Columns

વડીલોની સાચી સમજ

ટ્રેનમાં એક વૃધ્ધ દંપતી ચઢ્યું, બે મોટી સુટકેસ હતી અને બે થેલા, વળી ઉપરથી કાકીનું મોટું પર્સ.કુલીની મદદથી ચઢી ગયા.પોતાની સીટ સુધી પહોંચ્યા.આજુબાજુવાળા મુસાફરની મદદથી સામાન પણ ગોઠવાઈ ગયો. ટ્રેન ચાલુ થઇ. કાકા છાપું વાંચવા લાગ્યા અને કાકી ફોનમાં વાત કરવા લાગ્યા.પહેલાં છાપાવાળાને ફોન કર્યો કે અમે બે મહિના નથી. છાપું આપવાનું બંધ કરજે.પછી ઇસ્ત્રીવાળાને ફોન કર્યો.પછી દૂધવાળાને.કાકીની વાત અને સામાન પરથી સમજાતું હતું કે તેઓ ઘણા દિવસ માટે બહારગામ જાય છે. થોડી વારમાં સુરત રહેતી દીકરીનો ફોન આવ્યો.

પૂછ્યું, ‘મમ્મી ટ્રેનમાં ચઢી ગયા.કેટલા વાગે પહોંચશો અમદાવાદ? મારાથી સ્ટેશન પર નહિ આવી શકાય. ઓફિસમાં બહુ કામ છે.’કાકીએ પ્રેમથી કહ્યું, ‘વાંધો નહિ બેટા, પાંચ મિનીટ જ ગાડી ઊભી રહે છે. તું કયાં અડધો કલાકનું ડ્રાઈવ કરીને આવીશ,રહેવા દે.અમદાવાદ પહોંચીને વિડીયો કોલ કરીશ.અમે તો અમદાવાદના ઘરે બે મહિના રોકાવાના છીએ. ત્યાં અવાય તો શનિ રવિ આવજે.હમણાં ખોટી દોડાદોડી નહિ કર.’કાકીની ફોન પરની વાત સાંભળી કાકા સમજી ગયા કે દીકરી સુરત મળવા આવવાની નથી.બોલ્યા, ‘નથી આવવાની બહુ કામ હશે વાંધો નહિ’અને ફરી છાપું વાંચવા લાગ્યા.

થોડી વાર પછી સ્ટેશન આવ્યું, કાકાએ બે કપ ચા લીધી અને કાકા – કાકીએ પૂરી અને ચા નો નાસ્તો કર્યો.કાકીએ પોતાના હાથે બનાવેલી પૂરી આજુબાજુ બધાને આગ્રહ કરીને ચખાડી.થોડી વાર પછી તેમના દીકરાનો ફોન આવ્યો.તેને પૂછ્યું, ‘મમ્મી, બરાબર બેસી ગયા? ટેક્સી પીકઅપ માટે સમયસર આવી ગઈ હતી ને? પહોંચીને મેસેજ કરી દેજે. હું મીટીંગમાં હોઈશ. રાત્રે ફોન કરીશ.’કાકીએ કહ્યું, ‘હા દીકરા, બરાબર બેસી ગયા છીએ. તું ચિંતા નહિ કરતો.મેસેજ કરી દઈશ, રાત્રે વાત કરીશું.’ બાજુમાં બેઠેલાં માસી બધી વાત સાંભળી રહ્યાં હતાં.તેમણે ધીમેથી વાત શરૂ કરી.

‘ક્યાં રહો છો ?’અને ‘કયાં જાવ છો ?’થી વાતો શરૂ થઇ.પછી માસી બોલ્યાં, ‘કેમ એકલા મુસાફરી કરો છો કોઈ સાથે નથી ?’કાકી બોલ્યાં, ‘આ કોરોનાને કારણે ઘણા વખતથી ઘરમાં જ હતા અને અમદાવાદ જવાની બહુ ઈચ્છા હતી. ત્યાં બે ત્રણ પ્રસંગ છે એટલે પ્રોગ્રામ બનાવી લીધો.છોકરાઓને કામમાંથી સમય ન મળે એટલે એકલા એમાં શું વાંધો છે.’ માસી બોલ્યાં, ‘પણ તમારી આટલી ઉંમર છે. કોઈકે તો સાથે આવવું જોઈએ ને.

છોકરાઓ આવું કરે તો તમને દુઃખ નથી થતું?’કાકાએ જવાબ આપ્યો, ‘બહેન,અમે મુંબઈમાં પણ એકલાં રહીએ છીએ અને ત્યાં પણ બધે જ એકલાં ફરીએ છીએ.છોકરાઓ આપણાં બાળકો છે પણ તેમને તેમનાં કામ છે ,તેમનું જીવન છે.જરૂરી નથી કે આપણે માટે તેઓ તે બધું છોડીને હંમેશા હાજર રહે.કામમાં હોય અને કોઈક વાર આપણને ન સાચવી શકે તો વાંધો નહિ.સમય સમય પર ખબર લઇ લે છે અને બને એટલી સગવડ પણ સાચવે છે એમાં અમે ખુશ છીએ.’આજુબાજુ બેઠેલાં બધાં જ આ વૃધ્ધ દંપતીની સાચી સમજ જોઈ તાળી પાડી ઊઠ્યાં.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top