Comments

સરકાર બિનસરકારી સંસ્થાઓનું મહત્ત્વ સમજે

નીતિ આયોગ શું છે અને તે કઇ રીતે કામ કરે છે તે બહુ ઓછા લોકો સમજે છે, પણ તેના વડા અમિતાભ કાંતે ભારતમાં કઇ રીતે ધંધો કરવાની સરળતા વધારવી તેનો જવાબ આપતાં કહ્યું છે કે સિંગલ વિંડો સિસ્ટમ રાખવી. એટલે કે પ્રક્રિયાની માયાજાળ નહીં રાખવી, સમયસર મંજૂરી આપવી અને જમીનપ્રાપ્તિ એ માર્ગ છે. તેઓ એવું પણ કહે છે કે આરોગ્ય સંભાળ જેવા સામાજિક માળખામાં જાહેર – ખાનગી ભાગીદારી મૂડી રોકાણનું બીજું એક ક્ષેત્ર છે. અલબત્ત ભારત આ કરે તે મહત્ત્વનું છે. કારણ કે વસ્તી વધી હોવા છતાં છેલ્લાં પાંચ વર્ષમાં રોજગારી મેળવનારની સંખ્યા ઘટી છે. હું જે ક્ષેત્રને વાજબી રીતે વધુ સમજું છું તેમાં મારે ડોકિયું કરવું હતું.

એન.જી.ઓ. એટલે કે નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ – બિનસરકારી સંસ્થા. અમેરિકામાં ત્રીજું સૌથી મોટું કાર્યબળ છે. છૂટક અને ઉત્પાદન ક્ષેત્ર અમેરિકામાં બિનસરકારી સંસ્થા કરતાં વધુ વ્યકિતઓને કામે રાખે છે પણ અમેરિકાનાં પચાસ રાજયોમાંથી ૨૪ રાજયોમાં ખરેખર તો બિનસરકારી સંસ્થા ઉત્પાદનની તમામ શાખાઓ કરતાં સંયુકતપણે વધુ કામદારોને કામે રાખે છે. બ્રિટનમાં પણ આવું જ છે. યુરોપમાં તમામ નોકરીઓમાંથી ૧૩% બિનસરકારી સંસ્થાઓમાં છે. આ પ્રમાણ કુલ ૨.૮ કરોડ નોકરીઓનું થયું. ભારતમાં ૧૦% થી પણ ઓછી નોકરીઓ વ્યાવહારિક ક્ષેત્રમાં છે. હવે આપણે જોઇએ કે સરકારે ભારતમાં ખાનગી ક્ષેત્રના આ ભાગ માટે ધંધો – વ્યવસાય કરવાની સરળતા કઇ રીતે વધારી.

૨૦૨૦ માં મોદી સરકારે બિનસરકારી સંસ્થાઓ ભારતમાં કઇ રીતે કામ કરી શકે તેની રીત રસમમાં ફેરફાર કરવાનો હુકમ કર્યો. પહેલો ફેરફાર એ હતો કે કોઇ પ્રકારનું વિદેશી દાન મેળવતી ૨૩૦૦૦ બિનસરકારી સંસ્થાઓ નવી દિલ્હીમાં સંસદ માર્ગ પર કાર્યરત ભારતીય સ્ટેટ બેંક મારફતે જ તે પૈસા મેળવી શકે. માત્ર ૧૪૮૮ બિનસરકારી સંસ્થાએ જ દિલ્હીમાં નોંધાયેલી હતી તેથી બાકીની સંસ્થાઓએ દિલ્હીમાં આવીને ખાતું ખોલાવવાનું અને ચલાવવાનું, અને તે પણ કોરોનાની મહામારીના કાળમાં. ખાનગી ક્ષેત્રના કોઇ ભાગને આવું કરવાનું કહેવામાં આવ્યું નથી અને કોર્પોરેટ ક્ષેત્ર ભારતમાં કોઇ પણ બેંક ખાતામાં વિદેશી નાણાં પ્રાપ્ત કરી શકે છે. પોતાની પાસે વિદેશી ફાળાના નિયમન ધારા હેઠળ લાયસંસ હોવા છતાં ૪૬% બિનસરકારી સંસ્થાઓથી વધુ સંસ્થાઓને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં કોઇ વિદેશી નાણાં મળ્યા નહીં અને બીજી ૪૧% સંસ્થાઓને રૂા. એક કરોડથી ઓછી રકમ મળી.

