Gujarat Election - 2022

એક સમયે મોદીનું રાજીનામું માંગી લેનાર સ્મૃતિ ઈરાની કેવી રીતે બન્યા મોદીના ખાસ?

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો હોય અને, સ્મૃતિ ઈરાની હરતાં-ફરતાં દેખાઈ નહીં રહ્યાં હોય-સાંભળવા નહીં મળી રહ્યાં હોય તો તે થોડું ‘અજીબ’ લાગે ! ગુજરાતના મતદાતાઓ (પછી,ભલે તેઓ ભાજપને મત આપવાના હોય કે કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને કે પછી, કોઈ અપક્ષ ઉમેદવારને !) સ્મૃતિ ઈરાનીને ગુજરાતની આ ચૂંટણીની કુંજગલીઓમાં વિહરી રહેલાં જોવા માટે તલપાપડ છે…સ્મૃતિજી ક્યાં છુપાઈ ગયાં છે, આજકાલ?!

હું રૂબરૂમાં એમને સી.આર.પાટીલના સૂરતને ઘેરે મળેલો તે વાતને પણ ખાસ્સા દિવસો વીતી ગયા છે. આટલી ઉંમરે પણ એમનું શરમાવાનું-સંકોચ અનુભવવાનું તમને કોઈ સોળ વર્ષની કન્યા જેવું જ લાગે ! મેં છેલ્લાં એમને ૨૦૨૦માં કોઈ સભામાં સાંભળેલાં…ગુજરાતની ચૂંટણી વિષયક જ કોઈ સભા હતી, એ…થોડું હિન્દીમાં બોલે,હિન્દીમાં બોલતાં થાકી જાય એટલે પાછું ગુજરાતીમાં ચાલુ કરે…પછી, ગુજરાતીમાં બોલતાં થાકી જાય એટલે હિન્દીમાં ચાલુ કરે….પણ, બોલતાં એ બિલકુલ થાકે નહીં ! જો, આપણા દેશના નાગરિકોની સ્મરણશક્તિ બહુ જ નબળી નહીં હોય તો તેઓ આ વાત ભૂલ્યા નહીં જ હોઈ શકે કે…ભાજપમાં એક માત્ર હિંમતવાન, નીડર, તટસ્થ, શક્તિશાળી મહિલા નેતા છે જેમણે ભાજપમાં રહીને ભાજપના જ એક મહારથી નેતા નરેન્દ્ર મોદીનું રાજીનામું માંગેલું !

ભલે, તે સમયે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી નહોતા (અને, ગુજરાતના સી.એમ. જ હતા) પરંતુ સ્મૃતિ ઈરાનીનું એ કદમ આજે પણ સ્મૃતિમાં લાઉ છું ત્યારે મસ્તક ઝુક્યા વગર રહેતું નથી. લાગે છે કે, નરેન્દ્ર મોદીનું રાજીનામું માંગનાર સ્મૃતિ ઈરાની પહેલાં અને છેલ્લાં વ્યક્તિ, બસ ! નરેન્દ્ર મોદી રાજીનામું નહીં આપે તો, પોતે પોતાનાં પ્રાણ આપી દેશે એવી જાહેરાત આ સ્મૃતિ ઈરાનીએ કરેલી પણ એ વાત જુદી છે કે, નરેન્દ્ર મોદીએ કંઈ રાજીનામું આપેલું નહીં તેમ…સ્મૃતિએ કંઇ પોતાનાં પ્રાણ આપી નહીં દીધેલાં ! સ્મૃતિ ઈરાની ૨૦૦૩ની સાલમાં ભાજપમાં મેમ્બર બનેલાં અને, તે પછી વરસદિવસમાં તો આવું મોટું પગલું તેમણે ભરી દીધેલું ! પણ, પછી તો સમયનાં વહેણ બદલાયાં અને, મોદીજી-સ્મૃતિજીને ભાઈ-બહેનનો રિશ્તો કેળવી લેતાં સારી રીતે આવડ્યું-આવડતું ગયું…અને, તેઓ મોદીજીની “છોટી બહેન” બની રહ્યાં. મોદીજીની મોટી બહેન પાછાં, ઉત્તર પ્રદેશનાં માયાવતી એ પણ આપણે ક્યાં ભૂલી જઈએ તેમ છીએ ?!

