SURAT

પહેલું પેપર સરળ રહેતાં ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત દેખાયું, ધો. 12ની પરીક્ષા શરૂ

સુરત(Surat): રાજ્યભરમાં આજે તા. 11 માર્ચથી ધો. 10 અને 12 બોર્ડની એક્ઝામ (Board Exam) શરૂ થઈ છે. સવારે ધો. 10નું પ્રથમ પરીક્ષાનું પેપર હતું. ઓવરઓલ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું. બોર્ડ પરીક્ષાનો ડર થોડા અંશે દૂર થયો હતો.

સુરત સહિત જિલ્લામાં આજથી 589 પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.જેમાં પ્રથમ દિવસે ધોરણ 10 નું પ્રશ્નપત્ર સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સ્મિત છલકાઈ આવી હતી. પરીક્ષાનું પ્રશ્નપત્ર પૂર્ણ કર્યા બાદ શાળા બહાર આવેલા વિદ્યાર્થીઓએ હોંશે હોંશે વાલીઓને ભેટી પડ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે પ્રશ્નપત્ર ખૂબ જ સરળ રહ્યું હતું. કેટલાક પ્રશ્ન અઘરા પણ રહ્યા હતા.

પુસ્તક આધારિત પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક પ્રશ્નો અલગ એંગલથી પૂછવામાં આવ્યા હતા. પરંતુ સતત કરેલી તૈયારી અને મહેનતના પગલે પ્રશ્નો ના જવાબ લખવામાં ખૂબ જ સરળતા રહી છે. જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તે ઘણા લાંબા હોવાથી લખવામાં થોડી મહેનત લાગી છે. જેના કારણે સમય પણ વધુ ગયો છે. પરીક્ષાનું પ્રથમ પ્રશ્નપત્રમાં 70 થી 75 માર્કસ આવવાની ધારણા વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પરંતુ ધોરણ 10 ની પરીક્ષા નું પ્રશ્નપત્ર કોર્સ આધારિત પૂછવામાં આવ્યું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

ધો. 10ના પેપરમાં શું પુછાયું?
આજે ધો.10નું પહેલું પેપર પ્રથમ ભાષાનું હતું. ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ વિષયનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ જણાતા હતા. અંગ્રેજી માધ્યમના પેપરમાં વિમેન્સ સ્ટેટસ ઓફ ઇન્ડિયા અને એર પોલ્યુશન પર નિબંધો પૂછાયા હતા. અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ પર તમારા તારણો પર લેટર સ્ટોરી પૂછાઇ હતી. ગુજરાતી માધ્યમમાં દીકરી ઘરની દીવડી, મારો યાદગાર પ્રવાસ અને આપણા ઘડવૈયા બાંધવ આપણે પર નિબંધ પૂછાયો હતો. ગુજરાતી વિષયના પેપરમાં વૃક્ષારોપણ પર અહેવાલ પૂછાયો હતો. પરીક્ષા પદ્ધતિ બદલાઈ હોવાથી વિદ્યાર્થીઓને પેપર વધુ સરળ લાગ્યું હતું.

વિદ્યાર્થી નિયતિ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજનું ગુજરાતીનું પેપર સરળ હતું. વ્યાકરણ થોડું અઘરું હતું. તૈયારી સારી હતી સારું ગયું છે. વિદ્યાર્થિની વૈષ્ણવી શાહે કહ્યું હતું કે, આજનું ગુજરાતીનું પેપર થોડું લાંબુ હતું પરંતુ તૈયારી કરી હોવાથી એ પણ સારું ગયું છે.

બપોરે 3 વાગ્યાથી ધો. 12ની પરીક્ષા શરૂ
સવારે ધો. 10નું પહેલું પેપર પૂરું થયા બાદ બપોરે 3 વાગ્યાથી ધો. 12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા શરૂ થઈ છે. ગુજરાતમાં ધોરણ 12 સાયન્સમાં 1,11,549 વિદ્યાર્થી છે, જેમાંથી 20,438 વિદ્યાર્થી રિપીટર છે. ધોરણ 12 કોમર્સમાં 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 74,547 વિદ્યાર્થી રિપીટર છે. ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે, જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીનો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 506 કેન્દ્ર પર અને 12 સાયન્સની પરીક્ષા 147 કેન્દ્ર પર યોજાઈ રહી છે.

સુરતમાં વાલી-વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ
સુરતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે વાલી અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને ચેક કરી શાળાઓમાં પ્રવેશ અપાયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા શાળાએ પહોંચ્યા હતા. આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પ્રથમ પરીક્ષાની શરૂઆત થઈ છે. ધોરણ 12 સાયન્સનું ફિઝિક્સ અને કોમર્સનું એકાઉન્ટનું પેપર આપવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો.

Most Popular

To Top