Comments

ખિસ્સાને પોસાતી ‘ફાસ્ટ ફેશન’ પર્યાવરણને પરવડે એવી નથી

માનવસંસ્કૃતિનો આરંભ થયો ત્યારથી લઈને આજ સુધી તે સતત પરિવર્તનશીલ રહી છે. વિવિધ બાબતો માનવની જીવનશૈલી પર અસર કરતી અને તેમાં બદલાવ લાવતી આવી છે. અલબત્ત, અત્યાર સુધી પરિવર્તનની ઝડપ ઓછી હતી, જે યાંત્રિકીકરણ પછી વધતી ચાલી. ઈ‍ન્ટરનેટના આગમન પછી, છેલ્લા બે-અઢી દાયકામાં તેની ઝડપ અગાઉ ક્યારેય નહોતી એટલી વધી છે. સ્વાભાવિકપણે જ જીવનનાં અનેકવિધ પાસાં પર તેની અસર પડે. આ અસર વિપરીત છે કે સકારાત્મક એ નક્કી થાય એ પહેલાં તો પરિસ્થિતિ બદલાઈ જાય છે.

બદલાતા યુગના ત્વરિત પરિવર્તનના સૂચક જેવી એવી એક બાબત છે ‘ફાસ્ટ ફેશન’. અત્યાર સુધી ‘ફેશન’ શબ્દ ચલણમાં હતો, જેનું સ્થાન હવે આ શબ્દે લીધું છે. તેનો સાદો અર્થ થાય ‘સસ્તામાં તૈયાર થયેલાં અને એવા જ દરે વેચાતાં વસ્ત્રો, જે અદ્યતન શૈલીનાં વસ્ત્રોની નકલ જેવાં હોય છે અને પ્રવર્તમાન પ્રવાહ સાથે તાલ મિલાવવા માટે તે દુકાનોમાં ઝડપભેર અને જથ્થાબંધ ઠાલવવામાં આવે છે.

નામ મુજબ તેમાં ડિઝાઈન, ઉત્પાદન, વિતરણ અને વેચાણ- બધું જ ઝડપી હોય છે. આશય એ કે છૂટક વ્યાપારીઓ વધુ પ્રમાણમાં વૈવિધ્યવાળાં વસ્ત્રો મોટા જથ્થામાં ખરીદે અને ગ્રાહકો સસ્તી કિંમતે વધુ ફેશનેબલ તેમજ વૈવિધ્યયુક્ત વસ્ત્રો ખરીદી શકે. ‘ફાસ્ટ ફેશન’ શબ્દ 1990ના દાયકામાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ‘ઝારા’ નામની બ્રાન્ડના આરંભ ટાણે ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ અખબાર દ્વારા ચલણી બનાવાયો હતો. ડિઝાઈનના તબક્કાથી સ્ટોર સુધી ફક્ત પંદર દિવસમાં વસ્ત્રને પહોંચાડવાના ‘ઝારા’ના મિશન માટે આ શબ્દ વપરાયો હતો. આજે વિશ્વભરમાં ‘ઝારા’, ‘ફોરએવર 21’, ‘એચ એન્ડ એમ’, ‘યુનિક્લો’ જેવી બ્રાન્ડ ‘ફાસ્ટ ફેશન’ ક્ષેત્રે અગ્રણી ગણાય છે, જે ભારતમાં પણ કાર્યરત છે. ભારતમાં  ‘ઝુડિઓ’ સહિત અનેક બ્રાન્ડ ઝડપભેર લોકપ્રિય બની રહી છે.

આ બ્રાન્ડનું મુખ્ય લક્ષ્ય યુવા ગ્રાહકવર્ગ છે. ‘ફાસ્ટ ફેશન’ના આ ચલણને મુખ્યત્વે આર્થિક બાબત સાથે જોડવામાં આવે છે, પણ તેને પર્યાવરણ પર પડતી વિપરીત અસર અંગે ભાગ્યે જ ચર્ચા થાય છે. ‘યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ’ (યુ.એન.ઈ.પી.)ના જણાવ્યા અનુસાર આ ઉદ્યોગમાં પાણીનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને આશરે દસ ટકા કાર્બનનું તે ઉત્સર્જન કરે છે. તમામ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો અને દરિયાઈ જહાજો મળીને સંયુક્તપણે કાર્બન ઉત્સર્જિત કરે તેના કરતાં પણ આ પ્રમાણ વધુ છે.

