uncategorized

ગિર બાજુના પશુપાલકો અને ખેડૂતોનાં લાચારીભર્યાં આંસુડાંઓ

ભારતના ગિરનાં જંગલોમાં વસવાટ કરતા સિંહો, જગતભરમાં મશહુર છે. ગિરના જંગલોનું પર્યાવરણ સિંહો માટે ખૂબ જ માફકસરનું રહે છે. એટલે સિંહ જેવું પ્રાણી સરળતાથી ગિરમાં જીવી શકે છે. સિંહની એક ખાસિયત એ છે કે, એ ભૂખ્યો થાય તો જ અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. સિંહ, ગાય, ભેંસ, બળદ, વાછરડાં, પાડાં તથા હરણાં જેવાં પ્રાણીઓનો શિકાર કરીને એમનું ભક્ષણ કરે છે. ગિરમાં વસતા માલધારીઓનાં અને આજુબાજુ વસતા ખેડૂતોનાં પાળેલાં પ્રાણીઓનો પણ સિંહો વસાહતોમાં આવીને શિકાર (મારણ) કરતા હોય છે. અમરેલી જિલ્લાના એક પશુપાલક ખેડૂતે, કેટલાક સમય પહેલાં કોઇક પત્રકારની વાતચીત દરમ્યાન કહેલું કે, સિંહો અમારી વસાહતોમાં કયારેક આવી જતા હોય છે એ વખતે અમે ઘરનાં સૌ, ઘરમાં પૂરાઇ જઇએ છીએ.

પણ વાડામાં બાંધેલા અમારાં દૂધાળાં પશુઓનું એ સિંહો જયારે મારણ કરતા હોય છે ત્યારે, એ પશુઓના, લાચાર ભાંભરવાના છેલ્લા અવાજોથી અમે ઘરનાં સૌ રડી ઊઠીએ છીએ અને લાચાર ભાવે ખૂબ દુ:ખ સાથે ઘરમાં બેસી રહીએ છીએ. સિંહ, બાંધેલા પશુનું ગળું પકડી લે છે. દરમ્યાનમાં પશુ થોડોક આક્રંદ કરે છે. તરફડે છે અને સિંહના ખોરાકનો કોળિયો બની જાય છે. આવાં દૃશ્યો અવારનવાર, બને છે. પણ અમે સિંહોને કાંઇ કરી શકતા નથી. સિંહ રક્ષિત પ્રાણી છે. એને મારી શકાતું નથી. સિંહ સિવાય વાઘ, ચિત્તો, દીપડો વગેરે પ્રાણીઓ પણ શાકાહારી પ્રાણીઓનાં મારણ કરતાં હોય છે. કયારેક આવાં હિંસક પ્રાણીઓ, માણસોને પણ ફાડી ખાતાં હોય છે. જેનું આપણને ખૂબ મૂલ્ય છે. એવાં દૂધાળાં ઢોરઢાંખરને સિંહ જેવાં પ્રાણીઓ ફાડી ખાય, છતાં આપણે એ હિંસક પ્રાણીઓને કશું જ ના કરી શકીએ, એવા કુદરતી (ખરેખર તો અકુદરતી) ન્યાય માટે, શું સમજવું?
સુરત       – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top