Columns

સાચા શિષ્યના ગુણ

ગુરુજીના આશ્રમમાં તેમના ઘણા શિષ્યો આજે વિદ્યા પૂર્ણ કરી વિદાય લેવાના હતા.છેલ્લા પ્રવચન બાદ ગુરુજીએ બધાને આશીર્વાદ આપતાં કહ્યું, ‘જીવનમાં સદા આગળ વધજો અને જોઈ હજી પણ કંઈ પણ પૂછવું હોય તો તમે મને પૂછી શકો છો અને અહીંથી ગયા બાદ પણ જયારે પણ કોઈ પ્રશ્ન મૂંઝવે તો મારી પાસે આવી શકો છો.’ બધાએ ગુરુજીને નમસ્કાર કર્યા અને મોટા ભાગના શિષ્યોએ કંઈ પણ પૂછ્યા વિના ગુરુજીને નમન કરી વિદાય લીધી.

ત્રણ ચાર શિષ્યો રોકાયા અને તેમને મુંઝવતો પ્રશ્ન ગુરુજીને પૂછ્યો, ‘ગુરુજી સાચા અને સારા શિષ્યોમાં કયા ગુણો હોવા જોઈએ અને તમારા મતે કયો શિષ્ય સૌથી સાચો શિષ્ય સાબિત થાય?” ગુરુજીએ કહ્યું, ‘આ તમારા પ્રશ્નોના જવાબ મેળવવા તમારે થોડો સમય પ્રતીક્ષા કરવી પડશે.થોડા દિવસ આશ્રમમાં રોકાવું પડશે.હું કહું તેમ કરવું પડશે પછી જવાબ આપીશ.’ શિષ્યોએ હા પાડી.ધીમે ધીમે ઘણા દિવસ વીતી ગયા પણ ગુરુજીએ કોઈ જવાબ આપ્યો નહિ.શિષ્યોને સમજાતું ન હતું કે ગુરુજી કેમ જવાબ આપતા નથી.તેઓ ગુરુજી જેમ કહે તે કરતા હતા.એક દિવસ ગુરુજીએ તેમને બોલાવીને કહ્યું, ‘હું થોડા દિવસ માટે બહારગામ જાઉં છું. તમે આશ્રમ સંભાળજો. હું આવીને તમારા પ્રશ્નોના જવાબ આપીશ.’

ચારમાંથી બે શિષ્યો તો કંટાળીને ગુરુજી બહારગામથી આવે તે પહેલાં જ આશ્રમ છોડી ચાલ્યા ગયા.બીજા બે શિષ્યો ગુરુજીની આજ્ઞા પ્રમાણે આશ્રમ સંભાળી રહ્યા હતા.થોડા દિવસ પછી ગુરુજી આવ્યા.બે શિષ્યો જે જતા રહ્યા હતા તેમના વિષે ન કંઈ પૂછ્યું.ન શિષ્યોને મુંઝવતા પ્રશ્નોનો જવાબ આપ્યો.હજી થોડા દિવસ વીત્યા.એક શિષ્યે હિંમત કરી ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, અમારા આશ્રમના છેલ્લા દિવસે અમે તમને અમુક પ્રશ્ન પૂછ્યા હતા તમે તેના જવાબ હજી આટલા દિવસો વીતી ગયા આપ્યા નથી ગુરુજી કયારે જવાબ આપશો?’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘વત્સ, તારી ધીરજ ખૂટી લાગે છે તું ઘરે જઈ શકે છે.’તે શિષ્ય પણ આશ્રમ છોડી ઘરે ગયો.

આમ જ દિવસો વિતતા હતા.જે શિષ્ય બાકી હતો તે ગુરુજીની આજ્ઞા પ્રમાણે બધા કામ કરતો હતો અને ગુરુજીના જવાબની પ્રતીક્ષા કરતો હતો.આમ કરતાં એક વર્ષ વીતી ગયું પણ તે શિષ્યે ગુરુજીને કયારેય  પૂછ્યું નહિ કે તમે જવાબ ક્યારે આપશો અથવા જવાબ કેમ નથી આપતા..તેણે માત્ર ગુરુજી જવાબ આપશે તેને પ્રતીક્ષા કરી. ગુરુજીએ એક દિવસ તેને બોલાવીને કહ્યું, ‘વત્સ, તારા પ્રશ્નના  જવાબ આપું છું.સાચો શિષ્ય એ છે કે જે પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા સાચા સમય સુધી પ્રતીક્ષા કરે છે.અને પ્રતીક્ષા એક એવો ગુણ છે જેના દ્વારા ઊંડી ધીરજ કેળવાય છે.અને સાચા શિષ્યના ગુણ એ જ છે કે જે પ્રતીક્ષા કરી શકે છે ..જેનામાં ધીરજ છે …અને જે પોતાના ગુરુમાં ભરપૂર વિશ્વાસ અને શ્રધ્ધા ધરાવે છે.તેં ધીરજ ધરી લાંબી પ્રતીક્ષા કરી છે.મારામાં વિશ્વાસ રાખ્યો છે તું મારો સાચો શિષ્ય છે.આજથી આ આશ્રમ તું જ સંભાળીશ.’ ગુરુજીએ કસોટી કરી સાચી સમજ અને પુરસ્કાર આપ્યા.  
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top