National

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને RBIને નોટબંધી મામલે કર્યો આ આદેશ

નવી દિલ્હી: વર્ષ 2016માં નોટબંધી (Demonetization) ને ખોટી રીતે જાહેર કરનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની બંધારણીય બેંચે પોતાનો નિર્ણય અનામત (Judgment reserved) રાખ્યો છે. કોર્ટે તમામ પક્ષકારોને 2 દિવસમાં લેખિત દલીલો રજૂ કરવા જણાવ્યું છે. ઉપરાંત, કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને નોટબંધીના નિર્ણય સાથે સંબંધિત પ્રક્રિયા સાથે સંબંધિત દસ્તાવેજો સીલબંધ એન્વલપ્સમાં સોંપવાની મંજૂરી આપવામાં આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 58 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે 24 નવેમ્બરે આ મામલે વિગતવાર સુનાવણી શરૂ કરી હતી.

6 વર્ષથી પેન્ડિંગ કેસ
8 નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે 500 અને 1000ની જૂની નોટો પાછી ખેંચી લીધી હતી. તેની સામે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. 16 ડિસેમ્બર, 2016 ના રોજ, સુપ્રીમ કોર્ટે આ મામલો 5 ન્યાયાધીશોની બંધારણીય બેંચને મોકલ્યો હતો, પરંતુ તે પછી સુપ્રીમ કોર્ટે નોટબંધી પર પ્રતિબંધ સહિતના મામલે કોઈપણ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

કેન્દ્રએ જરાસંધનું ઉદાહરણ આપ્યું
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો જોરદાર બચાવ કર્યો હતો. એટર્ની જનરલ વેંકટરામણીએ જણાવ્યું કે કરચોરી રોકવા અને કાળાં નાણાંને અંકુશમાં લેવા માટે અમલમાં મૂકાયેલ આ એક સારી રીતે વિચારેલી યોજના છે. તેનો હેતુ નકલી નોટોની સમસ્યાનો સામનો કરવાનો અને આતંકવાદીઓના ફંડિંગને રોકવાનો પણ હતો. આ દરમિયાન તેમણે મહાભારતના પાત્ર જરાસંધનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જે રીતે જરાસંધના બે ટુકડા કરવામાં આવ્યા હતા, તેવી જ રીતે આ સમસ્યાઓના પણ ટુકડા કરવા જરૂરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934 હેઠળ, રિઝર્વ બેંક અને સરકારને કોઈપણ ચલણી નોટ પાછી ખેંચવાનો નિર્ણય કરવાનો અધિકાર છે. નોટબંધીના થોડા સમય બાદ, સંસદે પણ સ્પેસિફાઈડ બેંક નોટ્સ (સેસેશન ઓફ લાયેબિલિટી) એક્ટ, 2017ને પાસ કરીને મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં, એવું કહી શકાય નહીં કે નિયમોનું પાલન કર્યા વિના નોટબંધી લાગુ કરવામાં આવી હતી.

રિઝર્વ બેંકની દલીલ
કેન્દ્ર સરકારે એવો પણ દાવો કર્યો હતો કે નોટબંધીની ભલામણ રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવી હતી. ઘણી ચર્ચા અને તૈયારી બાદ તેનો અમલ કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલે કહ્યું કે આ એક આર્થિક નિર્ણય છે. કોર્ટમાં તેની સમીક્ષા કરી શકાતી નથી. તે એક નીતિગત નિર્ણય હતો. તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણયથી લોકોને શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેનો હેતુ દેશને મજબૂત કરવાનો હતો.

સરકારે સંપૂર્ણ માહિતી આપી નથી: ચિદમ્બરમ
વરિષ્ઠ વકીલ ચિદમ્બરમે પહેલા અરજદાર પક્ષ વતી દલીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકારે નોટબંધીના નિર્ણય પહેલા પ્રક્રિયા વિશે યોગ્ય માહિતી આપી નથી. ન તો સરકાર દ્વારા 7 નવેમ્બર, 2016ના રોજ રિઝર્વ બેંકને મોકલવામાં આવેલા પત્રને રેકોર્ડ પર મૂકવામાં આવ્યો છે કે ન તો તે જણાવવામાં આવ્યું છે કે રિઝર્વ બેંકની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં શું ચર્ચા થઈ હતી. 8 નવેમ્બરે લેવાયેલા કેબિનેટના નિર્ણયને પણ કોર્ટમાં મૂકવામાં આવ્યો નથી. ચિદમ્બરમે એવી પણ દલીલ કરી હતી કે નિર્ણય RBI એક્ટ, 1934ની જોગવાઈઓ અનુસાર નથી. આ અધિનિયમની કલમ 26(2) કહે છે કે નોટ પાછી ખેંચતા પહેલા લોકોને પહેલા જાણ કરવી જોઈએ, પરંતુ જાહેરાત બાદ તરત જ દેશની 86% કરન્સીને અમાન્ય જાહેર કરી દેવામાં આવી. જેના કારણે લોકોને ધંધા-રોજગારની ભારે કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. તેમના મૂળભૂત અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સિનિયર એડવોકેટ શ્યામ દીવાને પણ નોટબંધીનો અમલ કરવાની રીતમાં ખામીઓ દર્શાવી હતી. તેમણે કહ્યું કે જૂની નોટો બદલવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નવેમ્બર અને ડિસેમ્બર 2016માં જે લોકો ભારતની બહાર હતા તેમને નોટો બદલવાની તક મળી ન હતી. તેના કારણે તેના ક્લાયન્ટના 1.68 લાખ રૂપિયા પોતે જ ફસાઈ ગયા.

Most Popular

To Top