Columns

મુંઝાશો નહીં EB-5 છે

ફ્રાન્સની સરકારે અમેરિકાને જે ‘સ્ટેચ્યુ ઓફ લીબર્ટી’ ભેટ આપ્યું છે એ અમેરિકાએ ન્યૂયોર્ક શહેરના બારામાં આવેલ ‘એલીસ આઈલેન્ડ’માં ઊભું કર્યું છે. વર્ષોથી સ્વતંત્રતાની એ દેવી વિશ્વના થાકેલા, હારેલા માનવીઓને પોતાને ત્યાં એટલે કે અમેરિકામાં આવવા આમંત્રી રહ્યું છે. આથી જ અમેરિકા ઈમિગ્રન્ટોનો દેશ કહેવાય છે. આ તક અને છતના દેશમાં વિશ્વના બધા જ દેશોના લોકો પ્રવેશવા અને રહેવાની ઈચ્છા ધરાવે છે. સમગ્ર વિશ્વના લોકોને તો અમેરિકામાં સમાવી ન શકાય. આથી ઈમિગ્રન્ટોને ખાળવા, પરદેશીઓ આડેધડ અમેરિકામાં આવી ન પહોંચે એ માટે, અમેરિકાએ એક પછી એક પ્રવેશનિષેધો ઊભા કર્યા.

સૌ પ્રથમ એવું ઠરાવવામાં આવ્યું કે જેમની પાસે ઓછામાં ઓછા 15 ડોલર હોય (એ સમયે 15 ડોલર એટલે આજના લગભગ 15 હજાર ડોલર જેટલા થાય) એમને જ અમેરિકામાં પ્રવેશવા દેવા. ત્યાર બાદ અમેરિકામાં પ્રવેશતા લોકો ઉપર અડધા ડોલરનો મુંડનવેરો નાખવામાં આવ્યો. પછી પ્રવેશનિષેધના કારણો દાખલ કરવામાં આવ્યા. ભિખારી, રોગિષ્ટ, ગુનેગારો, વેશ્યાઓ આવા આવા લોકોને અમેરિકામાં પ્રવેશ ન આપવો એવું ઠરાવવામાં આવ્યું. ચાઈનીસ એક્સક્લુઝન એક્ટ ઘડીને ચીનાઓને અમેરિકામાં પ્રવેશતા રોકવામાં આવ્યા. જાપાનની સરકાર જોડે જેન્ટલમેન્ટ એગ્રીમેન્ટ કરીને જાપનીસ મજૂરોને અમેરિકામાં પ્રવેશતા રોકવામાં આવ્યા. એશિયાટીક બાર્ડ ઝોન દાખલ કરીને એશિયાના લોકો, જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો, એમને કાયમ માટે અમેરિકામાં રહેવા આવતા રોક્યા.

એક પછી એક પ્રવેશનિષેધના નિયમો દાખલ કરીને અમેરિકાએ સ્થળાંતરનો જે કુદરતી પુશ એન્ડ પુલનો સિદ્ધાંત છે એને રોકીને કાયદા દ્વારા અમેરિકામાં પ્રવેશતા લોકોને અટકાવવા માંડ્યા. આ કટારના લેખકે 6 વર્ષ ‘અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓની ભારતીયોની સ્થળાંતરની નીતિ ઉપર અસર’ આ વિષયમાં સંશોધન કરીને સ્થળાંતરનો એક નવો નિયમ ‘થિયરી ઓફ લેજીસ્ટ્રેટીવ રીસ્ટેન્ટ’ પ્રસ્થાપિત કર્યો. એમણે વિશ્વને દેખાડી આપ્યું કે અમેરિકા કાયદાઓ ઘડીને એમને જે પ્રકારની વ્યક્તિની જરૂર હોય એમને જ જેટલી સંખ્યામાં જરૂર હોય એટલા જ લોકોને અમેરિકામાં પ્રવેશ આપે છે. આજે જો તમારે અમેરિકામાં ટૂંક સમય માટે, કોઈ ખાસ કારણસર જવું હોય તો જુદા જુદા પ્રકારના જુદી જુદી લાયકાતો ધરાવનારાઓ માટેના નોન-ઈમિગ્રન્ટ વિઝાની જરૂરિયાત રહે છે. આમાંના અમુક પ્રકારના વિઝા વાર્ષિક કોટાના બંધનોથી સીમિત છે. અમુક પ્રકારના વિઝા માટે સૌ પ્રથમ અમેરિકામાં પિટિશન દાખલ કરવાનું રહે છે.

