Gujarat

સાડા બાર વર્ષની સગીરાને પિતાએ જ બળજબરીથી દેહ વ્યાપારમાં ધકેલી

વડોદરા: સનરાઈઝ કોમ્પલેક્સમાં ધમધમતા કૂટણખાનામાંથી ઝડપાયેલી લલનાઓ પૈકી એક તો માત્ર સાડા બાર વર્ષની જ સગીરા મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. શહેરની સંસ્કારી નગરીની ગરિમા દિન-બ-દિન લજવાઈ રહી હોય તમ ગુનાખોરીનો રેશિયો વધુને વધુ ઊંચે જઈ રહ્યો છે. ગુરુવારની રાત્રે પીસીબીની ટીમે વાઘોડિયા રોડ સ્થિત વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલા સનરાઈઝ કોમ્પ્લેક્સના ફ્લેટ નં.205માં દરોડો પાડ્યો હતો. સુત્રધાર ચંદ્રિકા ઉર્ફે રીટા બાલુભાઈ શાહ સહિત 3 ગ્રાહકો સાથે 7 લલનાઓ પણ મળી આવી હતી.

લાંબા અરસાથી ચાલી રહેલા કૂટણખાનામાંથી રોકડા રૂા.24,300 રૂપિયા 2 ટુવ્હિલર, રીક્ષા, 3 મોબાઈલ સહિત 1 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીઓ વિરુદ્ધ પાણીગેટ પોલીસ મથકમાં ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તથા પોસ્કો એક્ટ અને અપહરણ તથા બળાત્કારનો ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.

સૂત્રધાર ચંદ્રિકા મુંબઈથી 4 અને દિલ્હીથી બે ઉપરાંત સુરથી એક લલનાને દેહવ્યાપાર અર્થે લાવી હતી. તેમાં સુરતની કુમળી કળી જેવી માસૂમ સગીરાની પૂછતાછ કરતા ચોંકવનારો ઘટસ્ફોટ થયો હતો. માત્ર સાડા બાર વર્ષની કિશોરીને તેના સગા પિતા વિમલભાઈ લાલુભાઈ ડોડિયાએ (મૂળ : અમદાવાદ હાલ રહે.સરોલી સુરત) જ અનૈતિક કૃત્ય આચરવા ચંદ્રિકા પાસે જળજબરીથી ધકેલી હતી. ગત રાત્રિ સુધી માત્ર દેહવ્યાપારનો મનાતો ગુનામાં માત્ર સાડા બાર વર્ષની માસૂમ દેહવ્યાપારમાં ધંધામાં મળી આવતા પોલીસતંત્ર પણ ચોંકી ઊઠ્યું હતું.

પોલીસે રાતોરાત દોડધામ મચાવીને માસૂમના હેવાન બાપ વિમલ ડોડિયાને ઊંચકી લીધો હતો. આજે 3 ગ્રાહકો કૂટણખાનાની સંચાલિકા રીટા શાહ તથા તેની સાગરીત મનાતી પાયલ સોની, સગીરાનો પિતા તથા 3 ગ્રાહકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. જે નેગેટિવ આવ્યા બાદ કાનૂની ધરપકડ કરીને ઊંડી તપાસ હાથ ધરાશે તેવું જાણવા મળ્યું હતું.

પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા

કૂટણખાનાની સંચાલિતા ચંદ્રાકિ ઉર્ફે રીટા બાબુભાઈ શાહ (સનરાઈઝ ટાવર, વૈકુંઠ ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) ગ્રાહક બની મોજમજા માણવા ગયેલા મંગલસિંગ ઉર્ફે મંધા કરનેલસિંગ વાલ્મિકી (રહે.નર્સરી પાસે, નિમેટા, મૂળ : પંજાબ) ચરણજીતસિંહ ઉર્ફે કરમસિંગ કુંબોઝ તથા જયેશ જગદીશ મકવાણા (નાથદ્વારા સોસાયટી, તુલજાનગરની બાજુમાં ડભોઈ રોડ) પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે.

ચંદ્રિકાની રાઈટ હેન્ડ પાયલ પણ સકંજામાં

ગ્રાહકોને આકર્ષવા લલનાઓ પાસે ચેનચાળા કરાવતી ચંદ્રિકાના જમણા હાથ સમી મનાતી પાયલ ઉર્ફે પરસોત્તમ સોની પણ તે જ ફ્લેટમાં રહે છે અને દેહવ્યાપારના ધંધામાં ચંદ્રિકાને તમામ પ્રકારની મદદ કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતા પોલીસે પાયલને પણ અટકમાં લીધી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને અન્ય 10 શકમંદોની પણ નામ-ઠામ મળ્યા હોવાનું જાણવા મળતા આગામી દિવસોમાં ધરપકડનો આંકડો વધવાની શક્યતા સેવાઈ રહી છે.

પાયલ સોની સગીરાને બે દિવસ પૂર્વે જ વડોદરામાં લાવી હતી

પખવાડિયા પૂર્વે સગીરાને ભરૂચનો કોઈ દલાલ દેહવ્યાપાર અર્થે લઈ ગયો હતો. ત્યાંથી બે દિવસ પૂર્વે જ વડોદરા પાયલ સોનીના સંપર્ક દ્વારા લવાઈ હતી. સગી પુત્રીને દેહ વ્યાપાર કરાવતા નરાધમ બાપ ફોન પર અને વોટ્સએપ પર મેસેજ કરીને રોજેરોજની કમાણીનો હિસાબ માંગતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે પુરાવારૂપે સગીરાના મોબાઈલમાંથી ચેટિંગના મેસેજ પણ કબજે કર્યા હતા. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, માત્ર બે દિવસના સમયગાળામાં સીગરા સાથે 10 ગ્રાહકોએ કુકર્મ આચર્યું હતું. પોલીસ હવે શોધી શોધીને વાસના ભૂખ્યા વરૂઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરશે.

Most Popular

To Top