Columns

આ રીતે અમેરિકામાં યુરોપ અને ઈંગ્લૅન્ડના લોકોએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું અને..

અમેરિકા ખંડ શોધાયો અને યુરોપ તેમ જ ઈંગ્લૅન્ડના લોકોએ એ ‘તક અને છત’ના દેશ પ્રત્યે ધસારો કર્યો. એ સમયે ઈંગ્લૅન્ડમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો. લોકો ટપોટપ મરતા હતા. બટાટાનો દુકાળ હતો. ઈંગ્લૅન્ડ અને યુરોપના રાજવીઓ તેમ જ ધર્મગુરુઓ અંદર અંદર ઝઘડતા હતા અને પ્રજાને રંજાડતા હતા. આ બધાં કારણોને લીધે જેવી યુરોપ અને ઈંગ્લૅન્ડના લોકોને જાણ થઈ કે એક નવો દેશ ખોજાયો છે, એ અફાટ છે. ખેતીવાડી માટે ત્યાં પુષ્કળ ફળદ્રુપ જમીનો છે. ખનિજસંપત્તિથી એ દેશ ભરેલો છે અને એમાં પ્રવેશવા માટે કોઈ પણ પ્રકારની રોકટોક નથી એટલે એમણે એ નવા શોધાયેલા દેશ ભણી દોટ મૂકી. અમેરિકાના મૂળ વતની, જેમને કોલંબસે ‘રેડ ઈન્ડિયન’ એવું નામ આપ્યું હતું એમણે શરૂ શરૂમાં એમની ધરતી ઉપર ધસી આવેલ યુરોપ અને ઈંગ્લૅન્ડના લોકોનો પ્રતિકાર કર્યો પણ એમના બળ અને બંદૂક સામે તેઓ ઝાઝું ટક્યા નહીં. અમેરિકા ખંડમાં યુરોપ અને ઈંગ્લૅન્ડના લોકોએ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું.

ભારતીયોએ અમેરિકા સ્થળાંતર કરવાનું વિચાર્યું નહીં કારણ કે એ ભારતનો સુવર્ણ યુગ હતો. ક્રિસ્ટોફર કોલંબસ હકીકતમાં ભારત આવવાનો જ ટૂંકો રસ્તો ખોજવા નીકળ્યો હતો. ધીરે ધીરે અમેરિકામાં જઈને વસેલા યુરોપિયનો અને અંગ્રેજોને એવું લાગવા માંડ્યું કે હવે અન્યોને કોઈ પણ પ્રકારના રોકટોક વગર અમેરિકામાં પ્રવેશવા દેવામાં આવશે તો અહીં વસતિનો ભરાવો થઈ જશે. એ બધા અહીંની જમીન અને ખનિજસંપત્તિમાં ભાગ પડાવશે. આથી અમેરિકા જઈને વસેલા લોકોએ એવું ઠરાવ્યું કે ગુનેગારોને, દારૂડિયાઓને, રોગિષ્ઠોને, વેશ્યાઓને અમેરિકામાં પ્રવેશ નહીં આપવો. આમ પ્રવેશનિષેધનાં કારણો દાખલ કરવામાં આવ્યાં. હજુ પણ આ કારણો મોજૂદ છે. એની સંખ્યા 100 આંકડાને ટપી ગઈ છે. એમાંનું કોઈ પણ કારણ તમારામાં હોય તો તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નથી આવતો.

પછી અમેરિકાએ એવું ઠરાવ્યું કે જે પણ વ્યક્તિને અમેરિકામાં પ્રવેશવું હોય એની પાસે ઓછામાં ઓછા 15 ડૉલર હોવા જોઈએ. યુરોપ અને ઈંગ્લૅન્ડથી અમેરિકા આવતાં વહાણના કપ્તાનોને એમણે સૂચના આપી કે એમના વહાણમાં પ્રવેશતી દરેકેદરેક વ્યક્તિએ એની પાસે ઓછામાં ઓછા 15 ડૉલર છે એવું દેખાડી આપવું જોઈએ. આજે પણ જો તમારે અમેરિકામાં પ્રવેશવું હોય તો ‘નૉન-ઈમિગ્રન્ટ’ વિઝાની અરજી કરતાં દેખાડી આપવું પડે છે કે તમારી પાસે અમેરિકા જવા-આવવાના, રહેવા-ખાવાના અને પરચૂરણ ખર્ચાની પૂરતી જોગવાઈ છે. જો ‘ઈમિગ્રન્ટ’ વિઝાની માગણી કરતાં હો તો અમેરિકામાં રહેતી જે વ્યક્તિએ તમને આમંત્રી હોય એણે તમારા લાભ માટે ‘એફિડેવિટ ઑફ સપોર્ટ’, ફોર્મ I-864 આપવાનું રહે છે.