એક અંદાજ અનુસાર એક સુતરાઉ ખમીસ તૈયાર કરવા માટે આશરે સાતસો ગેલન પાણીની અને જિન્સનું એક પેન્ટ તૈયાર કરવા માટે આશરે બે હજાર ગેલન પાણીની જરૂર પડે છે. એક ગેલન એટલે ૩.૭૮ લિટર. આ પાણીનો પુન:ઉપયોગ કરી શકાતો નથી. આ ઉપરાંત આ બનાવટોમાં પોલિએસ્ટર, નાયલોન અને એક્રિલીક જેવા કૃત્રિમ રેસાનો ઉપયોગ થાય છે, જેનું વિઘટન થતાં સેંકડો વર્ષ લાગે છે. ‘ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર’ (આઈ.યુ.સી.એન.)ના 2017ના એક અહેવાલ અનુસાર દરિયામાંથી મળી આવતા તમામ પ્રકારના માઈક્રોપ્લાસ્ટિક પૈકીનો 35 ટકા જથ્થો પોલિએસ્ટર જેવા કૃત્રિમ કપડાંનો હોય છે.

2015માં રજૂઆત પામેલા ‘ધ ટ્રુ કોસ્ટ’ નામના એક દસ્તાવેજી ચિત્રમાં જણાવાયા અનુસાર વિશ્વભરમાં પ્રતિ વર્ષ આઠ હજાર કરોડ નંગ વસ્ત્રોનો ઉપાડ થતો હતો. વીસ વર્ષ અગાઉ થતા વપરાશની સરખામણીએ એ ચારસો ટકા વધુ છે. એક સરેરાશ અમેરિકન પ્રતિ વર્ષ 82 પાઉન્ડ (આશરે 37 કિલો) કપડાંનો કચરો પેદા કરે છે. તદુપરાંત પ્લાસ્ટિકના રેસાને કાપડમાં તબદીલ કરવાની પ્રક્રિયા પુષ્કળ ઊર્જા માગી લે છે, જેને પેદા કરવા માટે અઢળક પેટ્રોલિયમની જરૂર પડે છે અને તે વિવિધ હાનિકારક પદાર્થોનું ઉત્સર્જન કરે છે.

આ વિકરાળ સમસ્યાનો કોઈ ઉકેલ ખરો? કોઈ પણ સમસ્યાના ઉકેલ તરફનું પહેલું પગલું તેની ઓળખનું અને એ પછી તેના સ્વીકારનું છે. જે ઝડપે ‘ફાસ્ટ ફેશન’નો વ્યાપ વધતો ચાલ્યો છે એ જોતાં અત્યાર સુધી પર્યાવરણને અનેકગણું નુકસાન તેનાથી થઈ ગયું છે. જેટલી ઝડપથી ‘ફાસ્ટ ફેશન’ને ડામવાના ઉપાય આરંભવામાં આવે એ પૃથ્વી માટે, એટલે કે આપણા સૌ માટે હિતકારી છે. સ્વાભાવિકપણે જ ‘ફાસ્ટ ફેશન’ની પ્રતિક્રિયારૂપે ‘સ્લો ફેશન’નો વિચાર અનુકૂળ છે. વધુ પડતા ઉત્પાદન, વળગણયુક્ત બનેલી ખરીદીની આદત અને અત્યંત સંકુલ એવી પુરવઠાકડી પર અંકુશ મૂકવામાં આવે તો પર્યાવરણને ઓછું નુકસાન થાય.હવે ઘણી વેબસાઈટ પર વપરાયેલાં વસ્ત્રો વેચાતાં થયાં છે અને લોકો સારી સ્થિતિમાં હોય એવાં વસ્ત્રો ઓછી કિંમતે ખરીદે છે. અમુક પ્રદેશમાં વસ્ત્રો ભાડે લાવવાનું ચલણ શરૂ થયું છે.

આ અને આવા તમામ પ્રયત્નો કદાચ જરૂરી છે, પણ પર્યાપ્ત નથી. ફાટેલા આકાશમાં થીંગડાં મારીએ તો પણ કેટલાં? સરકાર તરફથી કેટલીક માર્ગદર્શિકાઓ તૈયાર થવી જોઈએ અને તેનો કડકાઈથી અમલ થવો જોઈએ. આ બાબતે પ્રથમ વિશ્વના વિકસિત દેશો પણ તૈયાર થઈ શક્યા નથી, ત્યાં ભારત જેવા દેશમાં તેની નીતિઓ ઘડાય એ બાબત મુશ્કેલ જણાય છે.

છેવટે આખી વાત ગ્રાહક પર, ઉપભોક્તા પર એટલે કે આપણા સૌ પર આવીને અટકે છે. આપણે ‘ફાસ્ટ ફેશન’ને માત્ર ‘કિફાયત ભાવે મળતાં ફેશનેબલ વસ્ત્રો’ની દૃષ્ટિએ જોવાનું બંધ કરીને તેને ‘પર્યાવરણના દુશ્મન’ માનીને તેનો ઉપયોગ ઘટાડવો પડશે. જો કે, આક્રમક માર્કેટિંગ, ઓછા પૈસે ભપકો દેખાડવાની મળતી તક અને તેને પગલે ઊભી થતી આભાસી ઈજ્જતઆબરૂ આપણને એમ કરવા દેશે કે કેમ એ સવાલ છે.    
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top