Columns

વળતરના ‘જોખમી’ જોગ-સંજોગ

‘આપણી જિંદગી ક્ષણભંગુર છે’  આ વાત સંતો તેમ જ ઘરના વડીલો પાસેથી આપણે અવારનવાર સાંભળી છે અને એને ગંભીરતાથી લઈએ પણ છીએ. આપણી આકસ્મિક વિદાય પછી ઘરનાને આર્થિક તકલીફ ન પડે એટલે વીમો પણ ઊતરાવીએ છીએ. આમ છતાં, એવા અનેક વીરલા પણ છે જે આને હસવામાં કાઢી પણ નાખે છે. જો કે કોવિડના જીવલેણ આક્રમણ પછી એ બધા પણ સાનમાં સમજી ગયા છે કે હસતી-રમતી જિંદગી કેવી નજર સામે પલક વારમાં આટોપાઈ જાય છે એટલે લોકો ‘જિંદગી કે સાથ ભી ઔર જિંદગી કે બાદ ભી’ના વીમા ઊતરાવતા થઈ ગયા છે. જેમ લોકો આવનારી બીમારી સામે વીમારૂપી આગોતરી તૈયારી રાખતા થઈ ગયા છે તેમ ઘરફોડી અને કિમતી ઘરવખરી કે મોંઘી કારના ય ઈન્શ્યોરન્સ લે છે.  આવે વખતે કેટલાક ભેજાબાજ તો આવા ઈન્શ્યોરન્સને કમાણીનો ધંધો પણ બનાવી દે છે. તાજેતરમાં પ્રગટ થયેલી રાજ્કોટની આ ઘટના જાણવા જેવી છે.

કોઈ એક કનુભાઈ (નામ બદલ્યું છે) અને એમના બીજા 4 સ્વજનોએ પોતપોતાની કારને અકસ્માત નડ્યો છે એવી પોલીસ ફરિયાદ નોંધાવીને વિભિન્ન વીમા કંપની પાસે એનું વળતર માગ્યું. ક્નુભાઈ અને એમના સ્વજનોએ એમની મોંઘી કારના વીમા માટે રૂપિયા 65 હજારનું પ્રીમિયમ પણ ભર્યું હતું એટલે પેલા પાંચેયે કાર નુકસાની પેટે રૂપિયા 80 લાખની રક્મનું જે તગડું વળતર માગ્યું એ મળ્યું પણ ખરું. જો કે 2 વીમા કંપનીને આ કાર-અકસ્માતની ઘટનામાં શંકા પડી કારણ કે પેલા પાંચેય કારમાલિકોની કારને એક જ દિવસે (31 ડિસેમ્બર-2021) લગભગ એકસરખા સમયે જુદા જુદા વિસ્તારમાં આ ‘અક્સ્માત’નડ્યો હતો. વીમા કંપનીએ ‘એક જ દિવસે થયેલા આ અકસ્માતના જોગ-સંજોગ’નું રહસ્ય ઉકેલવા પોલીસની મદદ માગી છે. આ દરમિયાન, છએક મહિના પહેલાં પેલી 5 વ્યક્તિએ ફરી 5 કાર નવી ખરીદી અને એનો અક્સ્માત વીમો ઊતરાવ્યો અને એ બધી કારને ફરી ઍક્સિડન્ટ નડ્યો છે એટલે ફરી એક વાર રૂપિયા 40 લાખનું નુકસાની વળતર માગ્યું છે! વીમા કંપનીઓએ આ વખતે વળતર અટકાવ્યું એટલે પેલા 5 કારવાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 બીજી બાજુ, વીમા કંપનીઓ તથા પોલીસ સુદ્ધાં હવે માનવા લાગ્યા છે કે સેકન્ડ હેન્ડ કાર ખરીદી એના પર મોટી રકમના વીમા ઊતરાવી પછી ટ્રક કે બુલડોઝર સાથે અથડાવીને અકસ્માતના નામે તોતિંગ વળતર વસૂલ કરવાના ગોરખધંધામાં આજકાલ અણધારી તેજી આવી છે અને આવા ઍક્સિડન્ટ ‘સર્જવા’ માટે ફિલ્મના ધંધાધારી સ્ટંટ માસ્ટરની પણ મદદ લેવામાં આવતી હોય તો ય નવાઈ નથી!

આ ભોજન માત્ર દોઢ અબજ રૂપિયાનું છે!

ફેમસ- પ્રખ્યાત વ્યક્તિને મળવાની આપણી માનવસહજ ઈચ્છા-ઉત્કંઠા હોય છે. આવી આપણી મનપસંદ વ્યક્તિ સાથે થોડો સમય ગાળવાનો અવસર મળે તો એને કેટકેટલું બધું પૂછી લેવાની આપણી ઉત્સુકતા પરાકાષ્ઠાએ પહોંચી જાય. આવી તક બધાને મળતી નથી. હા, અગાઉ વિદેશમાં આવી ‘તક’ યોજવામાં આવતી. કોઈ સંસ્થાને આર્થિક રીતે મદદરૂપ થવા એકાદ ફિલ્મના પ્રીમિયર-શોનું આયોજન થતું, જેના ઊંચા દરના નિમંત્રણ કાર્ડ ખરીદો તો ફિલ્મના હિરો-હિરોઈનને મળવા-વાતચીત કરવાની તક મળતી. કેટલીક વાર આ જ રીતે તમને અતિ પ્રસિદ્ધ શ્રીમંતની સાથે રૂબરૂ વાત કરવા ઉપરાંત વિશેષ ડિનર લેવાની ગોઠવણ થતી.

