Editorial

બાળકોને સુવિધાયુક્ત સ્થિતિમાં શિક્ષણ આપવાની દિશામાં હજી ઘણુ કરવાનું બાકી છે

આપણા દેશની શાળાઓમાં, ખાસ કરીને સરકાર સંચાલિત  અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને બાળકો માટે શિક્ષણ મેળવવા માટેની નબળી વ્યવસ્થાઓ એ લાંબા સમયથી ચર્ચાતો રહેલો વિષય છે. હાલમાં યુએનની બે એજન્સીઓના એક સંયુક્ત અહેવાલમાં આ જ વાતનો પડઘો પડ્યો છે. WHO-UNICEF ના જોઈન્ટ મોનિટરિંગ પ્રોગ્રામ(JMP) ના અહેવાલ મુજબ, વિશ્વમાં શાળાઓમાં શૌચાલય અને સ્વચ્છતા સેવાઓથી વંચિત બાળકોમાંથી લગભગ પાંચમા ભાગના એટલે કે ૨૦ ટકા બાળકો ભારતમાં છે, અને આ સંખ્યા વિશ્વના અન્ય કોઇ પણ દેશના વંચિત બાળકોની સંખ્યા કરતા મોટી સંખ્યા છે. “પ્રોગ્રેસ ઓન ડ્રિન્કિંગ વોટર, સેનિટેશન એન્ડ હાઇજીન ઇન સ્કૂલ્સ 2015-2025” નામના આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ૨૦૨૫માં વિશ્વમાં શાળાઓમાં સ્વચ્છતા સેવાઓથી વંચિત ૨૪૪ મિલિયન બાળકોમાંથી ૫૦ મિલિયન(૫ કરોડ) બાળકો ભારતના હતા.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) અને સંયુક્ત રાષ્ટ્ર બાળ ભંડોળ઼(UNICEF)નો સંયુક્ત મોનિટરિંગ પ્રોગ્રામ પીવાના પાણી, સ્વચ્છતા અને હાઇજીન પર આંતરરાષ્ટ્રીય સ્તરે તુલનાત્મક પ્રગતિના અંદાજો તૈયાર કરે છે અને WASH સંબંધિત ટકાઉ વિકાસ લક્ષ્યાંકો(SDG)ના વૈશ્વિક દેખરેખ માટે જવાબદાર છે. ટકાઉ વિકાસ માટેના ૨૦૩૦ એજન્ડામાં પાણી, સ્વચ્છતા અને શિક્ષણ માટેના વૈશ્વિક લક્ષ્યોનો સમાવેશ થાય છે.

ગોલ ૪ નો હેતુ “સમાવેશી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવાનો અને તમામ માટે આજીવન શીખવાની તકોને પ્રોત્સાહન આપવાનો” છે, જેમાં શૈક્ષણિક સુવિધાઓને બાળકો, દિવ્યાંગો અને જેન્ડર પ્રત્યે સંવેદનશીલ બનાવવી તેમજ તમામ માટે સુરક્ષિત અને અસરકારક શિક્ષણનું વાતાવરણ પૂરું પાડવાના લક્ષ્યો સામેલ છે. આમાં તમામ શાળાઓને વીજળી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામગ્રી તેમજ પ્રાથમિક પાણી અને સ્વચ્છતા સેવાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે.

અહેવાલમાં જણાવાયું છે કે, પ્રગતિ છતાં, ૨૦૨૫માં ૨૪૪ મિલિયન બાળકો પાસે તેમની શાળામાં સ્વચ્છતાની કોઈ સેવા નહોતી. અહેવાલ મુજબ, આમાંથી ભારતમાં ૫૦ મિલિયન, નાઇજીરિયામાં ૩૪ મિલિયન, ઇથોપિયામાં ૨૬ મિલિયન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ૧૧ મિલિયન અને ઇન્ડોનેશિયામાં ૮ મિલિયન બાળકો હતા બાળકો માટે ‘મૂળભૂત પીવાના પાણીની સેવા’ હોય. ‘મૂળભૂત સેનિટેશન સગવડ’ એટલે કે શાળાઓમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અને વાપરી શકાય તેવી સુધારેલી શૌચાલય સુવિધાઓ હોય, અને ‘મૂળભૂત હાઇજીન સેવા’ એટલે કે સર્વેક્ષણ સમયે શાળાઓમાં સાબુ અને પાણી સાથે હાથ ધોવાની સુવિધા ઉપલબ્ધ હોય તે જરૂરી માનવામાં આવ્યું છે પરંતુ ભારતમાં લગભગ ૨૦ મિલિયન બાળકો પાસે શાળાઓમાં હાઇજીનની સેવા નહોતી.

ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મોટી સંખ્યામાં જાહેર શાળાઓ તૂટેલા અથવા બિન-ઉપયોગી શૌચાલયો, લીક થતી છતો, જર્જરિત કમ્પાઉન્ડ વોલ  અને પીવાના સ્વચ્છ પાણી કે રમતગમતના મેદાનોના અભાવથી પીડાય છે. આંકડા દર્શાવે છે કે ૪૦% થી વધુ શાળાઓમાં દિવ્યાંગો માટે યોગ્ય રેમ્પ કે હેન્ડરેલ (ટેકા માટેના કઠેડા) નથી, અને મોટા ટકાવારી ક્ષેત્રમાં કાર્યરત ઇન્ટરનેટ કે કોમ્પ્યુટર સુવિધાનો અભાવ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરીનું પ્રમાણ ઊંચું રહે છે, જેમાં ગ્રામીણ માધ્યમિક શિક્ષકો દર આઠ દિવસે આશરે એક દિવસ ગેરહાજર રહે છે, અને પ્રાથમિક શાળાના કેટલાક અભ્યાસોમાં આ પ્રમાણ ૨૫% સુધી પહોંચી જાય છે.

વધુમાં, શિક્ષકોને વારંવાર વસ્તી ગણતરી કે ચૂંટણી વહીવટ જેવી બિન-શૈક્ષણિક કામગીરીમાં રોકવામાં આવે છે, જેનાથી ભણાવવાનો સમય ઘટે છે. હાલમાં કોકરોચ જનતા પાર્ટીએ શાળાઓની સુધારણા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે જેમાં તેના કાર્યકરો વિવિધ શાળાઓની મુલાકાતે જાય છે અને તેની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. આ કાર્યક્રમને લીધે અનેક વિવાદો અને સંઘર્ષો પણ ઉભા થયા છે પરંતુ તેમાં શાળાઓમાં, વિશેષ કરીને સરકારી અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં બાળકો કેવી નબળી સ્થિતિમાં અભ્યાસ કરે છે તે મુખર રીતે બહાર આવ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી સરકારનો અભિગમ ખાનગી શાળાઓને વધુ ઉત્તેજન આપવાનો હોય તેવું જણાય છે, દેશના અનેક ભાગોમાં મોટા પાયે સરકારી શાળાઓ બંધ થઇ ગઇ છે, પરંતુ આનાથી ગરીબ, વંચિત વર્ગના શિક્ષણના અધિકાર પર તરાપ પડે છે. સરકારી શાળાઓ બંધ કરી દેવી એ કોઇ ઉપાય નથી, તેના બદલે આ શાળાઓને વધુ સુસજ્જ બનાવવાની જરૂર છે. ભારત  તેના જીડીપીના ૪ ટકા જેટલી જ રકમ શિક્ષણ પાછળ ખર્ચે છે, જ્યારે હાલના સંજોગોમાં આદર્શ રીતે તે ૬ ટકા રકમ શિક્ષણ પાછળ ખર્ચે તે જરૂરી છે એમ ખુદ સરકારી અહેવાલ જણાવે છે. દેશના તમામ વર્ગોને સારું અને સુવિધાયુક્ત સ્થિતિમાં શિક્ષણ મળી રહે તે માટે આપણે હજી ઘણું કરવાનું બાકી છે.

Most Popular

To Top