Columns

ઘરકી મુરઘી દાળ બરાબર! ઘરના સભ્યોની જ કદર નહીં?

કોલેજમાં બી.કોમમાં ભણતો પુત્ર સારા માર્કસથી પાસ થયો. ઘરમાં બધાની વચ્ચે પિતાજીને ઉત્સાહથી માર્કશીટ બતાવી કહ્યું- ‘પિતાજી, હું બી.કોમમાં ફર્સ્ટ કલાસ સાથે પાસ થઇ ગયો.’ પુત્રને આશા હતી જરૂર પિતાજી ખૂબ ખુશ થશે. વખાણ કરશે, શાબાશી આપશે. કદરદાનીના બે શબ્દો કહેશે પણ પિતાજીએ કહ્યું ‘મૂરખ! એમાં શી ધાડ મારી? તારી ઉંમરે તો નહેરુ ઓકસફર્ડ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલા.’ ઝંખવાણો પડેલો પુત્ર મનોમન સમસમી ઊઠયો. પિતા પિતા ન લાગતા શેતાન લાગ્યા. થોડા દિવસ પછી પિતાજી આનંદ સાથે ઘેર આવ્યા. બધાને હસતાં હસતાં સમાચાર આપ્યા- ‘ઓફિસમાં મને પ્રમોશન મળ્યું છે. હું સીનિયર કલાર્કની પોસ્ટ પર નિમાયો અને પુત્રને બદલો વાળવાની જાણે તક મળી ગઇ. તે તરત જ બોલ્યો, ‘પિતાજી, એમાં શી ધાડ મારી? આપની ઉંમરે તો નહેરુજી દેશના નેતા બની ગયા હતા અને તમે તો હજી કારકુનના કારકુન જ રહ્યા!’ પિતાજીનું મોં જોવા જેવું થઇ ગયું.

પિતાએ બાળકની પાસ થયાની પ્રશંસા કરી શાબાશી આપી હોત તો કેવું સારું લાગતે. ઘણી વાર એવું બને છે. આપણે અન્ય લોકોની તો પ્રશંસા કરીએ છીએ પણ આપણા કુટુંબના સભ્યોની પ્રશંસા કે કદર કરતા નથી. ઘણાના મનમાં એક વાત બેસી ગઇ હોય છે. ઘરના સભ્યો જે કામ કરે છે તે એ લોકોની ફરજ છે. એ ફરજ બજાવે એમાં નવાઇ શું? પરંતુ આપણે યાદ રાખવું જોઇએ કે ઘરના સભ્યો પણ આપણી પાસેથી કયારેક તેમના પ્રત્યે કદર અને અપેક્ષાઓ રાખવાની સમજદારી ચાહે છે.
રાકેશભાઇનાં પત્ની રીમાબેન સર્વિસ કરે છે.

તે ઘરને સાફ, સુઘડ રાખે જ છે છતાં કોઇક વાર સમયના અભાવે બધું ‘અપ ટુ ડેટ’ જ હોય એવું ન પણ બને. એક વખત રાકેશભાઇ અને રીમાબેન તેમના મિત્રના નવા ફલેટમાં ફર્નિચર જોવા ગયા. મિત્રનાં પત્ની આશાબેને ઉત્સાહપૂર્વક ચોખ્ખુંચણાક ઘર બતાવ્યું. કબાટો પણ ખોલી ખોલીને બતાવ્યાં, ખૂબ જ વ્યવસ્થિત. આ જોઇ રાકેશભાઇ તો ખૂબ જ પ્રભાવિત થઇ ગયા. ઘેર આવીને તેમણે તો રીમાબેનને બોલવાનું શરૂ કર્યું. જોયું આશાબેનનું કામ કેટલું વ્યવસ્થિત! કેટલો સુઘડ, સુંદર ફલેટ રાખે છે ને આપણે ત્યાં? આપણે ત્યાં તો કોઇ વસ્તુનાં ઠેકાણાં જ નહીં.

રાકેશભાઇએ એક અનુભવ પરથી રીમાબેનને આશાબેન જોડે સરખમાણી કરી ઉતારી પાડયા. ઘરની વ્યકિતની કિંમત બહારની વ્યકિત કરતાં ઓછી આંકતી વખતે દરેક માણસે વિચારવું જોઇએ. ઘણા બધા પુરુષોને ઘરની પત્નીની કોઇ કદર હોતી નથી. ઘરમાં આવતાની સાથે ‘હજી તારી રસોઇ તૈયાર નથી? મને ઓફિસે જવાનું મોડું થાય છે. મારા શર્ટને તે હજુ બટન ટાંકયું નથી? આખો દિવસ તું ઘરમાં કરે છે શું? દરેક નારીનું મન તેના આખા દિવસના પોતે કેટકેટલાં કામ કરે છે તેનું લિસ્ટ સંભળાવવા પોકારી ઊઠે છે પણ કોને કહે? ઘરના બધા સભ્યોને પોતપોતાના કામે જવાની ઉતાવળ. એક સ્ત્રીએ રહેવાનું ખડે પગે…!