ત્યાર બાદ અમેરિકામાં પ્રવેશતી વ્યક્તિ પર ‘હેડ ટૅક્સ’ એટલે કે મુંડન વેરો લાગુ કરવામાં આવ્યો. શરૂઆતમાં એ 50 સેન્ટ હતો, ધીરે ધીરે એમાં વધારો થતો ગયો. આજે પણ તમે અમેરિકામાં પ્રવેશો છો ત્યારે તમારી પાસેથી હેડ ટૅક્સ વિઝા પ્રોસેસિંગ ફીના રૂપમાં લેવામાં આવે છે. કેલિફોર્નિયામાં સોનું જડ્યું. આથી સામે કાંઠે આવેલ ચીનમાંથી ચીનાઓએ સોનાની ખાણમાં કામ કરવા તેમ જ એની માલિકી મેળવવા દોટ મૂકી. એમને અટકાવવા અમેરિકાએ ‘ધ ચાઈનીઝ એક્સક્લુઝન એક્ટ, 1882’ ઘડ્યો.

જાપાનીઝ લોકો સસ્તા દરે મજૂરી કરવા ખૂબ મોટી સંખ્યામાં અમેરિકા જવા લાગ્યા. યુરોપ અને ઈંગ્લૅન્ડના લોકોની મજૂરી આથી છીનવાઈ જતી હતી. અમેરિકાએ આ કારણસર જાપાનની સરકાર જોડે કરારો કર્યા. જે કોઈ પણ જાપાનીઝ અમેરિકામાં મજૂરી કરવા જવા ઈચ્છતો હોય એને જાપાનની સરકારે પાસપોર્ટ જ નહીં આપવો એવું ઠરાવવામાં આવ્યું. આને ‘જેન્ટલમેન્ટ્સ એગ્રીમેન્ટ’ કહેવામાં આવ્યો. આજે પણ પરદેશી મજૂરને કામ કરવા બોલાવવો હોય તો એને અમેરિકન મજૂરોને જે મજૂરી આપવામાં આવે છે એટલી જ મજૂરી આપવાની રહે છે.

આમ ઈમિગ્રન્ટના દેશ અમેરિકાએ એક પછી એક ઈમિગ્રન્ટોને એમના દેશમાં આવતા ખાળવા માટે કાયદાઓ ઘડવા માંડ્યા. અંતે ઈ.સ. 1952માં એ બધા જ કાયદાઓને એકત્ર કરીને ‘ધ ઈમિગ્રેશન ઍન્ડ નૅશનાલિટી ઍક્ટ, 1952’ ઘડવામાં આવ્યો. આ જ કાયદો આજે એમાં કરવામાં આવેલા સુધારા-વધારા સાથે અમલમાં છે. આ કાયદા હેઠળ અમેરિકામાં પ્રવેશવા માટે વિઝા હોવા જોઈએ એવું ઠરાવવામાં આવ્યું. જેમને કાયમ રહેવા જવું હોય એમના માટે ‘ઈમિગ્રન્ટ વિઝા’ ઘડવામાં આવ્યા. એની વાર્ષિક સંખ્યા નક્કી કરવામાં આવી.

પરદેશીઓ ઈમિગ્રન્ટ વિઝા કેવી રીતે મેળવી શકે? એ માટે એમણે શું કરવું જોઈએ? આ બધું આ કાયદા હેઠળ નક્કી કરવામાં આવ્યું. કોઈ ખાસ કાર્ય માટે, જેમ કે ફરવા, બિઝનેસનાં કાર્યો માટે, ભણવા માટે, થોડા સમય માટે નોકરી કરવા, પોતાના ધંધાની શાખા ખોલીને ત્યાં બિઝનેસ કરવા, ન્યૂઝપેપરના એજન્ટ તરીકે, ધર્મગુરુ તરીકે, આમ જુદાં જુદાં કાર્યો માટે થોડા સમય માટે જવું હોય એમના માટે જુદા જુદા પ્રકારના ‘નૉન-ઈમિગ્રન્ટ વિઝા’ ઘડવામાં આવ્યા. દરેક પ્રકારના નૉન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની લાયકાત શું હોવી જોઈએ એ આ કાયદા હેઠળ નક્કી કરવામાં આવ્યું. નૉન-ઈમિગ્રન્ટમાંના અમુક પ્રકારના વિઝા માટે વાર્ષિક મર્યાદા ઠરાવવામાં આવી. જે દેશ ઈમિગ્રન્ટોનો દેશ કહેવાય છે, એ દેશે ઈમિગ્રન્ટોને પોતાને ત્યાં આવતા અટકાવવા, એમને ચકાસીને પ્રવેશ આપવા ‘ધ ઈમિગ્રેશન ઍન્ડ નૅશનાલિટી ઍક્ટ, 1952’ ઘડ્યો!

Most Popular

To Top