વ્યક્તિમાં થોડો યે દમ હોવો જોઈએ, તો જ મોદીનું રાજીનામું માંગે અને તે માટે મરવા સુધીની તૈયારી પણ બતાવે. આજે કોઈ સ્મૃતિજીને પૂછે કે તમારો આદર્શ નેતા કોણ તો તેઓ એક જ નામ આપે અને તે તમને ખબર જ છે…નરેન્દ્ર મોદી ! આમાં, વ્યક્તિઓ બદલાયાં ?…તેઓનાં કામ બદલાયાં ?…તેઓનાં ધ્યેય બદલાયાં ?… તેઓનાં ગ્રહમાન બદલાયાં ?… શું બદલાઈ ગયું હશે, પ્રજા એટલી હોશિયાર નથી કે બધું પોતાની મેળે સમજી લઈ શકે.  સ્મૃતિજી, ઇરાની તો ઝૂબિનને પરણ્યાં એટલે બન્યાં ! બાકી, તેઓ હતાં સ્મૃતિ મલ્હોત્રા ! પંજાબી પિતા (અજયકુમાર મલ્હોત્રા) અને બંગાળી માતા (શિવાની બાગચી)ની ત્રણ પુત્રીઓમાંની એક તે આ સ્મૃતિજી.

મુંબઇમાં બાંદ્રા ખાતે આવેલા મેકડોનાલ્ડમાં નિયમિત ખાવા-પીવા જતા હજુ ઘણા લોકોની નજર સામે છે, સાફ-સફાઈ કરી રહેલ એ સાવ કાચી ઉંમરની કન્યા નામે સ્મૃતિ મલ્હોત્રા ! હા, શરૂઆતમાં તેઓ મેકડોનાલ્ડમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતાં હતાં અને, ત્યાં આવતા વી.આઈ.પી. ગ્રાહકોને કંઇક ખાવાની વસ્તુઓ ધરવાનું કામ મળે તેવું એમનું તે કાળે સ્વપ્ન પણ હતું. પરંતુ, વિધિની યોજના જુદી જ હતી. સ્મૃતિને અભિનય ક્ષેત્રે ખુલ્લું આકાશ મળી ગયું. (ક્યું કિ સાસ ભી કભી બહૂ થી) એમની ટી.વી. શ્રેણી એવી તે લોકપ્રિય થઈ કે …મિસ ઈન્ડિયાની ફાઇનલમાં તેઓ પાસ નહીં થઈ શક્યાં તેનો અફસોસ ધુમ્મસની જેમ વિલાઈ ગયો ! સૌથી વધુ ટી.વી. શ્રેણિના એવોર્ડ્સ મેળવનાર તેઓ એક માત્ર અભિનેત્રી છે.

આ સ્મૃતિજીને એક ખાસ બહેનપણી હતી, જેનું નામ મોના. આ મોનાને એક ધણી હતો જેનું નામ ઝૂબિન અને તે ધણી-ધણિયાણીને એક સુંદર દીકરી હતી જેનું નામ શેનિયલ. એ કામ મોનાના પતિ ઝૂબિનનું હતું કે પછી, મોનાની ખાસ સહેલી (આ સ્મૃતિજી)નું હતું તે હજુ સુધી કોઈને ખબર નથી પણ…ઝૂબિન અને સ્મૃતિજીનાં લગ્ન થઈ ગયાં ! ઝૂબિન-મોનાના છૂટાછેડા થઈ ગયા. અને, સ્મૃતિજી પતિ ઝૂબિન સાથેના સુદીર્ઘ લગ્ન જીવન બાદ જૌહર(પુત્ર) અને જોઈશ(પુત્રી)ની સગી મા બન્યાં તેમજ શેનિયલની સાવકી મા બન્યાં ! ચા-કોફીનાં તેમજ ગુજરાતી વાનગીઓનાં ભારે શોખીન છે, સ્મૃતિજી ! તેઓ મોદી સરકારમાં સૌથી યુવાન વયના મંત્રી ખરાં પરંતુ ચૂંટણીઓ હારવા માટે બહુ જ જાણીતાં છે.

કપિલ સિબ્બલ અને રાહુલ ગાંધી આ બે તો, જીવતા-જાગતા દાખલા છે જેઓ સામે સ્મૃતિજી પોતે નથી હાર્યા તેમ કહી જ નહીં શકે ! સ્મૃતિજીના દાદાજી આર.એસ.એસ.માં હતા તે વાત ઘણા ભાજપીયાઓને ખબર પણ નહીં હોય, કદાચ ! સ્મૃતિજીનાં માતુશ્રી જનસંઘમાં હતાં એમ આજે કોઈને કહીએ તો તે ન્યુઝ બની જાય ! સ્મૃતિજી પોતે બાલ્યાવસ્થા દરમિયાન આર.એસ.એસ.માં હતાં !  સ્મૃતિજી વગર અહિ કોઈને ગમતું નથી સભાઓમાં-રેલીઓમાં-ચર્ચાઓમાં કે ટીવી-સતેજ-મંચ ઉપર ! નાની-નાની કે એકલદોકલ ચૂંટણીમાં ગુજરાત આવતાં રહેતાં સ્મૃતિજીની કાગડોળે રાહ જોવાઈ રહી છે…સ્મૃતિજીના જોમ-જુસ્સા આગળ બીજેપીના કોઈ પણ ઉમેદવારનો જોમ-જુસ્સો ફિક્કો જ લાગે!

Most Popular

To Top