આજે પહેલાંના જમાના કરતાં સાધનો અને તૈયાર મળતી અનેક વસ્તુઓને કારણે ગૃહિણીઓનો કાર્યભાર ભલે ઘટયો છે પરંતુ એની સામે એનાં ઘણાં કામ વધ્યાં છે. જેમકે બાળકોને ભણાવવાં, બાળકોને સ્કૂલે, ટયુશને, જાતજાતના કલાસીસમાં, મૂકવા-લેવા જવાનાં, સ્કૂટર પર બાળકને લઇને દોડતી માતાનું દૃશ્ય સામાન્ય થઇ ગયું છે. ઘરનાં બીજાં અનેક કામો – બિલ ભરવાનાં, બેન્કોનાં કામ કરવાનાં. આ બધાં કામ સાથે સામાજિક પ્રસંગોએ હાજરી આપવાની. બધા સભ્યોને સાચવવાના. ઉપરાંત કરિયાણા અને શાકભાજીની ખરીદી આ બધી જવાબદારી ગૃહિણીએ નિભાવવાની હોય છે.

તે પ્રેમપૂર્વક પોતાની ફરજ નિભાવે છે પણ તેની કદર થવાને બદલે આખો દિવસ તું કરે છે શું? બેસીને આરામ જ કરે છે. એવું સાંભળવા મળે છે જે તેને માટે ખૂબ જ દુ:ખદાયક બને છે. ઘરના સભ્યોની માંદગી દરમિયાન પ્રેમથી સારવાર કરતી ગૃહિણી પોતાની માંદગી કે પોતાની જાતને પ્રાધાન્ય આપતી નથી. અનેક સ્ત્રી ઘરની જવાદારીને કારણે પોતાના શોખ અને કારકિર્દીનો ભોગ આપે છે. કોઇક જ અપવાદરૂપ ગૃહિણીઓને બાદ કરતાં. ગૃહિણી જે પ્રેમ અને ખંતથી ઘર પ્રત્યેની જવાબદારી નિભાવે છે તે ખરેખર અમૂલ્ય અને કદર કરવા યોગ્ય જ છે. ગૃહિણીના કામને નાનું કે ઓછું આંકવું ભૂલભરેલું છે.

બધાને ઘરકી મુરઘી દાળ બરાબર જ લાગે છે. નવાઇની વાત એ છે કે ઘરના માણસો સાથે પારાવાર પ્રેમથી કે ઉત્કટ લાગણીથી રહેવાનું આપણે કેમ નથી શીખતા? સાસુને પોતાની વહુ સાથે વાતવાતમાં વાંકું પડે છે. વૃધ્ધ પાડોશણના દીકરાની વહુના વખાણ કરતા એ થાકશે નહીં. અરે, બાજુના ઘરની વહુ બહુ ટાપટીપ કે નખરાં કરતી હશે તો પણ એને સુઘડ કહેશે અને પોતાની વહુ નખરાં કરતી હશે આજના જમાનાને અનુરૂપ તો તેને છાકટી કહેશે. દરેક સાસુ કહેતાં ફરશે કે જુઓને તમારી વહુમાં કેટલી આવડત છે ને અમારી વહુને તો કોઇ આવડત જ નથી. વહુ સવારથી ઊઠીને બધું સાસુના હાથમાં આપતી હશે છતાં સાસુ કહેશે એ શું કામ કરતી હતી. બધું મારે જ કામ કરવું પડે છે.

આમ સાસુજી વહુને વખોડતાં જ હોય છે તે જ રીતે વહુને પણ પોતાની સાસુ ગમતી નથી. પાડોશમાં રહેતા ડોશીમાને વહાલી થવા તે જાત નીચોવી કાઢશે પણ સાસુ માટે જરાય ઘસાવા નહીં માંગશે. દેરાણી – જેઠાણીને એકમેક સાથે નહીં બને પણ બંને પોતપોતાની કલબની સ્ત્રીઓ સાથે હસીખુશી ને વિવેકથી વર્તશે કયારેક પતિ પત્નીના વ્યવહારમાં પણ આવું બનતું હોય છે. પોતાની પત્નીના કામમાં મદદ કરવામાં શરમ અનુભવતો પતિ પારકાની પત્નીનું કામ કદાચ હોંશે હોંશે ગુલામની જેમ કરશે.

