Columns

છેલ્લી પાંચ મિનિટ

એક માણસ રસ્તામાં ચાલીને જતો હતો.સામે યમરાજ મળ્યા. તે તેમને ઓળખી ન શક્યો.યમરાજે તે વ્યક્તિની પરીક્ષા લેવા પાણી માંગ્યું અને પેલા માણસે તરત પોતાની પાસેથી પાણી આપ્યું અને પાણી પી લીધા બાદ યમરાજે તેને પોતાની ઓળખ આપી અને કહ્યું, ‘હું તારા પ્રાણ લેવા આવ્યો છું. હમણાં પાંચ મિનિટમાં તારો અકસ્માત થશે અને તું મૃત્યુ પામીશ.પણ મેં તારું પાણી પીધું છે એટલે હું તને તારી કિસ્મત બદલવાનો એક મોકો આપું છું.લે, આ ચોપડો, તેમાં પાંચ મિનિટમાં તું જે લખીશ તેમ જ થશે.’

યમરાજે ચોપડો માણસના હાથમાં આપ્યો.માણસે તે વાંચવાનું શરૂ કર્યું.સીધું પોતાના પાના પર જવાને બદલે તે બીજાનાં પાનાં વાંચવા લાગ્યો.તેના મિત્રના પાના પર લખ્યું હતું કે વેપારમાં તેને મોટો ઓર્ડર મળશે.ત્યાં તેને લખ્યું તે ઓર્ડર બે દિવસમાં કેન્સલ થઇ જશે.તેના પાડોશીના પાના પર લખ્યું હતું કે તે નવી કાર લેશે, માણસે સાથે લખી નાખ્યું કે કારનો અકસ્માત થશે.તેના દૂરના સંબંધીના પાના પર લખ્યું હતું, તેને લોટરી લાગશે. માણસે લખ્યું તે પૈસા ચોરાઈ જશે.આમ બીજાનું શું થશે તે વાંચવામાં અને તેનું ખરાબ લખવામાં તેણે ઘણો સમય વાપરી નાખ્યો.તે પોતાના પાનાં પર પહોંચ્યો અને વાંચ્યું કે આજે અકસ્માતમાં મૃત્યુ થશે. હજી તે કંઈ પણ લખવા જાય તે પહેલાં પાંચ મિનિટ પૂરી થઇ ગઈ અને યમરાજે તે માણસના હાથમાંથી ચોપડો લઇ લીધો.

અને માણસ પાસે કોઈને ન મળે તેવી પોતાનું ભાગ્ય બદલવાની તક પૂરી પાંચ મિનિટ માટે હતી તે ઝૂંટવાઈ ગઈ.પારકી પંચાતમાં અને બીજાના સારા ભાગ્યને વાંચીને તેને ખરાબ કરવાનું લખવામાં અન્યનું બૂરું કરવામાં તે માણસ વ્યસ્ત રહ્યો અને પોતાના માથે ભમતા મોતને તે પાછળ ઠેલી શકવાની તક કે પછી બીજું કંઈ પણ પોતાના ભાગ્યમાં લખવાની તક યમરાજે તેને આપી હતી.

તેનો ઉપયોગ કરવાનો તેની પાસે સમય જ ન રહ્યો અને જીવનની છેલ્લી પાંચ મિનિટમાં પોતાની જીવન બચાવી લેવાની કે મૃત્યુ સુધારી લેવામાં વાપરવાને બદલે તેણે બીજાનું બૂરું કર્યું અને પોતાના ખરાબ કર્મો બાંધ્યાં અને પાંચ મિનિટ પૂરી થઈ. કાર સાથે તેનો અકસ્માત થયો અને તેના પ્રાણ નીકળી ગયા. યમરાજ હસવા લાગ્યા અને તેના જીવને પાશમાં બાંધીને લઇ જતાં બોલ્યા, ‘મૂર્ખ જીવ, તું મૃત્યુથી બચી જાત, એટલી મોટી તક તેં બીજાનું ખરાબ કરવામાં ગુમાવી દીધી અને હવે તેની તને સજા પણ મળશે.’ જીવ હવે શું કરે? માણસોનો સ્વભાવ હોય છે કે પોતાની પાસે કોઈ તક ,શક્તિ કે સત્તા હોય તો તેનો ઉપયોગ તે અન્યનું ખરાબ કરવામાં વધારે કરે છે અને તેનું ફળ અંતે તેણે ભોગવવું પડે છે.જીવનમાં ક્યારેય કોઈનું બૂરું ઇચ્છવું નહિ અને કરવું નહિ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top