Columns

ભેદ-ભરમની અજબ દુનિયા ને દુનિયાના ગજબ ભેદ-ભરમ…!

થ્રિલર-મિસ્ટરી-સસ્પેન્સ …એક રીતે જુઓ તો આ ત્રણેય શબ્દ એક જ ગૌત્રના લાગે.એક યા બીજી રીતે એકમેક સાથે સંકળાયેલા લાગે. અકળ કુદરતની કરામત છે કે આ જગતમાં આપણી આસપાસ કેટકેટલી વસ્તુઓ એવી છે, જે બહુ જ સહજતા-સરળતાથી આપણને સમજાય જાય છે તો સામે પક્ષે અમુક એવી પણ છે જેને બધી જ રીતેના અનેક પ્રયાસ પછી પણ એની ક્રિયા- પ્રતિક્રિયા સમજી નથી શક્તા,…સમજાવી નથી શકતા અને જ્યાં આપણી સમજ્-જ્ઞાન-બુદ્ધિ વગેરે નિષ્ફળ નીવડે છે એને જ આપણે મિસ્ટિરી -ગૂઢ રહસ્યનું નામ આપીએ છીએ. જેનો ઉકેલ આપણા બધા માટે અશક્ય છે એને પણ આપણે જટિલ ‘રહસ્ય’ કહેતા થઈ ગયા છીએ.

આમ જુઓ તો દરેક વાત પાછળ કારણ હોય છે-હોવું જોઈએ,પરંતુ જ્યારે આપણને એ કારણ મળતું નથી-જડતું નથી તો એ આપણા માટે ભેદી બની જાય છે. અલબત્ત, અમુક અપવાદોને બાદ કરતાં જગતમાં કોઈ પણ રહસ્ય એવાં નથી જે કદી ન ઉકેલી શકાય…. હા, કોઈ કોઈ રહસ્યનો તાગ મળતા 5 વર્ષ લાગે તો કોઈ ભેદ-ભરમ 5 દાયકા તો કોઈ 5 સૈકા સુધી પણ અણનમ રહે છે…. આમ તો ‘મિસ્ટરી’ અને ‘સિક્રેટ’ના શબ્દાર્થ વચ્ચે પાતળી ભેદરેખા છે એટલે એ બન્ને વચ્ચેનો એક પાયાનો ભેદ સમજી લઈએ, જેમ કે મિસ્ટરી આપમેળે સર્જાતી હોય છે-તમે એને ઈરાદાપૂર્વક સરજી ન શકો પણ એને ઉકેલવાની હોય છે. બીજી તરફ, સિક્રેટ તમે યોજનાબદ્ધ સર્જી શકો જેને તમારે ગુપ્ત રાખવાનું હોય છે.

આ વાતને બીજી રીતે પણ સમજાવી શકાય જેમ કે જે વાતને આપણે ઈરાદાપૂર્વક બીજાથી છાની રાખીએ એ સિક્રેટ અને જે વાતને આપણે બરાબર સમજી ન શકીએ કે સમજાવી ન શકીએ એ મિસ્ટરી…! ખેર, એ બન્નેના શબ્દાર્થની વ્યાખ્યામાંથી બહાર આવીએ. માનવ સ્વભાવ જ એવો છે કે કોઈનાં પણ રહસ્યો જાણવા આપણે બહુ ઉત્સુક રહીએ…એ માટે આપણી કુતૂહલવૃતિ તીવ્ર બને છે જ્યારે મિસ્ટરી આપણી નજર સામે આકાર લેતું એક એવું ગૂઢ રહસ્ય છે જેને સમજી કે સમજાવી શકાતું નથી. દાખલા તરીકે, 4500 વર્ષ પૂર્વે 10 ટનથી પણ વધુ વજનદાર પથ્થરોથી ઈજિપ્તના ઊંચાં-તોતિંગ પિરામિડ તૈયાર કઈ રીતે થયા?!

