Comments

વસ્તીનિયંત્રણ શરૂ થઇ ગયું છે હવે કાયદો લાવી દો

‘વસ્તીનિયંત્રણનો કાયદો લાવી દેવો જોઇએ….’ આ એક વાત હવે ભારતનાં તમામ શહેરો ઉચ્ચ મધ્યમ વર્ગની ચર્ચાનો વિષય છે. આ કાયદો આર્થિક અસર સર્જે કે ન કરે પણ તેની રાજકીય અસરો ચોકકસ છે. ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર જો આ કાયદો લાવે છે તો તેને ચોકકસ લાભ થવાનો છે કારણ કે નોટબંધીની જેમ ભારતના ઉચ્ચ મધ્યમ વર્ગમાં વસ્તીવિષયક ખ્યાલો હજુ જૂના જ છે. કેટલી બધી માન્યતાઓ એની એ જ છે! એટલે ભારતમાં 1970 થી 1980 ના દાયકામાં વસ્તી વૃધ્ધિનો દર 2.5% નો હતો તે ઘટીને ૨૦૨૧ માં તે માત્ર 1% નો છે અને હવે તેને કાયદો ઘડો કે ન ઘડો કોઇ ફેર પડે તેમ નથી. તે સમજવાની ફુરસત નથી.

ભારતનાં ૨૬ કરોડ કુટુમ્બોમાં દર વર્ષે પોણા બે કરોડ બાળકો જન્મે છે. સામે સિત્તેર લાખ મૃત્યુ પામે છે માટે ચોખ્ખો વસ્તીવધારો એક કરોડ છે. વસ્તીનિયમનના કાયદાથી આ વર્ષે એક કરોડ બાળકો જન્મે છે તે ઘટવાનો નથી. કારણ આપણે ભલે માનીએ કે લોકોને ત્યાં ચાર-પાંચ બાળકો જન્મે છે પણ ખરેખર 1991 પછી કુટુંબ દીઠ ત્રણથી વધુ બાળકો હોય એવાં કુટુમ્બોની સંખ્યા ઘટતી જાય છે. એક દંપતીને છ-સાત બાળક હોય એવું તો લગભગ અશકય છે. એમાંય શહેરી-શિક્ષિત-ઉચ્ચ મધ્યમ વર્ગનાં ૫૦% થી વધારે કુટુંબોમાં એક કે બે જ બાળકો છે. ત્રણ કે વધુમાં વધુ ચાર બાળકો હોય તેવાં કુટુમ્બો માત્ર ગરીબ અને ગ્રામિણ વિસ્તારમાં જોવા મળે છે.

વસ્તીનિયમનનો રાજય સરકાર કે કેન્દ્ર સરકાર કાયદો લાવવા માંગે તો કયા સ્વરૂપમાં લાવી શકે તે પણ ચર્ચાનો વિષય છે કારણ કે ભારત જેવા લોકશાહી દેશમાં ચીન જેવા સામ્યવાદી નિયંત્રણ આવી શકે નહીં. એટલે સરકાર નિરુત્સાહી કરનારા પગલાથી વિશેષ કાંઇ કરી શકવાની નથી. જેમકે સરકાર બહુ બહુ તો વધુ બાળકો હશે તેવા કુટુમ્બને સસ્તા અનાજની દુકાનેથી સસ્તું અનાજ, તેલ, ખાંડ નહિ મળે તેવી જાહેરાત કરી શકે! સરકારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં બે થી વધુ બાળક હોય તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ પહેલેથી જ મૂકેલ છે.

