Columns

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ભાજપબ્રાન્ડ હિન્દુત્વનો પ્રચાર કરવા માટેનું સાધન છે

જેમના માથે ભાજપનો સિક્કો લગાડવામાં આવ્યો છે તેવા ઘણા બધા પત્રકારો, કટારલેખકો, સમીક્ષકો અને ચોક્કસ પક્ષના રાજકારણીઓ જ્યારે કોઈ ફિલ્મના મોંફાટ વખાણ કરવા લાગે ત્યારે તેમાં કોઈ યોજનાની ગંધ આવ્યા વિના રહેતી નથી. આ લખનારને કાશ્મીરી પંડિતોની વેદના માટે ચિક્કાર સહાનુભૂતિ છે. માટે જ આ કોલમમાં તેમના વિશે એક કરતાં વધુ લેખો લખાઈ ચૂક્યા છે; પણ તેનો અર્થ એવો નથી થતો કે તાજેતરમાં રિલીઝ થયેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મનું આંખ મીંચીને સમર્થન કરવામાં આવે.  આ લખનારે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના જેટલા પણ રિવ્યૂ વાંચ્યા તેમાં તેની સમીક્ષા એક ફિલ્મ તરીકે કરવાને બદલે એક રાજકીય વિચારધારા તરીકે કરવામાં આવી છે. ફિલ્મના કથા, પટકથા, સંવાદો, સંગીત, સિનેમેટોગ્રાફી, અભિનય વગેરેની કલાદૃષ્ટિથી મૂલવણી કરવાને બદલે તેને દેશના ૧૦૦ કરોડ હિન્દુઓની લાગણી ઉશ્કેરવાનું સાધન બનાવી દેવાયું છે.

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને ભાજપશાસિત રાજ્યોમાં કરમુક્તિ આપવામાં આવી તે જ સૂચવે છે કે ભાજપબ્રાન્ડ હિન્દુત્વના પ્રચાર માટેનું તે શક્તિશાળી માધ્યમ પુરવાર થયું છે. કોઈ ફિલ્મને ખુદ ભારતના વડા પ્રધાન બ્રાન્ડ એમ્બેસેડર બનીને એન્ડોર્સ કરે તેનાથી તો એટલું જ પુરવાર થાય છે કે કોઈ ચોક્કસ પક્ષની રાજકીય વિચારધારાને પ્રમોટ કરવા આ માર્કેટિંગનો પુરુષાર્થ કરાઈ રહ્યો છે. આ પુરુષાર્થમાં સૌથી મોટો ભોગ સત્યનો અને તટસ્થતાનો લેવાઈ ગયો છે.  આ ફિલ્મની કથા સાંભળીને એમ જ લાગે કે આતંકવાદીઓ દ્વારા હજારોની સંખ્યામાં કાશ્મીરી પંડિતોની હત્યા કરી નાખવામાં આવી હશે, પણ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ કહે છે કે ૧૯૯૦ થી ૨૦૧૧ વચ્ચે કુલ ૩૯૯ કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી.  ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક એ વાત બતાડવાનું જ ભૂલી જાય છે કે સંખ્યાબંધ કાશ્મીરી મુસ્લિમોની હત્યા પણ કરવામાં આવી હતી.

ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીના કહેવા પ્રમાણે કાશ્મીરી પંડિતો ઉપર જે અત્યાચારો ગુજારાયા તેના માટે કોંગ્રેસ પક્ષ, માનવ અધિકારના પુરસ્કર્તાઓ, લેફ્ટ લિબરલ્સ અને અલબત્ત મુસ્લિમ આતંકવાદીઓ જવાબદાર હતા. આ બધાને એક બ્રેકેટમાં મૂકવા દ્વારા ફિલ્મના નિર્માતા પહેલા ત્રણને મુસ્લિમ આતંકવાદીઓ જેટલા જ ખતરનાક દેશદ્રોહીઓ ગણાવે છે. ભાજપ જે રીતે દેશની તમામ વિટંબણાઓ માટે ‘એવોર્ડવાપસી ગેન્ગ’ને જવાબદાર ગણાવે છે, તેનું ડિટ્ટો અનુસરણ વિવેક અગ્નિહોત્રી કરે છે. બહુ ઓછા લોકોને એ વાતની જાણ છે કે કાશ્મીરમાં ૧૯૯૦ ના દાયકામાં જે આતંકવાદ પેદા થયો તેના મૂળમાં ૧૯૮૭ ની ચૂંટણીમાં કરવામાં આવેલી ગોલમાલ હતી.

જમ્મુ-કાશ્મીર રાજ્યની રચના ૧૯૪૮ માં કરવામાં આવી તેનાં ૪૦ વર્ષ સુધી આ રાજ્ય આતંકવાદથી મુક્ત હતું. ઇ.સ. ૧૯૮૭ માં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી તેમાં ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને રાજીવ ગાંધીની કોંગ્રેસ ઉપરાંત મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ (એમયુએફ) નામના પક્ષે પણ ભાગ લીધો હતો, જે સ્થાનિક પક્ષ હતો અને જેમાં મુસ્લિમ અલગતાવાદીઓ પહેલી વખત ચૂંટણીના મેદાનમાં ઊતર્યા હતા. કાશ્મીર ખીણના મુસ્લિમ મતદારો દ્વારા એમયુએફને જે આવકાર મળ્યો તેને કારણે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના નેતાઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. તેઓ કોઈ પણ ભોગે મુસ્લિમ અલગતાવાદી પક્ષને સત્તા પર આવવા દેવા નહોતા માગતા, માટે તેમણે ચૂંટણીમાં મોટા પાયે ગરબડ કરી. ક્યાંક આખી ને આખી મતપેટીઓ બદલી કાઢવામાં આવી તો ક્યાંક બોગસ મતદાન કરાવવામાં આવ્યું. આ ગોલમાલ કેન્દ્ર સરકારના સીધા નિરીક્ષણ હેઠળ કરવામાં આવી હતી. આ ફ્રોડ ચૂંટણીના આધારે નેશનલ કોન્ફરન્સને વિજેતા જાહેર કરવામાં આવી હતી અને ફારુક અબ્દુલ્લા મુખ્ય પ્રધાન બન્યા હતા.

