Columns

ભારતના વિપક્ષો કેમ મતપત્રકો દ્વારા ચૂંટણી કરાવવાનો આગ્રહ રાખે છે?

ભારતની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઇવીએમ) વિરુદ્ધ મતપત્રકોનો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારતના વિપક્ષોને પાકી શંકા છે કે વર્ષ ૨૦૧૪ અને ત્યાર પછીની ચૂંટણીઓમાં ભાજપનો ઝળહળતો વિજય થયો તેમાં તેની લોકપ્રિયતા કરતાં ઇવીએમનો ફાળો વધુ હતો. ભારતમાં જ્યારે જ્યારે ચૂંટણી થાય ત્યારે ત્યારે જીતનારા ઉમેદવાર અને હારનારા ઉમેદવાર વચ્ચે સરેરાશ પાંચથી દસ ટકા મતોનું જ અંતર રહેતું હોય છે. જો ઇવીએમના માધ્યમથી આ પાંચથી દસ ટકા મતોને પલટી નાખવામાં આવે તો હારજીતની બાજી પણ પલટાઇ જતી હોય છે.

દુનિયામાં સંખ્યાબંધ હેકરો સાબિત કરી ચૂક્યા છે કે ઇવીએમને પણ હેક કરી શકાય છે. ચૂંટણી પંચની ટ્રાયલમાં ઘણાં ઇવીએમ એવાં જોવા મળ્યાં હતાં, જેમાં કોઈ પણ બટન દબાવવામાં આવે તો પણ મત કમળને જ મળતો હતો. ઇવીએમમાં ગરબડ કરવાના ઘણા તરીકા છે. તેમાંનો એક તરીકો મતદાન પછી આખું ઇવીએમ બદલી નાખવાનો છે. જે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ રાખવામાં આવ્યાં હોય ત્યાં તે જ નંબરના ઇવીએમ અગાઉથી ગોઠવી દેવાતાં હોય છે. જ્યારે મતગણતરી કરવાની હોય ત્યારે અગાઉથી તૈયાર કરાયેલાં ઇવીએમ ગોઠવી દેવામાં આવે છે, જેમાં બહુમતી મતો ભાજપની તરફેણમાં નાખવામાં આવેલા હોય છે.

વિપક્ષો દ્વારા જ્યારે ઇવીએમનો વિરોધ વધી ગયો ત્યારે વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેઇલ (વીવીપેટ) નામની સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, જેમાં મતદાતા બટન દબાવે તે પછી મશીનમાં એક કાગળની કાપલી છપાતી હોય છે, જેમાં મતદાતા ચેક કરી શકે છે કે તેણે જે મત આપ્યો છે તે કોને મળ્યો છે. જ્યારે મતોની ગણતરી કરવામાં આવે ત્યારે અમુક ટકા વીવીપેટની મેળવણી ઇવીએમમાં પડેલા મતો સાથે કરવામાં આવે છે અને તેમાં ગોલમાલ દેખાય તો ફરીથી મતદાનનો આદેશ આપવામાં આવે છે. વિપક્ષો હવે માગણી કરી રહ્યા છે કે હવે વીવીપેટના ૧૦૦ ટકાની મેળવણી કરવામાં આવે. લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે ઇવીએમનું શું કરવું તેનો નિર્ણય હવે સુપ્રીમ કોર્ટે કરવાનો છે.

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં તમામ VVPAT સ્લિપને EVM વોટ સાથે મેચ કરવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પણ મોકલી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ નિર્ણયનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે ૧૦૦ ટકા VVPATનો ઉપયોગ ઈવીએમમાં ​​જનતાનો વિશ્વાસ વધારવા અને ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે થવો જોઈએ.

જ્યારે મતદાર ઇવીએમમાં ​​બટન દબાવશે અને તેના મનપસંદ ઉમેદવારને મત આપે છે ત્યારે તરત જ કાગળની સ્લિપ જનરેટ થાય છે, જેમાં ઉમેદવારને મત આપવામાં આવ્યો છે તેનું નામ અને ચૂંટણી ચિહ્ન તેના પર છપાયેલા હોય છે. તેની સાથે સીરીયલ નંબર પણ લખેલ હોય છે. VVPAT મશીનમાં લગાવેલા કાચની સ્ક્રીન પર મતદાર આ સ્લીપ જોઈ શકે છે. આ સ્લિપ સાત સેકન્ડ માટે દેખાય છે.

સાત સેકન્ડ પછી સ્લિપ કાપીને VVPATના ડ્રોપ બોક્સમાં પડે છે, જે સીલ રહે છે. માત્ર પોલિંગ ઓફિસર જ આ બોક્સ ખોલી શકે છે. ચૂંટણી પંચે ૨૦૧૯માં VVPAT અંગે સૂચનાઓ આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી તમામ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં મતોની ચકાસણી માટે પાંચ રેન્ડમ મતદાન મથકોની VVPAT પેપર સ્લિપને EVM મશીનોના મતો સાથે મેચ કરવામાં આવશે.  મતગણતરીના છેલ્લા રાઉન્ડ પછી સંબંધિત રિટર્નિંગ ઓફિસર ચિઠ્ઠીઓના ડ્રો દ્વારા જેમાં વીવીપેટથી ચકાસણી કરવાની છે તેવા પાંચ રેન્ડમ મતદાન મથકોની પસંદગી કરે છે.

