Charchapatra

ભારતના યાદગાર વડા પ્રધાન

ભારતના રાજકારણના ઇતિહાસમાં યાદગાર વડા પ્રધાનની નામાવલીમાં મોરારજી દેસાઈનું નામ અવશ્ય આવશે. ભારતના ચોથા વડા પ્રધાનનો જન્મ 29 ફેબ્રુ 1896ના રોજ થયો હતો. દેશના આ સ્વાતંત્ર્ય સેનાની 1977 થી 79 સુધી દેશના વડા પ્રધાનના પદ પર બિરાજમાન હતા. આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે પણ મોરારજી દેસાઈ તેમના હકારાત્મક શાંતિ પ્રયત્નો માટે જાણીતા હતા અને 1974માં ભારતના પ્રથમ અણુધડાકા પછી મોરારજી દેસાઈએ ચીન-પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ માત્ર એક એવા વ્યક્તિ હતા કે જેઓ ભારત દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન (1990)મા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહાન નેતાનું અવસાન 10 એપ્રિલ 1995ના રોજ થયું હતું. આજે પણ બે રૂપિયા અને 20 પૈસામાં ખાંડ આપનાર મોરારજીને યાદ કરે છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સીનીયર સિટીઝન મંડળો
નજીકના ભૂતકાળમાં શ્રી પરેશભાઈ ભાટિયા અને શ્રી સુભાષભાઇ ભટ્ટનાં ચર્ચાપત્રો ઉપર્યુક્ત વિષય પર પ્રકાશિત થયાં. હું બે સીનીયર સિટીઝન મંડળમાં સભ્ય છું અને તેમના વિશે વાત કરીશ. ૧. સીનીયર સિટીઝન એસેમ્બ્લી અઠવાલાઇન્સ, સુરત, જેની સ્થાપનાને તા.૮ એપ્રિલ ૨૦૨૪ને દિવસે ૧૮ વર્ષ પૂરાં થયાં અને ૧૯મા વર્ષમાં પ્રવેશ કર્યો. પહેલાં મહિનામાં બે કાર્યક્રમો યોજાતા હતા, હવે એક યોજાય છે અને તે વનિતા વિશ્રામના શિવ ગૌરી હોલમાં આયોજિત થતા હોય છે.

આ મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ વકીલની ઉંમર ૯૪ વર્ષની છે અને હજુ પણ એક્ટિવ છે. પ્રમુખીય ઉદ્બોધન  ટૂંકું ટચ કેવું હોઈ શકે તે તેમની પાસે શીખવા જેવું છે. આ મંડળમાં કુલ  ૨૪૦ થી વધુ સભ્યો છે અને તેમાં ૭૫ વર્ષ કરતાં વધુની ઉંમરના સભ્યોની સંખ્યા સારી જેવી છે. દરેક કાર્યક્રમને અંતે સુંદર ભોજનનું પણ આયોજન થતું હોય છે. દરેક કાર્યક્રમમાં મોટા ભાગના સીનીયર સિટીઝન જે સભ્ય હોય તે હાજર રહીને આનંદ ઉઠાવે છે. ૨. વૈષ્ણવ વરિષ્ઠ પરિવાર. આ મંડળની સ્થાપના ૧ ઓગસ્ટ ૨૦૧૩ ને દિવસે થઈ હતી. વર્ષમાં થઈ હતી. અહીં દર મહિને એક કાર્યક્રમ સુરત મહાનગરપાલિકાના અડાજણ સ્થિત ઈશિતા પાર્કમાં યોજાય છે.

પ્રમુખ શ્રી કિરીટભાઇ પચ્ચીગર છે. કુલ સભ્ય સંખ્યા  ૨૦૦ થી વધુ     છે અને ૭૫ વર્ષની ઉપરનાં સભ્યોની સંખ્યા સારી જેવી છે. દર મહિને સુંદર કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. દરેક કાર્યક્રમને અંતે સુંદર ભોજનનું પણ આયોજન થતું હોય છે. અહીં પણ સિનિયર સિટીઝન સભ્યો હાજર રહીને કાર્યક્રમનો આનંદ ઉઠાવે છે અને ભોજનને ન્યાય આપે છે. બંને મંડળોમાંથી વર્ષમાં એક વાર સભ્યોને સુંદર ગિફ્ટ આપવામાં આવે છે. સિનિયર સિટીઝન જુદાં જુદાં મંડળોમાં સભ્ય બની જિંદગીનો આનંદ માણે એ અગત્યનું છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે. 

Most Popular

To Top