જો તમારે અમેરિકામાં કાયમ રહેવું હોય તો ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે છે. એ સર્વે કોટાના બંધનોથી સીમિત છે. ઈમિગ્રન્ટ વિઝા ઈમિજેટ રીલેટીવ કેટેગરી, ફેમિલી અને એમ્પ્લોયમેન્ટ બેઝડ પ્રેફરન્સ કેટેગરી, વિઝા લોટરી, રાજકીય આશરો યા રેફ્યુજી સ્ટેટસ, અમેરિકાના લશ્કરમાં જોડાવાથી, આમ જુદી જુદી રીતે મેળવી શકાય છે. આજે ભારતીયોની અમેરિકામાં વસતિ એટલી બધી વધી ગઈ છે અને વિઝાની માંગ એટલા બધા લોકો કરે છે કે નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે પણ ખૂબ લાંબો સમય સુધી ઈન્ટરવ્યૂની તારીખ માટે રાહ જોવી પડે છે અને ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે તો ખાસ લાયકાતો હોવી જોઈએ અને 1 થી માંડીને 51 વર્ષ સુધી વાટ જોવાની તૈયારી હોવી જોઈએ. આ સર્વે કારણોસર ભારતીયો જેઓ અમેરિકા જવા ઈચ્છે છે તેઓ મુંઝાઈ ગયા છે. શું કરવું અને શું નહીં એની ગડમથલમાં પડ્યા છે. ગેરકાયદેસર ઘુસવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે.

વિશ્વના સૌથી આગળ પડતા તેમ જ અત્યંત ધનિક ખનિજ સંપત્તિથી ભરપૂર, ખેતીવાડીની અફાટ જમીન ધરાવતા, અમેરિકામાં જો તમારે કાયમ માટે રહેવા જવું હોય, ફેમિલી પ્રેફરન્સ કેટેગરી કે એમ્પ્લોયમેન્ટ બેઝડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ વિઝા મેળવવાની તમારી લાયકાત ન હોય અને એ માટે વર્ષોની જે વાટ જોવી પડે છે એની તૈયારી ન હોય, રાજકીય આશરો કે રેફ્યુજી સ્ટેટસ માંગી ન શકો, લશ્કરમાં જોડાવું ન હોય અને વિઝા લોટરીમાં ભાગ લઈ ન શકો પણ જો તમારી પાસે અમેરિકાની સરકારે માન્ય કરેલ રીજનલ સેન્ટરમાં 8-10 વર્ષ માટે ઈન્વેસ્ટમેન્ટ કરવાના 8 લાખ ડોલર હોય, એ ઉપરાંત લાખ સવા લાખ ડોલર ખર્ચવા માટે હોય તો તમે વર્ષ 1992 માં દાખલ કરેલ EB-5 પ્રોગ્રામ હેઠળ ઈન્વેસ્ટમેન્ટ કરીને 3-4 વર્ષની અંદર તમારા તેમ જ તમારી પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેની વયના અવિવાહિત સંતાનો માટે ગ્રીનકાર્ડ મેળવી શકો છો.

‘EB -5  પાઈલોટ પ્રોગ્રામ’ જે વર્ષ 1992માં દાખલ કરવામાં આવ્યો છે એની હેઠળ અમેરિકાની સરકારે માન્ય કરેલ રીનજલ સેન્ટર, જે પછાત પ્રદેશમાં યા ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયામાં કાર્ય કરી રહ્યું હોય એમાં જો તમે વ્હાઈટના એટલે કે કાયદેસર મેળવેલા 8 લાખ ડોલર ઈન્વેસ્ટ કરો, એ રીજનલ સેન્ટરને નોન રીફંડેબલ 70થી 80 હજાર ડોલર એડમિનિસ્ટ્રેટીવ ફીના આપો, એમના એટર્નીઓને 20થી 30 હજાર ડોલર ફી પેટે આપો અને લગભગ 5 હજાર ડોલર જેટલી ફાઈલિંગ ફી અમેરિકાની સરકારને આપો તો તમને લગભગ 3 થી 4 વર્ષની અંદર 2 વર્ષની મુદતનું કંડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. તમારી પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેની વયના અવિવાહિત સંતાનોને પણ 2 વર્ષની મુદતનું ગ્રીનકાર્ડ મળી શકે છે. 21 મહિના પછી એ કાયમનું કરવાની અરજી કરવાની રહે છે.

એ કરતા તમારે દેખાડી આપવાનું રહે છે કે તમે જે 8 લાખ ડોલરનું રોકાણ કર્યું છે એમાંનો એક પણ ડોલર પાછો ખેંચી નથી લીધો અને રીજનલ સેન્ટરે તેઓ જે પ્રોજેક્ટ કરી રહ્યા છે એમાં તમારા વતીથી 10 અમેરિકનોને સીધી યા આડકતરી રીતે નોકરીમાં રાખ્યા છે. આ અરજીનો નિકાલ આવતા 3-4 વર્ષ લાગે છે. ત્યાર બાદ રીજનલ સેન્ટર તમે ઈન્વેસ્ટ કરેલા 8 લાખ ડોલર રીફંડ કરે છે. તમારે એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે તમે નવા બિઝનેસમાં રોકાણ કરો છો. બિઝનેસમાં નફો થાય અને નુકસાની પણ જાય. જો તમારી પાસે પૈસાની સગવડ હોય અને 3-4 વર્ષમાં જો ગ્રીનકાર્ડ મેળવવું હોય તો EB-5 પ્રોગ્રામ તમારા માટે અક્સીર ઈલાજ છે.

Most Popular

To Top