Comments

આપણી આસપાસના માણસને નખશીખ ઓળખીએ છીએ ખરા?

માણસ વચ્ચે રહીને શોધું…!
ક્યાંયે ન મને મળતો માણસ…!!
આજે વાત કરવી છે માણસની, માણસની વ્યથાની, માણસના અમાનવીય ક્રુર કૃત્યો અને પ્રાયશ્ચિતની. શું આપણે આપણી આસપાસના માણસને નખશીખ ઓળખીએ છીએ ખરા? જેને ઓળખીએ છીએ તે શું ‘અસલી માણસ’છે? આવા પ્રશ્નો આધુનિક-ઝડપી યુગમાં ઉદભવવા લાગ્યા છે. અને મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સકો અને સમાજ સેવકો આનો જવાબ મેળવવા મથામણ કરી રહ્યા છે. અને તેની ફલશ્રુતિ રૂપે પોતાના મંતવ્યો આપે છે. આ લેખ લખવાનું નિમિત્ત તાજેતરમાં બનેલી બે ઘટનાઓ છે: પહેલી ઘટના: મુંબઈના થાણામાં એક 75-76 વર્ષના સિનિયર સિટીઝને, એની પુત્રવધુની ગોળી મારી હત્યા કરી! કારણ… પુત્રવધુએ આ સસરાને જમવાનું આપવામાં વિલંબ કર્યો હતો. પોલીસ સામે શરણાગતી સ્વીકારતાં તેણે જણાવ્યું કે તેની સતત અવગણના થતી હતી તેના ત્રાસથી છૂટવા આ અંતિમ પગલું ભર્યું હતું.

બીજી ઘટના: થાણા જિલ્લાના ભાયંદરમાં એક પતિએ (પતિનું નામ છુપાવ્યું છે) નાના પુત્રની હાજરીમાં પત્નીને ઢોરમાર માર્યો અને અંતે ગળે દોરી વીંટાળી મારી નાંખી! પુત્ર કરગરતો રહ્યો, લાચાર હતો!! કારણ… પતિનો ઉપવાસ હતો અને પત્નીએ સાબુદાણાની ખીચડીમાં મીઠું વધારે નાંખી દીધં હતું. ભૂખ્યા પતિનો પિત્તો ગયો. કેટલી નાની-નાની, ક્ષણ ભંગુર બાબતોમાં માણસ પિત્તો ગુમાવે છે અને તેનું પરિણામ કેટલું ભયંકર અને દુ:ખદ આવે છે તેની આ તાજી ઘટનાઓ છે.

આ બંને ઘટનાઓ હૃદયદ્રાવક, રૂંવાડા ખડા કરી દે તેવી છે અને કોઈપણ સંવેદનશીલ માણસને હચમચાવી મૂકે તેવી છે. હાલ મહારાષ્ટ્રનું રાજરાણ, શ્રીલંકાની કટોકટી, નૂપુર શર્મા સામેનો વિરોધ, અમરનાથ દુર્ઘટના, પૂરની પરિસ્થિતિ, વસ્તી નિયંત્રણ જેવી ઘટનાઓમાં આ બે સંવેદનશીલ ઘટનાો પડદા પાછળ ધકેલાઈ ગઈ છે. આજકાલ માણસના મનની અસ્થિરતા, તેની મનોસ્થિતિ, મનોદશાનો કોઈ ભરોસો જ નથી!’જે સ્ત્રી સસરામાં પોતાના પિતાના દર્શન કરતી હોય, તે ક્યારે રાક્ષક બની જાય તે કહેવાય નહીં. એક પત્ની, પતિની બધી જ જરૂરિયાતો પૂરી પાડતી હોય, પરંતુ સંજોવસાત કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ પૂરી ન કરે તો પરિણામ આટલું ઘાતક આવે એવી કલ્પના એ પત્નીને પણ નહીં હોય.