 આવાં જ કેટલાંક સમજાવી ન શકાય એવાં ગૂઢ રહસ્યો તમિળનાડુના અતિ પ્ર્રાચીન બૃહદેશ્વર મંદિરની રચના સાથે સંકળાયેલાં છે. કાવેરી નદીના કિનારે 10મી સદીમાં બનેલા આ વિરાટ શિવમંદિરની રચના માટે જે ગ્રેનાઈટ પથ્થર વપરાયા છે એ આજુબાજુના વિસ્તારમાં મળતા ન હોવાથી એને છેક 50 માઈલ દૂરથી લાવવામાં આવ્યા હતા અને એ અતિ વજનદાર શિલાઓને અહીં સુધી લાવવા માટે પૂરા 1000 જેટલા હાથીનો ઉપયોગ થયો હતો એવું ઈતિહાસ કહે છે ! આ મૂળ મંદિર નીચેથી અનેક છૂપાં ભોંયરાં પણ મળી આવ્યાં છે, જે દૂર દૂરનાં અન્ય મંદિરો સુધી સંકળાયેલાં છે!

આ શિવમંદિરની બીજી અવાક કરી દેતી વિશેષતા એ છે કે વિશ્વનું આ એક માત્ર દેવીસ્થાન છે જ્યાં દિવસ દરમિયાન સૂર્ય પ્રકાશતો હોય છતાં જમીન પર મંદિરનો ક્યાંય પડછાયો પડતો નથી…!  આજની તારીખે પણ જગતભરમાં આના જેવી કેટકેટલીય ઘટના એવી છે,જેની પાછળનું કોઈ ચોક્કસ કારણ આપણે જાણતા નથી. એ બધી વણઉકેલાયેલી છે. એ આજે હવે આપણા માટે તીવ્ર કુતૂહલનો વિષય માત્ર બની રહી છે. એને ઉકેલવા સંખ્યાબંધ સંશોધકો સતત પ્રયત્નશીલ છતાં એ હજુય ગૂઢ અને અકળ જ રહી છે.

 ઈંગ્લેન્ડનું આ ઉદાહરણ લઈએ. …ત્યાંના સ્ટેફૉર્ડશાયર પરગણામાં 18 મી સદીનું એક સ્મારક છે. પહેલી નજરે એ કોઈ ઐતિહાસિક સ્મૃતિ ખડક જેવું લાગે પરંતુ એની નજીક જઈને જુઓ તો એના પર અંગ્રેજીમાં આ અક્ષરો લખ્યા છે : DOUOSVAVVM… જાણીતા ઈતિહાસકારો-સંશોધનકારો-વિજ્ઞાનીઓ સુદ્ધાં આ અક્ષર સમૂહનો શું અર્થ થાય એનો હજુ સુધી તોડ કાઢી નથી શકયા. લોકવાયકા એવી છે કે કોઈ અજાણ્યા ગ્રહથી પૃથ્વીની મુલાકાતે આવેલા પરગ્રહવાસી પોતાના કોઈ કોડરૂપે આવો અગૂઢ સંદેશો લખી ગયા છે…! આવી જ અન્ય ગ્રહવાસીઓની વાત નેવાડા સ્ટેટમાં આવેલા ‘એરિયા-51’તરીકે ઓળખાતા અમેરિકાના એર ફોર્સ મથકમાં બહુ ચર્ચાય છે.

અહીં અન્ય અજાણ્યા ગ્રહોથી આવતા ઊડતી રકાબી જેવાં યાન તેમ જ એના પરગ્રહવાસીઓ વિશે શું શું ભેદી સંશોધન થઈ રહ્યાં છે એની વાત-વિગતો અન્ય દેશો માટે ભેદ-ભરમ જેવી થઈ ગઈ છે. આવા જ ભેદ-ભરમની એક વાત માટે આજે યુરોપનું ગ્રીસ પણ જાણીતું છે. કહે છે કે 2૦૦૦ વર્ષ પહેલાં ગ્રીકના અજાણ્યા ટાપુ પાસે એક શીપ અકસ્માતનો ભોગ બનીને ડૂબી ગયું હતું. પાછળથી એના દરિયાઈ ભંગારમાંથી એક વિચિત્ર દેખાતું એક યંત્ર મળી આવ્યું જે ત્યાંના ગ્રીક વિજ્ઞાનીઓ અને ઈતિહાસકારોના અભિપ્ર્રાય મુજબ આશરે ઈશુ જન્મના 150 વર્ષ પહેલાં બનેલું. કમ્પ્યુટર જેવી કામગીરી બજાવી શકતું આ યંત્ર વિભિન્ન ગ્રહણ તેમ જ અન્ય ગ્રહોની ગતિવિધિના ખબરઅંતર પણ રાખી શકતું હતું…! સૈકાઓ પૂર્વે આવું મશીન કોણે કઈ રીતે બનાવ્યું એનો સંતોષકારક તાગ આજના સંશોધનકારોનેય હજુ મળ્યો નથી!

