Comments

વિદ્યાર્થીઓની આત્મહત્યા એ વડીલોનો પ્રશ્ન છે,સમાજની ગંભીર સમસ્યા છે

રાજસ્થાનના કોટમાં શિક્ષણના નામે કોચિંગ ક્લાસનું બજાર આવેલું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનો ધંધો હવે ગુજરાતમાં પણ ચાલ્યો છે. મેડીકલ, એન્જિનિયરીંગ કે. જી. પી. એસ. સી. યુ. પી. એસ. સી. ની પરીક્ષામાં પાસ થવાની ગેરંટી સાથે શિક્ષણ સંસ્થાઓની સમાંતર કલાસીસો શરૂ થયા છે, જેની લાખો રૂપિયા ફી છે. પહેલાં ફાઈવસ્ટાર સ્કૂલમાં એડમિશનના રૂપિયા પછી સફળતાની ગેરંટીવાળા કલાસીસમાં લાખો રૂપિયા ભરવાના અને પછી સફળતાના ટેન્શન, મા બાપની દયાજનક હાલત અને પરીક્ષાનાં દબાણો, પરિણામ એ કે લાખો રૂપિયા ખર્ચ્યા પછી ધાર્યું પરિણામ નહીં આવે એ બીકે આત્મહત્યા આપણે મંદિરનિર્માણ કે પક્ષપલટુ રાજકારણીઓની જેટલી ચર્ચા કરીએ છીએ એટલી વિદ્યાર્થીઓના આપઘાતની ચર્ચા નથી કરતા.

હવે માર્ચ મહિનો આવશે એટલે ગુજરાતમાં દસમા બારમાની પરીક્ષા અને વિદ્યાર્થીઓને  પ્રવેશ આપવાનું શરૂ થાશે. પણ પરિણામ શૂન્ય.  શિક્ષણ, વિદ્યા, કેળવણી આ બધું જ માનવજીવનઘડતર માટે છે. ઉન્નતિ માટે છે. માણસને જીવનનો માર્ગ બતાવવા માટે છે નહીં કે જીવનનો અંત લાવનારા બોજને સર્જવા માટે! જો આપણી કેળવણી કે શિક્ષણની વ્યવસ્થામાં એક પણ બાળક શિક્ષણના બોજથી આત્મહત્યા કરે છે તો આવા શિક્ષણ અને વ્યવસ્થાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાં જોઈએ અથવા આપના પાલ્યને આ વ્યવસ્થાથી દૂર કરી દેવું જોઈએ અને આપને ત્યાં તો ત્રણ હજારથી વધુ બાળકો યુવાનોએ આત્મહત્યા કરી!

ખરેખર તો તોફાનો ફાટી નીકળવાં જોઈએ. બંધનાં એલાનો અપાવવાં જોઈએ, સરકારો પડી જવી જોઈએ, પણ ના, આપણે તો મસ્ત થઇને ફરીએ છીએ.  વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે આ વાત જ આઘાતજનક છે. લેખકો સમાજશાસ્ત્રીઓ મનોવૈજ્ઞાનિકો આ સૌએ જો સૌથી પહેલી કોઈ ચર્ચા કરવાની હોય તો તે આ છે કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ આટલું ચિંતાજનક કેમ છે? કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે તે કરતાં પણ શાળાના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે તે બાબત વધારે ચિંતાજનક છે. પણ પ્રશ્ન એ છે કે શું ખરેખર બાળકો કે યુવાનો શિક્ષણના કારણે આત્મહત્યા કરે છે? કે કારણ કોઈ બીજાં છે?

આમ પણ દેશમાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. દેખીતાં કારણો અનેક હોય છે, જેમકે આર્થિક કારણો, સામાજિક કારણો, ખોટા માન-સન્માનનાં કારણો, પણ આ બધાં જ કારણના અંતે ઊભી થતી માનસિક એકલતા.મારું હવે કોઈ નથી.આવું જીવીને શું કરવું? જેવો માનસિક નિરાશાવાદી શૂન્યાવકાશ આત્મહત્યાનું મૂળ કારણ છે. જેમને ટેકો આપવાનો છે તેમનામાં જ વ્યક્તિને વિશ્વાસ ના હોય ત્યારે ઊભી થતી એકલતા આત્મહત્યા તરફ લઇ જાય છે ….તો આ ખાલીપો કોણ ભરે?

