Editorial

NRIઓ સાથે ભારતીયોનાં લગ્ન સંદર્ભે ખાસ કાયદો ઘડવાની કાયદા પંચની ભલામણ બિલકુલ યોગ્ય છે

કાયદા પંચે ભારતીયો સાથે NRI વ્યક્તિઓના લગ્ન માટે કાયદાની ભલામણ કરી છે. આવા કાયદાની ખૂબ જરૂર છે જ અને કાયદા પંચની ભલામણ બિલકુલ યથાયોગ્ય છે. કાયદા પંચે ભલામણ કરી છે કે કાયદો માત્ર NRIને જ નહીં પરંતુ OCI કાર્ડ ધારકોને પણ લાગુ થવો જોઈએ. વિદેશ જવાના ભારતીયોનાં મોહને કારણે બિનરહીશ ભારતીયો કે વિદેશવાસી ભારતીયોએ લગ્નના નામે ભારતીય વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હોય તેવી અનેક ઘટનાઓ બનતી રહે છે. દેશના જે રાજ્યોનાં લોકો સાથે આવા લગ્નના નામે છેતરપિંડીના બનાવ વધુ બનતા હોય તેવા રાજ્યોમાં ગુજરાતનું નામ પણ મોખરે બોલાય છે.

નોન રેસીડેન્ટ ઇન્ડિયન અને ઓવરસીઝ ઇન્ડિયન એટલે કે બિનરહીશ ભારતીયો અને વિદેશવાસી ભારતીયો સાથે ભારતીય વ્યક્તિનાં લગ્ન બાબતે કાયદો લાવવા સંદર્ભે કાયદા પંચે અનેક સૂચનો કર્યા છે. આ પેનલે ભારતમાં NRI/OCI લગ્નોની ફરજિયાત નોંધણી કરવાનું સૂચન કર્યું છે. કાયદા પંચે ભલામણ કરી છે કે ખોટા આશ્વાસન, ખોટી રજૂઆત અને લગ્ન બાદ તરછોડી દેવા જેવી ઘટનાઓ રોકવા માટે NRI અને ભારતીય નાગરિકો વચ્ચેના તમામ લગ્ન ભારતમાં ફરજિયાત રીતે નોંધાયેલા હોવા જોઈએ.

કાયદા અને ન્યાય મંત્રાલયને સુપરત કરાયેલા અહેવાલમાં, જસ્ટિસ રિતુ રાજ અવસ્થીના નેતૃત્વ હેઠળના કાયદા પંચે જણાવ્યું હતું કે, ભારતીય ભાગીદારો સાથે લગ્ન કરનારા NRIs સાથે સંકળાયેલા કપટપૂર્ણ લગ્નોની વધતી ઘટનાઓ ચિંતાજનક વલણ છે. જ્યાં આ લગ્નો દુ:સહ બની જાય છે, તે ભારતીય જીવનસાથીઓને, ખાસ કરીને સ્ત્રીઓને અનિશ્ચિત પરિસ્થિતિઓમાં મૂકે છે. અહેવાલમાં જણાવાયું છે કે, “વધુ ભલામણ કરવામાં આવે છે કે NRIs/OCIs અને ભારતીય નાગરિકો વચ્ચેના તમામ લગ્ન ભારતમાં ફરજિયાત રીતે નોંધાયેલા હોવા જોઈએ.” પંચે ભલામણ કરી છે કે નવા કાયદામાં છૂટાછેડા, જીવનસાથીનું ભરણપોષણ, બાળકોની કસ્ટડી અને ભરણપોષણ અને NRIs અને OCIs પર સમન્સ, વોરંટ અથવા ન્યાયિક દસ્તાવેજોની બજવણીની જોગવાઈઓ પણ સામેલ હોવી જોઈએ.

 કાયદાની પેનલે એવી પણ ભલામણ કરી છે કે પાસપોર્ટ એક્ટ, 1967માં એનઆરઆઇ લગ્ન સંદર્ભે સુધારા કરવાની જરૂર છે. ફરજિયાતપણે વૈવાહિક દરજ્જાની ઘોષણા, જીવનસાથીના પાસપોર્ટને બીજા સાથે લિંક કરવા અને બંનેના પાસપોર્ટ પર લગ્ન નોંધણી નંબરનો ઉલ્લેખ ફરજિયાત કરવા માટે જરૂરી સુધારા લાવવાની જરૂર છે એવી પંચની ભલામણ છે. વિદેશી ભારતીય/એનઆરઆઈ લગ્નોને લગતી સામાન્ય સમસ્યાઓમાં ખાસ કરીને આ બાબતોનો સમાવેશ થાય છે – (i) વિવિધ કારણોસર પત્નીનો ત્યાગ (ii) ઘરેલું હિંસા (iii) NRI પતિ પહેલેથી જ પરિણીત છે (iv) દહેજની સતત માંગણી, (v) પોતાના રહીશો તરફ ઢળતા કેટલાક દેશોના કાયદા.

એ પણ ભલામણ કરવામાં આવી છે કે ઘરેલું અદાલતો પાસે આવા પ્રકારનાં લગ્નોમાં સમસ્યાઓને સંબોધવા અને ઉકેલવા માટે અધિકારક્ષેત્ર હોવું જોઈએ. “ઘરેલું અદાલતો પાસે આવા યુનિયનોમાંથી ઉદ્ભવતા મુદ્દાઓને સંબોધવા અને ઉકેલવા માટે અધિકારક્ષેત્ર હશે. આવા લગ્નોમાં ઉદ્ભવતા વિવાદોના ન્યાયી હ નિરાકરણની ખાતરી કરવા માટે સ્થાનિક કાયદાકીય પ્રણાલીના હસ્તક્ષેપની જરૂર પડે છે,” એમ પેનલના અહેવાલમાં જણાવાયું છે.

દેશની સ્થાનિક અદાલતોને આ બાબતમા અધિકારક્ષેત્ર આપવું એ સુનિશ્ચિત કરે છે કે NRI/OCI લગ્નોને લગતી બાબતો લાગુ પડતા કાયદાઓને ધ્યાનમાં રાખીને અને સામેલ પક્ષકારોના અધિકારો અને હિતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશની કાનૂની પ્રક્રિયાઓના માળખામાં અસરકારક રીતે નિર્ણય કરી શકાય. અને આવી સમસ્યાઓ ફક્ત કાયદા વડે ઉકેલી શકાય નહીં આથી સામાજીક સંવાદની ભલામણ પણ કાયદા પંચે કરી છે. પંચે સરકારને ખાસ સંવાદ કાર્યક્રમો યોજાવાનુ અને ભારતીય સમુદાયો અને સંગઠનો સાથે નિયમિત વાર્તાલાપ દ્વારા ભારતીય ડાયસ્પોરાને જોડીને જાગૃતિ લાવવાનું પણ સૂચન કર્યું છે.

Most Popular

To Top