Charchapatra

માતૃભાષા એટલે જનેતાનું ધાવણ

ધાવણ છૂટયા પછી અન્ય દૂધ અને આહાર દ્વારા દેહ પોષાય છે, તે જ રીતે માનવબાળની ભાષા પણ ઘડાય છે. રાષ્ટ્રપિતા ગાંધી બાપુએ કહેલું કે બાળકના દેહના વિકાસ માટે જેમ માતાનું દૂધ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સહજ છે. આવો જ મત ટાગોરનો છે કે કેળવણી આહારના કોળિયાનો સ્વાદ માતૃભાષા જ છે. ખુદ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક અબ્દુલકલામે એક યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં જણાવેલું કે મારી સિદ્ધિઓ મારી માતૃભાષામાં મેળવેલું શિક્ષણ જ છે. અરણ્ય સંસ્કૃતિમાં વિવિધ સંકેતો ભાષા તરીકે કામ કરતા હતા. બાળક અને માતા એવા સંકેતોથી જીવન વ્યવહાર ચલાવતા જે ત્યારની માતૃભાષા ગણાય.

વિવિધ સંજ્ઞાઓથી ભાષાઓ જન્મી, જે વિશ્વમાં આજે સાડા છ હજારથી વધુ બોલીઓ સાથે પ્રયોજાય છે. પ્રજા પર કાળક્રમે શાસન બદલાતાં ભાષાઓ તેનાથી પ્રભાવિત થઈ, જેમકે મોગલ કાળમાં ફારસી-ઉર્દૂ, અંગ્રેજી રાજમાં ઈંગ્લિશની અસર થઈ. મેકોલેની શિક્ષણવ્યવસ્થાથી અંગ્રેજોએ માનેલું કે ભારતની પ્રાચીન શિક્ષણવ્યવસ્થા અને સંસ્કૃતિ બદલાશે અને લોકો પોતાનું આત્મસન્માન અને સાંસ્કૃતિક આધાર ગુમાવતા જશે. અંગ્રેજીનું મહત્ત્વ વધી જશે. આજે પણ ભારતીય પરિવારો અંગ્રેજી માધ્યમની શાળાઓનો આગ્રહ વધુ રાખે છે. માતાના ધાવણનું ઋણ વિસરી જઈ અન્ય પ્રકારના દૂધને અપનાવી જાણે માતૃભાષાની અવગણના કરે છે.

માનવશરીરના ઉપરના ભાગે રહેલ સ્વરપેટીના આરોહ અવરોહ કાન દ્વારા મગજને કંપન રૂપે ભાષા મળે છે. ગર્ભસ્થ શિશુએ અનુભવેલ કંપન તેની માતૃભાષા બને છે. આવાં સ્પંદનોના અર્થઘટનથી બાળકનું ઘડતર થાય છે, જે સંપંદનો એક રીતે ધાવણનું કામ કરે છે. મૌન પછીની શ્રેષ્ઠ અભિવ્યકિત માતૃભાષા બને છે.  તેને અન્ય ભાષામાં અભિવ્યકિત કરવા બેવડો શ્રમ કરવો પડે છે. માતૃભાષામાં અભિવ્યકિત કુદરતી લાગે જ્યારે અન્ય ભાષાપ્રયોગમાં કૃત્રિમતા વરતાય છે. શિક્ષણવિદ્ રવીન્દ્ર દવેના મતે માતૃભાષાથી જ બાળકમાં ભાવસૃષ્ટિનું નિર્માણ શક્ય છે.

માતૃભાષા રૂપી જનેતાનું ધાવણ માનવમગજ એટલી હદે વિકસાવી શકે છે કે બ્રહ્માંડની પેલે પાર મેગ્નેટિક સિગ્નલ્સ પહોંચાડવાની અભૂતપૂર્વ ક્ષમતા મનુષ્યના મસ્તિષ્ક દ્વારા વિકસી છે. આમ માનવવિકાસના મૂળમાં માતૃભાષા રૂપી જનેતાનું ધાવણ જ ભાગ ભજવે છે તેમ કહી શકાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પોસ્ટકાર્ડ લેખન શરૂ થવું જોઈએ
આજકાલ મોબાઈલ દ્વારા વાતચીત વધુ થાય છે. પોસ્ટકાર્ડ દ્વારા સગાસંબંધી અને મિત્રોને લાગણીભર્યા શબ્દો દ્વારા હિંમત અને આશ્વાસન આપી શકાય. કાર્ય કરવા માટે પ્રેરણા આપી શકાય. એક પોસ્ટકાર્ડ પરના લખાણ દ્વારા માણસનું જીવન બદલી શકાય છે. એમાં પ્રેમભાવ ભીનાશ લાગણીનો ઉમળકો, સહાનુભુતિ, આનંદ બધું જ ભરેલું હોય છે. પોસ્ટકાર્ડ દ્વારા આપણા પ્રતિનિધિ વિધાનસભ્યોને પ્રશ્નોની રજૂઆત કરી શકાય. પત્ર દ્વારા ઝુંબેશ ઉપાડી શકાય. મેં ‘ગુજરાતમિત્ર’ વિષે જ એક પોષ્ટકાર્ડમાં લખ્યું હતું. ત્યારે શ્રીચંદ્રકાંત પુરોહિત સાહેબ ચર્ચાપત્રની કોલમ સંભાળતા હતા. થોડા દિવસ પછી ‘ગુજરાતમિત્ર લોકમિત્ર’ શીર્ષક હેઠળ મારું ચર્ચાપત્ર પ્રગટ થયું. 1984નું એ વર્ષ હતું. ત્યારથી હું નિયમિત મારા વિચારો ચર્ચાપત્ર દ્વારા પ્રગટ કરું છું. મારામાં લેખન કરવાની પ્રેરણા ‘ગુજરાતમિત્રે’ આપી અને એ માટે તેનો હાર્દિક આભાર.
નવસારી  – મહેશ નાયક આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top