 વિશ્વમાં અનેક સ્થળ એવાં છે જે એનાં વણઉકેલાયેલાં રહસ્યોને કારણે વિખ્યાત બન્યાં છે. આવી વિસ્મય જગાડતી જ્ગ્યામાં ‘બર્મૂડા ટ્રાઈએન્ગલ’મોખરે છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકાના ફ્લોરિડા-પ્યૂટોરિકા અને બ્રિટિશ બર્મૂડા ટાપુ સમુહ જે ત્રિકોણ આકાર સર્જે છે એ સમુદ્રી વિસ્તારમાંથી પસાર થતાં જહાજ અને આકાશમાં પસાર થતાં વિમાનો એમના પ્રવાસીઓ સાથે લાપતા થઈ જવાની અવારનવાર ઘટનાઓ બનતી રહે છે. પાછળથી વિમાન કે વહાણનો અત્તોપત્તો પણ નથી મળતો. એક અંદાજ મુજ્બ અહીંથી 2૦૦૦ જેટલાં વહાણ અને 75 થી વધુ પ્લેન ‘અલોપ’થઈ ગયાં છે. જો કે આવી ઘટના માટે હવામાનશાસ્ત્રીઓ ત્યાંના અતિશય ખરાબ હવામાનને દોષિત ગણાવે છે. આમ છતાં,આજે પણ બર્મૂડા બડું બદનામ છે.… જો કે, આ બધી ન સમજાતી કે હજુ સુધી જેના સુરાગ-પગેરું પણ નથી મળ્યા એવી ઘટનાઓ વચ્ચે એક બનાવ તો એવો છે, જે બધા જ પ્રકારની રહસ્યકથાઓને ફિક્કો પાડી દે.

આમ તો આ ઘટના લગભગ 50-51 વર્ષ અગાઉની છે પરંતુ એ એવી અનન્ય છે કે આજે પણ વિશ્વની અનેક ન ઉકેલાયેલી મિસ્ટરી -રહસ્યકથાઓમાં એ શિરમોર સમાન છે અને આજે પણ પોલીસ અને ડિટેકટ્વ્સિ સર્કલોમાં એની ચર્ચા થતી રહે છે… ઘટના પહેલી નજરે બહુ જ સરળ કે ચીલાચાલુ લાગે એવી હાઈજેકિંગ અને ખંડણીની છે. વાત કંઈક આમ છે…. અમેરિકાના પોર્ટલેન્ડથી સિએટલ સિટી માટેની ‘નોર્થવેસ્ટ એરલાઈન્સ ફ્લાઈટ-305 ’ ટેકઑફ થવાની તૈયારીમાં હતી. ફ્લાઈટ માત્ર 30 મિનિટની જ હતી…. એ જ વખતે ડાર્ક સ્યુટ-વ્હાઈટ શર્ટ-બ્લેક ટાઈમાં 40 વર્ષીય એક વ્યક્તિ વિમાનમાં દાખલ થઈ.

એના હાથમાં એક બ્રિફકેસ હતી.એણે પોતાની બેઠક લીધી. લાઈટરથી સિગારેટ સળગાવી (એ જ્માનામાં પ્લેનમાં સ્મોકિંગ કરી શકાતું). પેલી વ્યક્તિએ ચોતરફ નજર દોડાવી. ફ્લાઈટ ફૂલ હતી. એણે એર હૉસ્ટેસને વ્હીસ્કી-સોડાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર સર્વ થયો. એણે ધીર ધીર વ્હીસ્કીનો ઘૂંટ લેવા માંડયો. થોડી મિનિટ પછી એણે એર હોસ્ટેસને બોલાવી. એણે પોતાના ડ્રિન્કનું પેમેન્ટ ડોલરમાં રોકડું ચૂકવી દીધું. એની સાથે એણે એક નાનો એવો કાગળ આપીને કહ્યું : ‘વાંચી લો’ પેલીએ એની પર ખાસ ધ્યાન ન આપ્યું એટલે પેલા શખ્સે નમ્ર સ્વરે કહ્યું : ‘મારું નામ ડી.બી.કોપર છે… અને મારી પાસે બોમ્બ છે !’ એમ કહીને પેલાએ પોતાની બ્રિફકેસ ખોલી, એમાં ખરેખર ટાઈમ બોમ્બ હતો. એ ધ્રૂજી ગઈ.