અંતરના ઊંડાણમાંથી એ પ્રશ્ન ઊઠે છે કે અન્ય સૌની સાથે આપણે પ્રેમથી રહીએ છીએ પણ આપણા પોતાના ઘરના માણસો સાથે પ્રેમથી રહેવાનું કેમ નથી ફાવતું? આપણા પોતાના માણસોની સારી આવડત- ખૂબીની આપણે મુકત મને પ્રશંસા કેમ કરતા નથી? એની આવડતને, એની કલાને બીજા લોકો સન્માનશે પણ આપણા ઘરના એને કેમ બિરદાવતા નથી? જીવનના સામાન્ય વ્યવહારમાં કદરયુકત પ્રશંસા સાંભળનારને કેટલો આનંદ આપે છે એની પ્રતીતિ આપણને ઘરમાં જ થઇ શકે.

સ્વાદિષ્ટ રસોઇ જમતા પતિ કે ઘરના અન્ય માણસો ગૃહિણીની પ્રશંસા કરે તો રસોઇ કરતા લાગેલો થાક તરત જ અદૃશ્ય થઇ જાય છે. એકથી પાંચ નંબરમાં પાસ થયેલ પુત્ર કે પુત્રીની પીઠ થાબડવામાં આવે તો એને અભ્યાસ કરવાની કેવી ચાનક લાગે છે. અરે, વાસણ માંજનાર કામવાળા બહેનને પણ કહીએ કે ‘તમારું કામ ખૂબ જ ચોખ્ખું છે’ એમ કહેવામાં આવે તો તે બમણા જોરથી સારું કામ કરશે. દરેકના કાર્યની કદર કરતા શીખીએ. કદરદાની એ ‘માસ્ટર કી’ ગુરુચાવી છે. ગમે તેવા કઠોર હૃદયના તાળાને પણ આ ચાવીથી ખોલી શકાય છે. નાના બાળકથી માંડી 90 વર્ષના વૃધ્ધ તમામ માણસો પોતાના કામની કદર થાય એમ ઇચ્છતા હોય છે. કદરનો એકાદ શબ્દ કે કોઇ વાર તો નાનો સરખો ઇશારો માત્ર માણસના ચિત્તને પ્રફુલ્લિત બનાવી દે છે.

અંગ્રેજી શબ્દ ‘થેંક યુ’ કદરદાનીની યશકલગી જેવો છે. આ શબ્દનો ઉપયોગ લગભગ જનસમાજ કરે છે. યોગ્ય વ્યકિતની કદર થવી જ જોઇએ. ઘણી વાર કોઇની પ્રશંસા કરવામાં આપણી જીભ ટૂંકી પડે છે. પ્રશંસાનાં બે વાકયો વાપરી એમનાં કાર્યોને બિરદાવી આપણે સામી વ્યકિતના જીવનને ભર્યું ભર્યું બનાવી દઇએ તો કેવું સારું? તો વાચક મિત્રો, પરિવાર-પરિવારના સભ્યો આપણી મોટી સોગાદ છે. ભાઇ-બહેન, પતિ-પત્ની, માતાપિતા, દાદ-દાદી તથા સંતાનો સહુ પરિવારના સભ્યો છે. એ સૌ મારા છે એમ વિચારીશું તો આપણને પારકી થાળીમાં લાડુ મોટા નહીં લાગે. થોડી અપેક્ષાઓ ઓછી રાખી સંબંધો જાળવો. પરિવારના કોઇ પણ સભ્યની ઉન્નતિમાં ઇર્ષ્યાને બદલે એક હરખ હોવો જોઇએ. એની હોંશિયારી આવડતની કદર કરો. શુધ્ધ ભાવના હોવી જોઇએ. આપણા નબળા સંજોગોમાં બહારના લોકો તો સાથ છોડી પણ દેશે પરંતુ પરિવારના સભ્યો પ્રેમપૂર્વક અથવા ફરજ ખાતર પણ આપણને સાથ આપશે માટે અસંતોષ ત્યજી સમાધાન કેળવી ઇશ્વરદત્ત સંબંધોને માન આપીએ એ જ સાચી કદરદાની છે. ઘરના દીવડાઓની જયોત વધુ પ્રજવલિત કરીએ…!

સુવર્ણરજ
પાપ થાય એવું કમાશો નહીં
દેવું થાય એવું ખર્ચશો નહીં
કલેશ થાય એવું બોલશો નહીં
ચિંતા થાય એવું જીવશો નહીં
અને રોગ થાય એવું ખાશો નહીં.

Most Popular

To Top