અલબત્ત, આવી તક માટે કોઈ સંસ્થા કે ખાસ કાર્ય યોજનાના લાભાર્થે તમારે અમુક રકમનું દાન કરવું પડે. જો કે હવે વિદેશમાં આ પ્રકારના આયોજન લગભગ બંધ થઈ ગયા છે. અપવાદરૂપ આવું એક ચેરિટી આયોજન થાય છે જ્યાં તમને વિશ્વના શ્રીમંતોની યાદીમાં જેમની માનપૂર્વક ગણના થાય છે એવા વિખ્યાત મૂડીરોકાણકાર વૉરેન બફેટ સાથે લંચ કે ડીનર લેવાની અમૂલ્ય તક મળે. વિશ્વના શ્રેષ્ઠ ‘ઈન્વેસ્ટમેન્ટ ગુરુ’ તરીકે જાણીતા બફેટ કોરોનાકાળના 2 વર્ષને બાદ કરતાં વર્ષોથી સાન ફ્રાન્સિસ્કોની ‘ગ્લાઈડ’નામની સેવા સંસ્થાના લાભાર્થે દર વર્ષે ‘ડૉનેશન ડિનર’ ગોઠવે છે.

આ માટે ‘ઈ-બે’નામની સાઈટ પર ઓનલાઈન લિલામ થાય.જે સૌથી વધુ રકમ દાન આપવાનું વચન આપે એની સાથે વૉરેન બફેટ એક નિયત દિવસે લંચ લે છે. જેમની પાસે આજની તારીખે 94 અબજ ડોલરની સંપત્તિ છે એવા બફેટે છેલ્લાં 22 વર્ષથી આવા ડોનેશન લંચ દ્વારા 54 મિલિયનથી (આશરે 4 અબજ 30 કરોડ) વધુ ભંડોળ એકઠું કરી આપ્યું છે !  2 વર્ષ પહેલાં બફેટ સાથે આવા ભોજન માટે ક્રિપ્ટોકરન્સીના એક શ્રીમંત વેપારીએ આશરે પાંચેક મિલિયન ડોલરની બોલી લગાડી હતી.

જો કે આ વખતે 91 વર્ષીય વૉરેન બફેટ પોતે આ પ્રકારના ડૉનેશન લંચમાં છેલ્લી વાર ભાગ લેવાના છે એવું એમણે જાહેર કર્યું હોવાથી એ લંચ માટે ‘ઈ-બે’ની ઓનલાઈન સાઈટના લિલામમાં જબરી રસાકસી થઈ પછી 19 મિલિયન ડોલર એટલે કે આશરે 1 અબજ 51 કરોડથી પણ વધુ રકમની રેકોર્ડબ્રેક બોલી લગાડી એક મિસ્ટર આ ઐતિહાસિક લંચ માટે વિજેતા ઠર્યા છે.  ોતાની ઓળખ ગુપ્ત રાખવા ઈચ્છતા આ મિસ્ટર જ્યારે બફેટ સાથે ભોજન લેશે ત્યારે પોતાની સાથે અંગત એવી બીજી 7 વ્યક્તિને પણ લઈ જઈ શકશે અને આ લંચ મીટિંગમાં એ અને એના ગેસ્ટ મૂડીરોકાણને લગતાં બધા જ પ્રકારના પ્રશ્નો પૂછી શકશે અને વૉરેન બફેટ મુકત મને -નિખાલસતાથી માર્ગદર્શન આપશે. ઉપરાંત પોતાની આગવી સફળતાનાં કેટલાંક રહસ્ય પણ છતાં કરશે…!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
કુદરતે સર્જેલી પ્રાણીસૃષ્ટિ પણ કમાલની છે. ગોકળગાય જેવું સૂક્ષ્મ જંતુ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા આબોહવામાં રહેલી ભીનાશનો બખૂબી ઉપયોગ કરે છે અને સળંગ 3 વર્ષ સુધી એ સુષુપ્ત અવસ્થામાં ‘ઊંઘી’ પણ શકે છે!
– દુનિયાના ૧૧ % લોકો મોટાભાગે ડાબા હાથનો જ વધુ ઉપયોગ કરે છે અર્થાત એ લોકો ડાબોડી છે.…
* ઈશિતાની એલચી *
અખબાર એ તાંબાના વાસણ જેવું છે. કુશળ તંત્રી-પત્રકારોએ એને રોજ રોજ ઘસીને ચકચકિત રાખવું પડે…!

Most Popular

To Top