પેલાએ કહ્યું : ‘ડરો નહીં.. મારી આ નોટ તમારા ફલાઈટ કેપ્ટનને આપો-વંચાવો અને તાબોડતોબ એનો અમલ કરો!’ ભયભીત એર હોસ્ટેસે પાઈલટની કેબિનમાં જઈને પેલી નોટ વંચાવીને વિગતવાર વાત કરી. ફ્લાઈટ કેપ્ટને કન્ટ્રોલ ટાવરને જાણ કરી. પેલા ડી.બી.કોપરે એના કાગળમાં ત્રણ માગણી કરેલી : (1 ) એને 2 લાખ ડોલરની રોકડ કરન્સી આપવામાં આવે.(2) 4 પેરાશૂટ આપવામાં આવે.(3) આ ફ્લાઈટ સિએટલ લેન્ડ થાય ત્યારે એર ફયુલનું ટેન્કર હાજર હોવું જોઈએ….

એરલાઈન્સ અને એરપોર્ટ સિક્યુરિટી સ્ટાફે ફ્લાઈટના 90 જેટલા પેસેન્જરની સુરક્ષા માટે હાઈજેકરની બધી માંગણી સ્વીકારી લીધી. ‘ટેકનિકલ’કારણસર ફ્લાઈટને મોડી કરવામાં આવી ત્યારે ડી.બી. કોપરે ખંડણીરૂપે માંગેલા 2 લાખ ડોલર ( જેની કિંમત આજે 10 લાખ ડોલર થાય !) રોકડા ઉપરાંત 4 પેરાશૂટ એને સોંપી દેવામાં આવ્યા ત્યારે એ ફ્લાઈટના પેસેન્જરોને ખ્યાલ પણ ન હતો કે એમને હાઈજેક કરવામાં આવી રહ્યા છે! આખરે ફ્લાઈટ સાંજે સિએટલ લેન્ડ થઈ પછી વિમાનની ફ્યૂલ ટાંકી ભરવામાં આવી. અપહરણકર્તા ડી.બી.કોપરે પાઈલટ અને ફલાઈટ સ્ટાફની બે વ્યક્તિને રોકી રાખી બધા પેસેન્જરોને જવા દીધા પછી પાઈલટને વિમાન નેવાડા થઈને મેક્સિકો તરફ લઈ જવા કહ્યું….

લાંબી ફ્લાઈટ પછી મોડી રાતના અંધારામાં નેવાડાના રેનો એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે એમાં પેલો અપહરણકર્તા ડી. બી. કોપર જ હાજર નહોતો! બે લાખ ડોલરની બેગ તથા એની 4 પેરાશૂટ પણ ગાયબ હતી!રાતના અંધારામાં ઊડતા વિમાનમાંથી એ બહાર કૂદી પડ્યો કે એનું શું થયું એ રહસ્ય આજે પણ ઉકેલાયું નથી…! એકધારી શોધ-તપાસ પછી આ ઘટનાના 10 વર્ષ બાદ ઓરેગોન સિટીના એક અવાવરુ સ્થળેથી બે વપરાયેલા પેરાશૂટ તથા ત્યાંની એક નાની મોટેલની રૂમમાંથી પેલા ડી.બી.કોપરને અપાયેલી ખંડણીની અમુક રોકડ રકમવાળી બેગ પણ પોલીસને મળી ખરી પણ સિએટલ ફલાઈટના હાઈજેકર ડી.બી.કોપર આજની તારીખે પણ અલોપ જ છે…!  ડી.બી.કોપર જેવી તો અનેક વણઉકેલાયેલી ઘટના-કથાઓ છે, જેના પરથી અફ્લાતૂન રોમાંચક મર્ડર–મિસ્ટરી-સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કે વેબ-શો સરજી શકાય…! ખરેખર, કુદરતના આવા અનેક ખેલ છે જે વર્ષો સુધી અકળ છે અને રહે છે….

Most Popular

To Top