આપણે ત્યાં હમણાં હમણાં પરીક્ષા પહેલાં મોટીવેશનલ સ્પીકર દ્વારા પાનો ચડાવવાના સેમિનારનો પ્રવાહ શરૂ થયો છે. “આ પરીક્ષા જીવનની એક માત્ર પરીક્ષા નથી. આ જીવનની છેલ્લી પરીક્ષા નથી ..પેલો ક્રિકેટર એસ. એસ. સી. માં નપાસ હતો ..પેલો એકટર કોલેજ પણ પૂરી નથી કરી શક્યો ..આ ઉદ્યોગપતિ ભણેલા જ નથી”……આવાં આવાં ઉદાહરણો અપાય ત્યારે સામે બેઠેલો વિદ્યાર્થી એક જ વાત મનમાં બોલતો હશે કે “સર, આ બધું મને કહેવાનો અર્થ જ નથી. આ બધું મારા મા બાપને કહો!”

ભારતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ એ શિક્ષણના કારણે નહીં, પણ મા બાપ દ્વારા ઊભા કરેલા પરિણામના દબાણને કારણે છે. હવે માતા પિતા પોતાની મહત્ત્વાકાંક્ષાઓ બાળકો પર લાદી દે છે અને તેના જીવનની પ્રત્યેક બાબતને પરિણામ સાથે જોડી દે છે. આત્મહત્યાને કારણ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રથમ મુદ્દો છે જ્ઞાન કરતાં પરિણામનું વધારે મહત્ત્વ? આવડત કરતાં માર્કશીટ મહત્ત્વની કારણ કે નોકરી તેની સાથે જોડાયેલી છે. આત્મહત્યાનું બીજું અગત્યનું કારણ છે સેલ્ફ ફાઈનાન્સ શિક્ષણને કારણે વાલીઓ પર વધતો આર્થિક બોજો, જે અંતે વિદ્યર્થીઓને ઊંચાં પરિણામ માટે ટેન્શન આપે છે. આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ આ? ત્રીજો અગત્યનો મુદ્દો વૈભવી અને વસ્તુવાદી જીવનધોરણ.આજનાં યુવાનોમાં આ બાબત ગંભીર રીતે વધતી જાય છે.મોંઘા મોબાઈલ.કંપની નાં મોંઘાં કપડાં …ભૌતિક સગવડો અને તે માટેની દેખાદેખી

આત્મહત્યાનું એક પરિબળ એ મૂલ્યોનો વિરોધાભાસ પણ છે. મતલબ કે ઘરમાં સમાજમાં જુના અને પરમ્પરાગત મૂલ્યોનું મહત્ત્વ હોય અને યુવાન નવાં મૂલ્યોમાં મોટો થતો હોય. છોકરીઓમાં આ મુદ્દો વધારે અગત્યનો છે કારણ કે એક તરફ ઘરમાં સતત તું સાચવજે ..જો જે હોં ગડબડ ના કરતી.આબરૂના અને અસ્મિતાના મુદ્દા સતત અભ્યાસ કરતી દીકરીએ જ સાચવવાના હોય છે. છોકરાઓ આ બાબતમાં સ્વતંત્ર છે એટલે છોકરીઓ જ્યારે નવા મિત્રમંડળમાં નવી હવામાં સામેલ થાય છે ત્યારે નવી જિંદગી જીવે છે, પણ થોડા જ સમય પછી જો એને જાતે જ એમ થવા માંડે કે અરેરે મેં તો ખોટું કર્યું ..તો આ અપરાધ ભાવ તેને બોજો સર્જે છે. આવા સમયે જો પરિણામ નબળું આવે તો તે ખોટું પગલું ભરી દેતાં અચકાતી નથી.

ખબર બધાને છે, પણ બોલવા કોઈ નથી માંગતું. અંતે કારણ છે આત્મહત્યાના વર્ણન સાથેના મોટા મોટા સમાચારો.હા નબળા મનનાં લોકોને આવા સમાચારોની અવળી અસર થાય છે. નબળા પરિણામને કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી.કુંવારી છોકરી સગર્ભા થતાં આત્મહત્યા કરી.મા-બાપે બાઈક ના અપાવતા યુવકે જીવન ટુંકાવ્યું.આવા સમાચારો સામાન્ય જનતા માટે માત્ર સમાચાર હોય છે પણ આવા જ મુદ્દામાં ઝઝૂમતાં લોકો માટે તો ખોટો મેસેજ હોઈ શકે છે માટે જ સમાચારપત્રો કે ચેનલોએ આત્મહત્યાના સમાચાર જવાબદારીપૂર્વક અને ગ્લેમર હટાવીને છાપવા જોઈએ. આપણે ત્યાં શિક્ષણ સંસ્થાઓ અને સમાજમાં કાઉન્સેલરોની ખાસ જરૂર છે, જે વિદ્યાર્થીને સાંભળે અને માતા પિતાને સલાહ આપે. આપણે વિદ્યાર્થીઓને સલાહો આપીએ છીએ, ખરેખર તેમને સાંભળવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top