Entertainment

‘અંજલી’ નેહા મહેતા : ફિલ્મ ટીવીનું ક્ષેત્ર ખરાબ નથી, કેટલાંક લોકો ખરાબ હશે

નામ તો નેહા મહેતા છે પણ અંજલી તારક મહેતા કહો તો ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો તેમને તરત ઓળખશે. મૂળ પાટણ પણ વડોદરા, અમદાવાદમાં જેનો ઉછેર થયો છે તે નેહા મહેતા નૃત્ય, ગાયન અને નાટકની તાલીમ પછી અભિનયક્ષેત્રે પ્રવેશ્યા હતા. 2001ની ‘ડોલર વહુ’થી શરૂ કર્યા પછી ‘ભાભી’ની સરોજ, ‘સો દહાડા સાસુના’ (ગુજરાતી)ની અનુરાધા, ‘રાત હોને કો હે’ની અભિનેત્રી નેહા ‘EMI’ હિન્દી ઉપરાંત ‘જન્મોજન્મ’, ‘બેટરહાફ’ને ‘હલકીફૂલકી’ ફિલ્મોના કામ કરી ચૂકી છે. જો કે 12 વર્ષ સુધી અંજલી મહેતાનું પાત્ર ભજવ્યું એટલે લોકોને મન તેઓ નેહાથી વધુ અંજલી મહેતા છે. અત્યારે પોતાની ફિલ્મ બનાવવા પ્રયત્ન કરી રહેલા નેહા મહેતા નીતિ – મૂલ્યોના આગ્રહી છે.

‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’માં હવે તમે નથી પણ અંજલી તારક મહેતા તરીકે ખૂબ લોકપ્રિય રહ્યા. વિત્યા દોઢેક વર્ષથી તમે એ સિરીયલ છોડી છે, તો કેવું લાગે છે?
નેહા મહેતા : એ ભૂમિકા મેં 12 વર્ષ સુધી ભજવી છે. ‘ડોલર વહુ’માં મારી વૈશાલીની ભૂમિકા પણ લેખકના પસંદગીના પાત્રરૂપે લખાયેલા એવું જ અંજલી મહેતા વિશે કહી શકુ. તારક મહેતાની કલ્પનાથી એ સર્જાયુ હતુ. આશિત મોદીનો ખૂબ આદર કરું છું પણ એમનેમ કશું થતું નથી. દરેક પાત્ર સર્જાવામાં અભિનય કરનારનું પણ મહત્વનું પ્રદાન હોય છે. એ સિરીયલ છોડવા પાછળ કારણ છે. બધુ વિગતે નથી કહેવું પણ મારેય અહમ અને આત્મવિશ્વાસ છે. તેના ભોગે કામ ન કરી શકાય. હું પહેલેથી જ સિરીયલો બહુ ઓછી જોઉં છું. એ સિરીયલની હું પ્રેક્ષકથી વધુ એકટ્રેસ રહી છું પણ હવે ‘બીત ગઈ સો બાત ગઈ’ સ્તર નીચું જવા માંડે ત્યારે થાય કે અહીંથી ખસી જવું જોઈએ.

એ સિરીયલ છોડયા પછી તમે ‘હલકી ફૂલકી’ નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યુ, હવે શું કરો છો?
નેહા મહેતા : એ ફિલ્મ મારા 2 – 3 મિત્રોના આગ્રહે કરી હતી. અને અત્યારે મારી જ એક ફિલ્મ બનાવવાની યોજનામાં પ્રવૃત છું. ફાયનાન્સર મળતા આગળ વધીશ.
તમે કેવા પ્રકારની ફિલ્મો બનાવવા માંગો છો?
નેહા મહેતા : સોશ્યલ સાયકોલોજીલ પ્રકારની ફિલ્મ બનાવીશ કે જે સમાજને કશુંક આપી શકે. મારે TV સિરીયલ પણ બનાવવી છે. હું ફક્ત અભિનેત્રી નથી, આ દેશની નાગરિક પણ છું. તો એકથી વધારે રીતે વિચારીને કામ કરવું જોઈએ.

અભિનય મારા જીવનનું અભિન્ન અંગ છે, પણ આખે આખું અંગ નથી.
પણ ‘ડોલર વહુ’થી ગણો તો તમારી સિરીયલો પણ ઓછી છે ને ફિલ્મો પણ ચારેક જ થાય છે. આટલું ઓછું કામ કેમ?
નેહા મહેતા : જેટલું કામ કર્યુ તેનાથી સંતોષ છે. મારે બહુ બધા કામોમાં ખોટી રીતે આગળ વધવું ન હતું. પૈસાની લાલચ મને ગમે તે કામ સ્વીકારવા ફરજ ન પાડી શકે. મને કામ માંગવા જતા નથી આવડતું.
અત્યારે જે ગુજરાતી ફિલ્મો બને છે, તેના વિશે તમારો શું પ્રતિભાવ છે?
નેહા મહેતા : જેટલું સમય પ્રમાણે ઉમેરાતી સગવડો પ્રમાણે વિષય અને ફિલ્મો બનાવવાની રીત પણ બદલાતી હોય છે.

અગાઉની ફિલ્મો પણ તેની રીતે સારી જ હતી, એટલે પ્રેક્ષકો મેળવી શકતી. અત્યારે ટેકનિકલી પણ સારી બનતી થઈ છે.
તમે TV અને ફિલ્મોમાં પ્રવૃત છો તો પણ તેના બજારથી મુક્ત રહી વાત કરો છો.

નેહા મહેતા : મારી વિશેષતા જે છે એ જ કદાચ મારી મર્યાદા હશે, પણ ફેલાઈને બધુ કરવાનું મારામાં નથી આવ્યું. મારે રેફરન્સ સાથે TV યા ફિલ્મોમાં કામ કરવું છે. પોતાની જાતને ગમે ત્યાં ફેલાવવા કરતા મળેલા સંસ્કાર પ્રમાણે કામ કરું છું. આપણે જેને કળાનું જગત કહીએ છીએ, તેને લોકો મનોરંજન બિઝનેસ તરીકેય ઓળખે છે. હું ફિલ્મ કે TV ક્ષેત્રને ખરાબ નથી કહેતી. આપણે ખરાબ હોઈએ ને કળાક્ષેત્રને ખરાબ કહીએ તો તે ખોટું છે.

Most Popular

To Top