ચૂંટણીમાં ગોલમાલને કારણે કાશ્મીરના મુસ્લિમો નારાજ અને હતાશ થઈ ગયા હતા. તેમણે મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલુ કર્યાં હતાં. કેન્દ્રીય બળો દ્વારા તેને તમામ તાકાતથી કચડી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટના નેતા મોહમ્મદ યુસુફ શાહે તેના સમર્થકોને સશસ્ત્ર પ્રતિકાર કરવાનું આહ્વાન આપ્યું હતું. તેણે લોકશાહીનો માર્ગ છોડીને હિઝબુલ મુજાહિદ્દીન નામનું આતંકવાદી સંગઠન બનાવ્યું હતું અને સૈયદ સલાહુદ્દીનનું બિરુદ ધારણ કર્યું હતું. યાસિન મલિક જેવા તેના સાથીદારોએ ભેગા થઈને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠનની સ્થાપના કરી હતી. આ રીતે કાશ્મીર ખીણમાં આતંકવાદનો જન્મ થયો હતો.

૧૯૯૦ ના દાયકાના પ્રારંભમાં કાશ્મીર ખીણમાં જે તોફાનો જોવા મળ્યાં તે મુસ્લિમોના હિન્દુઓ વિરુદ્ધનાં રમખાણો નહોતાં પણ અલગતાવાદીઓના રાષ્ટ્રવાદીઓ સામેનાં તોફાનો હતાં. તેમાં જે રીતે ભાજપને ટેકો આપતા કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા તેમ નેશનલ કોન્ફરન્સને ટેકો આપતા મુસ્લિમ રાજકીય કાર્યકરોને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. ૧૯૮૯ માં તોફાનો શરૂ થયાં ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી, પણ તરત જ વી.પી. સિંહના જનતા દળની સરકાર સત્તા પર આવી હતી, જેને ભાજપનો પણ ટેકો હતો. જમ્મુ-કાશ્મીરમાં રમખાણોના પગલે ગવર્નરનું શાસન લાદી દેવામાં આવ્યું હતું. ભાજપસમર્થકની છાપ ધરાવતા જગમોહનને ગવર્નર બનાવીને કોમી તોફાનોને ડામવા માટેની સંપૂર્ણ સત્તા આપી દેવામાં આવી હતી.

કાશ્મીરનાં તોફાનોમાં જગમોહનની ભૂમિકા સંદેહાત્મક હતી. તેમણે કડક હાથે તોફાનો ડામી દેવાને બદલે આતંકવાદીઓને છૂટો દોર આપ્યો હતો. કાશ્મીરી પંડિતોના થઈ રહેલા પલાયનને રોકવા માટે તેમણે કોઈ નક્કર પગલાં ભર્યાં નહોતાં. તેમની ગણતરી એવી હતી કે કાશ્મીરી પંડિતો પર અત્યાચારો થશે તેને કારણે દેશભરનાં હિન્દુઓ જાગી જશે અને પબ્લિક ઓપિનિયન આતંકવાદની વિરુદ્ધ થઈ ગયા પછી આતંકવાદીઓ પર તૂટી પડવાનું સરળ થઈ જશે. તેવું કંઈ બન્યું નહીં. ભાજપસમર્થિત કેન્દ્ર સરકાર પણ જગમોહનની ચાલમાં સપડાઈ ગઈ. તેણે જગમોહનને છૂટો દોર આપ્યો. જગમોહને આતંકવાદીઓને છૂટો દોર આપ્યો, જેમાં પંડિતો સપડાઈ ગયા. ૧૯૮૬ માં જગમોહન ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપની ટિકિટ પર ચૂંટણી પણ લડ્યા હતા.

આજે પણ ઘણા કાશ્મીરી પંડિતો માને છે કે ૧૯૯૦ માં ગવર્નર જગમોહને અને ભાજપસમર્થિત કેન્દ્ર સરકારે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી હોત તો કાશ્મીરી પંડિતોને પોતાનું વતન છોડીને નિરાશ્રિત ન બનવું પડત.  કેન્દ્રમાં ૧૯૯૮ થી ૨૦૦૪ દરમિયાન ભાજપની સરકાર હતી પણ તેણે કાશ્મીરી પંડિતોને ફરી વસાવવા માટે કાંઈ કર્યું નહીં.કદાચ ત્યારે પૂર્ણ બહુમતની સરકાર ન હોવાથી ભાજપ કાંઈ કરી ન શક્યો હોય તો ૨૦૧૪ થી કેન્દ્રમાં પૂર્ણ બહુમતની ભાજપ સરકાર છે. તેમ છતાં કાશ્મીરી પંડિતો કાશ્મીરમાં પાછા ફર્યા નથી. હવે તો જમ્મુ-કાશ્મીરને અલગ દરજ્જો આપતી ૩૭૦ મી કલમ નાબૂદ કરવામાં આવી છે અને ત્યાં ગવર્નરનું શાસન છે તો પણ કાશ્મીરી પંડિતો પાછા ફરી શકે તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો નથી. ભાજપને કાશ્મીરી પંડિતોના નામે હિન્દુઓના મતો મેળવવામાં જેટલો રસ છે, તેટલો રસ તેમનો ઉદ્ધાર કરવામાં નથી.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top