સંસદ અને વિધાનસભામાં પણ આ નિયમ કરી શકાયો હોત પણ ચાલુ ધારાસભ્યો, સંસદસભ્યો પોતાના પગ ઉપર કુહાડો મારતા નથી માટે ગામને વસ્તીનિયમનના કાયદામાં લાવવા નિકળેલા પોતે તેમાં આવવા માંગતા નથી. રહી વાત સસ્તા અનાજના લાભની, તો ઘણા વખતથી ગુજરાતમાં તો રેશનકાર્ડમાં વધુમાં વધુ ચાર મેમ્બરનું જ અનાજ મળે છે. ગેસના બાટલામાં સબસીડી તો એમને એમ ખતમ થઇ ગઇ છે. આમ તો શાળા-કોલેજ સેલ્ફ ફાયનાન્સ છે. રસ્તા ટોલટેક્ષવાળા છે. વીજળી-પેટ્રોલ-ડીઝલ ઊંચા ભાવે જ મળે છે. તો એવું શું છે જે વસ્તીનિયંત્રણ માટે અસર કરે! વળી એક પ્રશ્ન એ પણ થાય કે વસ્તીનિયમનનો કાયદો તોડે તો સજા કે નિયંત્રણ કોને લાગુ પાડવાનું! બે થી વધુ બાળકને જન્મ આપનાર માતા-પિતા ને? ત્રીજા કે ચોથા બાળકને! કે આખા પરિવારને!

વસ્તીના આંકડા બતાવે છે કે ત્રણ કે તેથી વધુ બાળકો ધરાવતાં પરિવારો મજૂર, ગરીબ વર્ગના છે. આ ગરીબ વર્ગ ઉત્તર પ્રદેશ, બિહાર, આસામથી મજૂરી માટે ગુજરાત-મહારાષ્ટ્ર, પંજાબ જેવા સમૃધ્ધ રાજયમાં જાય છે. આ મજૂરોને રેશન મળી રહે તે માટે ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના લાવવામાં આવી રહી છે. તો એ કામની જ નહિ રહે!

એક વાત યાદ રાખવા જેવી છે કે હાલ એકસો ત્રીસ કરોડના દેશમાં 18 થી 65 ની ઉંમરની 65 ટકા વસ્તી છે. મતલબ કે દેશમાં લગભગ એંશી કરોડ લોકો 20 થી મોટા અને 65 થી નાના છે. જયારે 20 કરોડ 65 થી મોટા છે. જરા વિચારો અત્યારે દુનિયાના સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ વર્ષ 2050 પછી દુનિયાના સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ બનશે. વળી આંકડાની એક માયાજાળ એ પણ સમજો કે 1985 સુધી વર્ષે બે થી અઢી કરોડ વસ્તી વધતી જે હવે વર્ષે એક કરોડ વધે છે. મતલબ વીસ જ વર્ષ પછી દેશમાં યુવાનો કરોડથી પણ ઓછા વાર્ષિક દરે વધશે જયારે વસ્તી અઢી કરોડથી વધારે દરે ઘરડી થશે!

માટે વસ્તીનિયમનનો કાયદો માત્ર રાજી થવા પૂરતો અને આપણી ચોક્કસ માન્યતાઓને પંપાળવા પૂરતો લાવવાનો છે! જેમ લોકોએ ચલણી નોટોના થોકડે થોકડા રૂમોમાં ભરી રાખ્યા છે એવી 1968 ની માનસિકતાથી સર્જાયેલી કલ્પનાએ 2017 માં નોટબંધી વખતે ઘણાને ખુશ કરી દીધેલા કે હવે તો કાળું નાણું ખતમ જ! એમ વસ્તી અંગેના 1970 થી 1980 ના વલણોના આધારે અત્યારે વસ્તી નિયમનના કાયદા માટે ખુશ થનારાની સ્થિતિ છે. બાકી ભારતમાં વર્તમાનમાં જન્મ દર 1.7 મતલબ કે એક હજારની વસ્તીએ 17 બાળકો જન્મે છે અને દર હજારની વસ્તીએ મૃત્યુ 7 નાં છે. મતલબ કે મૃત્યુદર .7 છે. માટે વાર્ષિક ચોખ્ખો વસ્તી વૃધ્ધિદર 1 ટકા લગભગ છે. 2021 ની વસ્તી ગણતરીના આંકડા જયારે આવશે ત્યારે તે અનેક ભ્રમણાઓ તોડી નાખશે અને 2018 પછી આપણો મૃત્યુ દર વધવા લાગ્યો છે તે ચિંતાજનક બાબત પણ આપણી સામે આવ્યા વગર નહિ રહે તે નફામાં! માટે કાયદો તો લાવી જ દો, પણ છ જ મહિના પછી આ કાયદાને કારણે જ વસ્તી નિયંત્રિત થવા માંડી એવાં ગપ્પાં મારવા મંડી ન પડતાં એટલી વિનંતી! -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top