તાજેતરની અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે માત્ર પાંચ નહીં પરંતુ તમામ મતદાન મથકોની VVPAT પેપર સ્લિપને EVMમાં પડેલા મત સાથે મેચ કરવામાં આવે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે અંદાજે ૨૪ લાખ VVPAT ખરીદવા માટે ૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ બેઠક દીઠ માત્ર ૨૦,૦૦૦ VVPAT સ્લિપની જ ચકાસણી થાય છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને તેમનો જવાબ માંગ્યો છે.

VVPAT સિસ્ટમનો ઉપયોગ થોડાં વર્ષો પહેલાં જ વ્યાપક સ્તરે થવા લાગ્યો છે. આ મશીનને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ૨૦૧૩માં ડિઝાઈન કરવામાં આવ્યું હતું. તે જ વર્ષે નાગાલેન્ડની ચૂંટણીમાં તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને VVPAT મશીન બનાવવા અને તેના માટે પૈસા આપવાનો આદેશ આપ્યો. જૂન ૨૦૧૭ થી તમામ ચૂંટણીઓમાં મતદાન મથકો પર EVM સાથે VVPAT નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૦૧૯ માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં તમામ મતદાન મથકો પર VVPAT નો ઉપયોગ શરૂ થયો હતો.

VVPAT સ્લિપનું વેરિફિકેશન કાઉન્ટિંગ હોલમાં સુરક્ષિત VVPAT કાઉન્ટિંગ બૂથની અંદર કરવામાં આવે છે. ફક્ત અધિકૃત કર્મચારીઓને જ આ બૂથમાં પ્રવેશવાની મંજૂરી છે. પરિણામોના એકત્રીકરણની પ્રક્રિયા પૂર્ણ થયા પછી રિટર્નિંગ ઓફિસર મતવિસ્તારનું અંતિમ પરિણામ જાહેર કરે છે. ઘણી વાર VVPAT સ્લિપનાં પરિણામો અને તેના સંબંધિત EVMના મત સમાન હોય છે. પરંતુ જો આ પરિણામો અલગ હોય તો ચૂંટણીના નિયમોના નિયમ ૫૬D (૪) (b) જણાવે છે કે આવા કિસ્સામાં VVPAT સ્લિપનું પરિણામ અંતિમ માનવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ પિટિશનર એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે અમે અમારા જીવનના છઠ્ઠા દાયકામાં છીએ. અમે બધા જાણીએ છીએ કે જ્યારે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવતું હતું ત્યારે શું સમસ્યાઓ આવતી હતી. પ્રશાંત ભૂષણ દલીલ કરી રહ્યા હતા કે કેવી રીતે મોટા ભાગના યુરોપિયન દેશો પેપર બેલેટ પર પાછા ફર્યા છે. પ્રશાંત ભૂષણે કહ્યું કે આપણે પેપર બેલેટ પર પાછા જઈ શકીએ છીએ.

બીજો વિકલ્પ EVM દ્વારા મતદાન કરતી વખતે મતદારોને VVPAT સ્લિપ આપવાનો છે. એવી પણ શક્યતા છે કે મશીનમાં કાપલી પડી જાય અને આ પછી મતદારની કાપલી મળી જાય તે પછી તેને મતપેટીમાં મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે આ VVPAT સ્લિપ મતદારોના હાથમાં આપવી જોઈએ. VVPATની ડિઝાઈન બદલવામાં આવી હતી. તે પારદર્શક કાચની હોવી જોઈતી હતી. પરંતુ તેને ડાર્ક અપારદર્શક મિરર ગ્લાસમાં બદલી દેવામાં આવી હતી. તેમાં જ્યારે સાત સેકન્ડ માટે લાઇટ થાય છે ત્યારે જ બધું દેખાય છે. સાત સેકન્ડનો ગાળો બહુ નાનો છે. વીવીપેટમાં પારદર્શક કાચને બદલે અપારદર્શક કાચ લગાવવા પાછળનો ઇરાદો પણ સમજાતો નથી.

પ્રશાંત ભૂષણે જ્યારે જર્મનીનું ઉદાહરણ આપ્યું તો જસ્ટિસ દીપાંકર દત્તાએ પૂછ્યું કે જર્મનીની વસ્તી કેટલી છે? પ્રશાંત ભૂષણે જવાબ આપ્યો કે તે લગભગ છ કરોડ છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે દેશમાં કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા ૯૭ કરોડ છે. જ્યારે એક અરજીકર્તાના વકીલ સિનિયર એડવોકેટ સંજય હેગડેએ કહ્યું કે EVM પર પડેલા વોટ VVPAT સ્લિપ સાથે મેળ ખાતા હોવા જોઈએ, જેના પર જસ્ટિસ ખન્નાએ જવાબ આપ્યો કે તમે કહેવા માંગો છો કે ૬૦ કરોડ VVPAT સ્લિપની ગણતરી થવી જોઈએ? આ વાત માનવીય રીતે શક્ય જ નથી. લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં આ કેસનો ચુકાદો આવે તે પહેલાં જ ઇવીએમના ઉપયોગ વડે ચૂંટણી પૂરી થઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top