખરીદનાર બેન રૂા. શોધતા આવ્યા. કેળાવાળો શબ્બીર એ બેનને ઓળખી ગયો છતાં ચોકસાઈ કરી કેટલા રૂા. હતા ? કંઈ કેટલી નોટ હતી ? તપાસી પેલા બેનને એમની અમાનત યથાસ્થિતિ સુપ્રત કરી પેલી બેનની આંખોમાં આંસુ આવી ગયા. એણે ગરીબ શબ્બીરનો આભાર માની 500/- રૂા. ગીફટ આપવા કર્યા પરંતુ શબ્બીરે ધરાર ન લીધા. એટલું જ કહ્યું, મારો ધર્મ મને વગર મહેનતનું કે મફતનું લેવાની મનાઈ કરે છે ! આવા ઈમાનદાર મૂલ્યનિષ્ઠ માણસોને કારણે જ આપણો દેશ ટકેલો છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top