Charchapatra

અગલો ડગલો થાય છે

શિયાળાની ઋતુ ડોકિયાં કરી રહી છે. કેટલાંકને તો ઉંધિયું ઉબાડિયુ અને વિવિધ મીઠાઇ રસોની ઉતાવળ સુધ્ધાં સતાવે છે. સાથે જ દક્ષિણ ગુજરાતની ધરતી પર જન્મ્યા હોવાનું ગૌરવ અનુભવાય છે. 50 વર્ષો પહેલાં હરિપરાની ધોબીશેરીમાં ત્રીજે માળે મોસાળમાં રહેતો ત્યારે મળસ્કે નિશ્ચિત સમયે શબ્દો સંભળાય ‘આગલો ડગલો થાય છે. શિયાળો વહી જાય છે, ડગલની તો રાતીકોર તે પહેરે શ્રી રણછોડ અને હાથમાં રાખેલ મોગરીનો ટંકાર ઘંટ પર સંભળાય. એક પ્રકારનું શિયાળુ એલારામ! હવે પ્રથા લુપ્ત થઇ ગઇ, ભાગ્યે જ જોવા મળે. આવા પાઘડીઘર ફેરીવાળા સાથે સમગ્ર સુરત શહેર પરિવર્તન પામ્યું. લોકમાતાઓને સુકતાન લાગ્યું. જવાબદાર આપણે જ. પરિસ્થિતિ ઘંટ પર પડી ચૂકેલ એક ટંકાર જ છે.સ્વાદો, મેળવણી, અન્ય બનાવટથી ફિક્કા પડી ગયા. શિયાળા સાથે સમય પણ કાચળી ઉભારી રિવાજો, વ્યવહારો લુપ્ત થઇ રહ્યા છે. કમસેકમ મૂળ ઓળખ જાળવવી રહી. ચાલુ વર્ષે ઘણાં વર્ષો બાદ ઘીસ હોળી પર જોવા મળી. કેટલીક જૂની લોકસંસ્કૃતિને ટકાવી રાખવી જરૂરી.
સુરત     – કુમુદભાઇ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અંગ્રેજીમાં કંકોત્રીની ગુજરાતીઓની ઘેલછા કેમ?
હાલમાં લગ્નોની મોસમ પૂર બહાર ચાલી રહી છે. ગુજરાતી પરિવારોમાં મહદઅંશે જે કંકોત્રીઓ આવે છે તે અંગ્રેજીમાં છાપેલી આવે છે જયારે તેમનો બહોળો સમાજ ગુજરાતી જાણે જ છે. કદાચ જેને ત્યાંથી કંકોત્રી આવે છે તેમના કુટુંબમાં અંગ્રેજી જાણનારા સભ્યો ભાગ્યે જ હશે? આવી ઘેલછા અંગ્રેજી ભાષા માટે કેમ? કંકોત્રીમાં 90 ટકા લોકો જમવાનું આમંત્રણ કોને કોને છે, સ્થળ કયું છે અને સવાર સાંજનું છે કે કેમ તે જ જોતા હોય છે. તમારી આમંત્રણ પત્રિકા કદાચ મોંઘી હશે તો એકાદ મહિનો સચવાશે પછી પસ્તીમાં જ જવાની છે. તો આવી દયનીય માનસિકતા અંગ્રેજી ભાષામાં આમંત્રણ પત્રિકાની શા માટે ખાસ કરીને ગુજરાતી લોકો રાખતા હશે?
સુરત               – પ્રફુલ કંસારા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top