કેટલાક કિસ્સામાં આવા અધમ, અમાનુષી કૃત્યો કરી માણસ પોતે પણ આપઘાત કરી જીવનનો અંત આણે છે. કેટલાક કિસ્સામાં સામે ચાલી શરણાગતી સ્વીકારી, આજીવન કારાવાસમાં પ્રાયશ્ચિતની આગમાં જલતા રહે છે. માણસના મનના તાર, તરંગો, મથો વ્યથા તેની ગતિ-વિધિ. ક્યારે બદલાય અને કેવું સ્વરૂપ ધારણ કરે તે કહેવું મુશ્કેલ છે! મનોવૈજ્ઞાનિકો આ ઘટનાને જુદા-જુદા આયામોમાં મૂલવે છે. તેમના મતાનુસાર માણસ કોઈ હતાશા, નિરાશા, તાણની સ્થિતિમાં, ક્ષણિક આવેગમાં આવી જાય છે ત્યારે તેના મગજમાં કોઈ ચોક્કસ પ્રકારના રસાયણનો સ્રાવ થાય છે તેની અસર હેઠળ તે નહીં કરવાનું કરી બેસે છે. શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્ય વધુ મહત્ત્વનું છે તેવુ મનોવિજ્ઞાન અને આધુનિક તબિબિ વિજ્ઞાન કહે છે. તો શું આવી અમાનુષીય ઘટનાઓ પાછળ માણસ પોતે નહીં પણ તેની મનોસ્થિતિ, મનોદશા જવાબદાર છે એમ કહેવું જોઈએ?

એ વાત ચોક્કસ છે કે આધુનિક માણસ ઘણા બધા કારણોસર, ધીમે ધીમે સંવેદનહિન, ક્રુર અને આક્રમક બનતો જાય છે. અને પછી કોઈ નાજૂક ક્ષણમાં નહીં કરવાનું કરી બેસે છે, પછી પસ્તાય છે! આ સમયે જો કોઈ વ્યક્તિની હૂંફ તેને મળી જાય તો આ પ્રકારની ઘટના બનવાની સંભાવના ઘણી ઘટી જાય છે. ક્યારેક કોઈ નિરાશ, હતાશ મિત્રના ખભા પર હાથ મૂકીને કહેવામાં આવે કે… દોસ્ત! ચિંતા નહીં કરતો હું બેઠો છું!! ત્યારે તેનું અડધું દુ:ખ ઓછું થઈ જાય છે!

ઘણીવાર વિચાર આવે છે કે કોણે, કોનું, શું બગાડ્યું છે કે આજે માણસ તનથી અને મનથી એકમેકથી દૂર અને દૂર જવા માંડ્યો છે? પાણીમાં મીઠું ઓગળે તો મીઠાંનું સમાંગ દ્રાવણ બને એવું રસાયણશાસ્ત્ર કહે છે. તો એક માણસ બીજા માણસમાં ઓગળી સમાંગસમાજ ન બનાવી શકે? સામાજિક વિજ્ઞાન આવું ન શીખવી શકે? આખરે વાત આવીને અટકે છે, સંબંધોની સુવાસ અને તેની નિસ્બત ઉપર. પારિવારિક ભાવના અને સમજીવનની સુગંધ ઉપર. જે શાળા કે કોલેજ કક્ષાએ શીખવવામાં આવતું નથી. માણસ એકલો, અટૂલો, એકાકી અને નિ:સહાય બનતો જાય છે! આજે સમાજમાં ઘણાં માણસો પરસ્પર પ્રેમ અને હૂંફ ઝંખે છે. પછી એ પરસ્પર પ્રેમ અને હૂંફ ઝંખે છે. પછી એ હતિ હોય, પત્નિ હોય, બાળક હોય કે કોઈ વ્યાવસાયિક હોય.

આધુનિક તબિત શાસ્ત્ર માનવ મગજ પર સંશોધન કરી રહ્યું છે અને આવી ઘટના પાછળ મગજની ગ્રંથિમાંથી ઝરતા સ્રાવ રસાયણને જવાબદાર માનવા લાગ્યું છે. ખેર! એક જ માણસમાં પણ કેટલાં માણસો ?! આપણાં વેદ, પુરાણો કહે છે કે માણસમાં જ રામ અને રાવણ વસે છે. કોણ, ક્યારે બહાર આવી જાય તે કહેવું મુશ્કેલ છે અને તેથી જ માણસને ઓળખવો પણ મુશ્કેલ છે. મ્હોરાં પહેરી ફરતાં માણસ, માણસને ક્યાં ઓળખાયો છે?! અને એટલે જ અસલી, નકલી, કાતિલ એ માણસના વિશેષણો નથી પણ હકીકત છે.
– વિનોદ પટેલ
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top