Gujarat

હિન્દુ વિસ્તારમાં બિલ્ડરે મુસ્લિમોને ફ્લેટ વેચતા સ્થાનિક રહીશોએ ઢોલનગારા વગાડી વિરોધ કર્યો: વડોદરાની ઘટના

વડોદરા : આજવા રોડને અકબર રોડ બનાવવાનો કારસો રચતા કટ્ટરવાદી બિલ્ડરોએ (Builder) હિંદુ (Hindu) વિસ્તારની મિલકત (Property) ખરીદીને બનાવેલા એપાર્ટમેન્ટ (Apartment) લઘુમતિ કોમના લોકોને વેચાણ કરતા સ્થાનિક હિંદુઓએ આક્રોશ ઠાલવીને તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. શહેરના હિન્દુ વિસ્તારોમાં એક દાયકાથી પગપેસારો કરતા લઘુમતિ કોમના કટ્ટરવાદી તત્ત્વોનો ડોળો હવે આજવા રોડ તરફ ફર્યો છે. આજવા રોડ સ્થિત અમી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા મહેન્દ્ર પ્રજાપતિએ 2015માં મિલકત અલીહુસેન વોરાને વેચાણ કરી હતી. મિલકત ખરીદનારે રાજુ પંચાલ સાથે ડેવલોપમેન્ટ કરાર કરીને સ્થાનિક હિન્દુઓને ખાત્રી આપી હતી કે, એપાર્ટમેન્ટ બંધાશે તે હિન્દુઓને જ વેચાણ થશે.

બિલ્ડરને વધુ નાણાં મળતાં જ લઘુમતિ કોમના લોકોને વેચાણ કરતા સ્થાનિક હિંદુઓમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા સ્થાનિકોએ આજે હોબાળો મચાવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ભાજપના રાજમાં હિન્દુઓની મિલકતો સસ્તા ભાવે હડપ કરવા એક જ કોમના ચોક્કસ તત્ત્વો બે-ચાર મિલકત ઊંચા ભાવે ખરીદીને ત્યાં બંધાતા એપાર્ટમેન્ટમાં મુસ્લિમોને વસવાટ માટે વેચાણ આપે છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું અને ડેવલોપર્સ રાજુ પંચાલને ઘેરો ધાલીને હાયરે બિલ્ડર હાય.. હાય..ના નારા લગાવી તંત્રના આંખ આડા કાનની વૃત્તિને ઉધાડી પાડી દીધી હતી.

એક રહીશે એવું પણ જણાવેલ કે, આજવા રોડને અકબર રોડ બનાવવા હિલચાલ આદરાઈ છે. આ અંગે છેક ગાંધીનગર સુધી ત્રણ વર્ષ લડત ચલાવી છતાં મુસ્લિમોને જ મિલકત વેચાણ આપવાની વૃત્તિ વધતી જાય છે. ગૌચરની જમીન પર અલ-હયાત એપાર્ટમેન્ટ બની ગયું છે. નજીકમાં જ ગેલેક્સી અને બદરીનું બાંધકામ ચાલું છે.અશાંત ધારાનો કાયદો અમલમાં હોવા છતાં તંત્ર આટલા વિરોધ પછી પરવાનગી કઈ રીતે આપે છે. ભ્રષ્ટાચારના કારણે જ હિન્દુઓને ઘેરવાના ષડયંત્રમાં સરકારી તંત્ર પણ આંશિક સામેલ હોવાની તિખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

Most Popular

To Top