National

પ.બંગાળમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે જગ્યાએ પથ્થરમારો અને આગજની, 18 ઘાયલ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) મુર્શિદાબાદમાં (Murshidabad) ગઇકાલે 17 એપ્રિલે રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. તેમજ આ હિંસક અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ સાથે જ મેદિનીપુરમાં (Medinipur) પણ આગજની કરીને રામનવમીની શોભાયાત્રાનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આ ઘટના ગઇકાલે બુધવારે સાંજે બની હતી. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવની સ્થિતી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો ધાબા પરથી પથ્થરમારો કરતા જોવા મળે છે. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા.

મેદિનીપુરના ઇગ્રામાં પણ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી અને આગચંપી કરવામાં આવી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 18 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમાં બે સગીર, એક મહિલા અને કેટલાક પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

ભાજપ મમતા સરકાર પર ગુસ્સે છે
પોલીસના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે અને વધારાના પોલીસ દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘાયલ લોકોને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હિંસાની આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર મમતા સરકાર પર નારાજ છે. ભાજપનો આરોપ છે કે મુર્શિદાબાદમાં હિંસા માટે મમતા સરકાર જવાબદાર છે. હાલમાં મમતા બેનર્જી હિંસા પર મૌન છે. જો કે મમતાએ થોડા દિવસો પહેલા રામ નવમી પર હિંસાનો ભય વ્યક્ત કર્યો હતો.

પોલીસ પર પક્ષપાતનો આરોપ
પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે રામ નવમીની શોભાયાત્રા કાઢવા માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે, મુર્શિદાબાદના શક્તિપુર, બેલડાંગામાં રામ નવમીની શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીએ પોલીસ પર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસે રામ ભક્તો પર ટીયર ગેસના શેલ છોડ્યા જેથી શોભાયાત્રા તરત જ પૂર્ણ કરવામાં આવે.

CMએ કોમી રમખાણો ફાટી નીકળવાની ચેતવણી આપી હતી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુર્શિદાબાદમાં રામ નવમી પર કોમી રમખાણો ફાટી નીકળવાની ચેતવણી આપ્યાના થોડા દિવસો બાદ જ આ ઘટના બની છે. સીએમ મમતાએ સોમવારે કહ્યું હતું કે, “આજે પણ મુર્શિદાબાદના ડીઆઈજીને ભાજપના નિર્દેશ પર જ બદલવામાં આવ્યા હતા.

હવે જો મુર્શિદાબાદ અને માલદામાં રમખાણો થશે તો તેની જવાબદારી ચૂંટણી પંચની રહેશે. ભાજપ તોફાનો અને હિંસા ભડકાવવા પોલીસ અધિકારીઓને બદલવા માંગતી હતી. જો એક પણ હુલ્લડ થાય તો ECI જવાબદાર રહેશે કારણ કે તેઓ અહીં કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખે છે.”

Most Popular

To Top