બીજો ફેરફાર એ હતો કે બિનસરકારી સંસ્થાઓ સરકારી વ્યાખ્યા પ્રમાણેના વહીવટીખર્ચ પેટે પોતાને મળેલા પૈસામાંથી માત્ર ૨૦% પૈસા જ વાપરી શકે. આ વહીવટી ખર્ચમાં પગાર, પ્રવાસ ખર્ચ, વ્યકિતઓને કામે રાખવાની, વીજળી – પાણીના ચાર્જ, કાર્યાલયની દુરસ્તી, પરિવહન, લેખન અને છાપેલી સામગ્રી, ભંડોળનો વહીવટ અને હિસાબનો ખર્ચ, વાહનો ચલાવવાના રાખવા અને જાળવવાનો ખર્ચ, રીપોર્ટ લખવાનો અને આપવાનો ખર્ચ, કાનૂની અને વ્યવસાયી ખર્ચ તેમજ ભાડું વગેરેનો સમાવેશ થઇ જાય. આ તમામ ક્ષેત્રે ૨૦% થી વધુ ખર્ચ નહીં થઇ શકે. ફરી એક વાર કહેવાનું કે કોઇ અન્ય ખાનગી ક્ષેત્રને તેના પોતાના પૈસાથી શું કરવું અને શું નહીં કરવું તે કહેવામાં આવ્યું નથી.

ત્રીજા ફેરફાર અન્ય એ કાયદા હેઠળ કોઇ બિનસરકારી સંસ્થા વધુ નાની એ બિનસરકારી સંસ્થાઓને પોતાના ભંડોળની પુન વહેંચણી નહીં કરી શકે જે ખરેખર જે તે ક્ષેત્રમાં પ્રત્યક્ષ કામગીરી કરતી હોય, પણ તેમની પાસે પૈસા ન હોય. આ નિયમને પગલે બિનસરકારી સંસ્થાના ક્ષેત્રને ફટકો પડે. કારણ કે બિનસરકારી સંસ્થાઓ ઘણાં ક્ષેત્રોમાં પોતાની વચ્ચે કે કોર્પોરેટ ક્ષેત્ર સાથે સ્પર્ધા નથી કરતી.

અશોક યુનિવર્સિટીના એક અભ્યાસમાં એવું જણાયું હતું કે આ રીતે કામ કરતી કુલ ૪૧૦૭ નાની બિનસરકારી સંસ્થાઓમાંથી અડધોઅડધ સંસ્થાઓને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં રૂા. ૭.૬ લાખ કે તેથી ઓછી રકમ મળી છે અને તેમને હવે તે રકમ પણ નહીં મળે. બીજા બધા ફેરફાર પણ થયા છે પણ ભારતને શું નુકસાન થયું છે તે વિચારવા માટે આપણે તેને બાજુ પર મૂકી દઇએ. કોરોનાનું બીજું મોજું ભારત પર ત્રાટકયું ત્યારે મોદી સરકારે આ જ બિનસરકારી સંસ્થાઓ પાસેથી મદદ માંગી હતી.

બી.બી.સી.એ તેના ન્યૂઝ નાઇટ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે નવા નિયમોને કારણે બિનસરકારી સંસ્થાઓને સહાય વહેંચવામાં ખૂબ મુશ્કેલી અનુભવવી પડી હતી. કારણ કે ભારતની હોસ્પિટલો અને સખાવતી ટ્રસ્ટોને કોવિડ રાહત સામગ્રી વિદેશી દાતાઓએ મોકલી હોવા છતાં કાયદાને કારણે મળી શકી નહીં! તેને કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઓકિસજન પ્લાંટ અને કન્સેન્ટ્રેટર્સ ખરીદવાની દાતાઓની યોજના જોખમમાં મૂકાઇ. એક હોસ્પિટલમાં બે ડઝનથી વધુ લોકો ઓકિસજનના અભાવે મરણ પામ્યાં હતાં છતાં દાતાઓ ઓકિસજન બનાવવાનો પ્લાન કાયદાને કારણે મોકલી શકયા નહીં.

ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એકટના નામે ઓળખાતા બિનસરકારી સંસ્થાના કાયદા હેઠળ નોંધણી કરાવ્યા વગર કોઇ સંસ્થા જીવન બચાવવા માટે દવા કે તબીબી સાધન મેળવી શકતી નહતી. આ કાયદાની વધુ કડક જોગવાઇ એવી પણ નોંધણી વખતે બતાવેલા હેતુસર જ વિદેશી ભંડોળનો ઉપયોગ થવો જોઇએ. મતલબ કે કોઇ સંસ્થા શિક્ષણના હેતુ બતાવી નોંધાઇ હોય તો તે વેન્ટીલેટર ખરીદવા માટે પોતાના પૈસા નહીં વાપરી શકે.

આવાં કોઇ નિયંત્રણો ખાનગી ક્ષેત્રના અન્ય ભાગને લાગુ નથી પડતા. તાજેતરની  મહામારીમાં જણાયું તેમ આ નિયંત્રણો દેશને જ નુકસાન કરે છે. સરકાર સરળતા કરવા માંગતી હોય તો તેણે બિનસરકારી સંસ્થાઓ સાથે જે વ્યવહાર કરે છે તે બંધ કરી તેને બાકીના ખાનગી ક્ષેત્રની જેમ કામ કરવા દેવી જોઇએ અને અમેરિકા, બ્રિટન અને યુરોપનો દાખલો લઇ બિનસરકારી સંસ્થાઓનું વિરાટ ક્ષેત્ર અર્થતંત્ર, રોજગારી અને સમાજને શું લાભ કરાવી શકે તે જોવું જોઇએ. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top