Columns

પોતાના ગ્રાહકના કપરા સમયે ગ્રાહકને શ્રેષ્ઠ સેવા અને સહકાર આપવાની વીમા કંપનીની ફરજ બને છેઃ ગ્રાહક કોર્ટ

અત્રેની સુરત જિલ્લા ગ્રાહક અદાલતે (ડિસ્ટ્રિક્ટ કમિશન) ફરિયાદી વીમેદારને ક્લેમની ૨કમ રૂ.2,02,054/- વાર્ષિક 7% લેખેના વ્યાજ સહિત તેમજ શારીરિક – માનસિક ત્રાસ માટે બીજા રૂ. 9,000/- તેમ જ કાર્યવાહી ખર્ચના બીજા રૂ. 6000/- સહિત ચૂકવી આપવાનો વીમા કંપનીને હુકમ કર્યો છે. ગ્રાહક અદાલતે હુકમમાં વીમા કંપનીને ટકોર કરતા એમ પણ જણાવ્યું છે કે, પોતાના ગ્રાહકના કપરા સમયે વીમા કંપનીની ફરજ બને છે કે, પોતાના ગ્રાહકને શ્રેષ્ઠ સેવા અને સહકાર આપે પરંતુ વીમા કંપનીએ આમ ન કરીને સેવામાં ગંભીર ચૂક કરી છે.

ગાંડાલાલ ઘુસાભાઇ અમીપરા અને તેમની પત્ની મુક્તાબેન ગાંડાલાલ અમીપરા (ફરિયાદીઓ) એ ધ ઓરીએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિ. (સામાવાળા) વિરૂધ્ધ અત્રેના સુરત જિલ્લા કમિશન સમક્ષ એડવોકેટ શ્રેયસ દેસાઇ મા૨ફત કરેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી સામાવાળા વીમા કંપનીની રૂ.3,00,000/- Sum Assured ની મેડીક્લેમ પોલીસી ધરાવતા હતા. વીમો અમલમાં હતો તે દરમ્યાન ફરિયાદીના પત્નીની તબિયત બગડતા શહેર સુરતમાં આવેલ Shiroya Spinetics હોસ્પિટલમાં તા.03/01/2019 ના રોજ ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાયેલા જ્યાં ફરિયાદીના પત્નીને Neck Pain with Left upper limb tingling/numbness હોવાનું નિદાન થયેલું જે માટે હોસ્પિટલ દ્વારા સારવાર થયા બાદ ફરિયાદીના પત્નીને સારું થતા તા.04/01/2019 ના રોજ રજા અપાયેલી. મજકૂર સારવારનો ખર્ચ રૂ. 2,02,054/- થયેલો જે અંગે ફરિયાદીઓએ સામાવાળા વીમા કંપની સમક્ષ ક્લેમ કરતા વીમા કંપનીએ ફરિયાદીના પત્નીને ફરિયાદવાળી બીમારી Congenital disease ની બીમારી હોવાનું અને મજકૂર બીમારીની હકીકત વીમાના પ્રપોઝલ ફોર્મમાં ન જણાવી ફરિયાદીનો ક્લેમ નામંજૂર કર્યો હતો. જેથી ફરિયાદીએ સુરત જિલ્લા કમિશન સમક્ષ ફરિયાદ કરવાની જરૂરત પડી હતી.

સામાવાળા વીમા કંપની તરફે ફરિયાદીની ફરિયાદ રદ કરવાની જિલ્લા કમિશન સમક્ષ રજૂઆત થઇ હતી. ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ દલીલોમાં જણાવ્યું હતું કે, ફરિયાદીની બીમારી અને સામાવાળા વડે ક્લેમ રીજેકશન કરવા માટે આપવામાં આવેલ કારણને કોઇ સંબંધ નથી.

વધુમાં, સામાવાળા દ્વારા કલેમ બાબતે કોઈ ઈન્વેસ્ટીગેશન કરવામાં આવેલ નથી તેમ જ ટ્રીટીંગ ડૉકટરની એફીડેવીટ પણ કરાવી નથી અને  માત્ર કલ્પના અને ધારણાને આધારે ફરિયાદી નં.(2)નો કલેમ નામંજૂર કર્યો છે. સુરત જિલ્લા કમિશન (મેન) ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી.મેખીયા તથા સદસ્યો ડો.તીર્થેશ મહેતા અને પૂર્વીબેન જોશીએ એડવોકેટ ફરિયાદીની ફરિયાદ મંજૂર કરતા હુકમમાં જણાવ્યું હતું કે, ફરિયાદીને ક્લેમના રૂ. 2,02,054/- વાર્ષિક 7%ના વ્યાજ સહિત તેમ જ શારીરિક- માનસિક ત્રાસ માટે રૂ. 9,000/- તેમજ ફરિયાદ ખર્ચના રૂ. 6,000/- સહિત ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

Most Popular

To Top