Editorial

આગામી વર્ષોમાં પરિવારોએ વૃદ્ધોની સારવાર માટેની નાણાકીય જોગવાઈઓ કરવી પડશે

ભારતની વસતી હાલમાં ભલે 140 કરોડથી પણ વધારે ગણાતી હોય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં જન્મદર ઘટવા માંડ્યો છે. જે પ્રમાણમાં ભૂતકાળમાં બાળકોના જન્મ થતાં હતાં તે પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે ભારતમાં પ્રત્યેક પરિવારોમાં સંતાનોની સંખ્યા 4થી વધુ જોવા મળતી હતી. આજે એક અને વધુમાં વધુ બે જ સંતાનો જોવા મળી રહ્યા છે.

આ કારણે ભારતમાં ભવિષ્યમાં યુવાનોની સંખ્યા ઘટે અને તેની સામે વૃદ્ધોની સંખ્યા વધશે તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. આ કારણે જ એવું મનાઈ રહ્યું છે કે આગામી 20 વર્ષમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા ત્રણ ગણી થઈ જશે. તેમાં પણ બે કે તેથી વધુ રોગથી પિડીત હોય તેવા વૃદ્ધોની સંખ્યા ઘણી વધારે થશે. જો સરકાર અત્યારથી જ વૃદ્ધોના સ્વાસ્થ્ય મામલે પગલા નહીં ભરે તો આગામી દિવસોમાં સરકારી હોસ્પિટલો પર મોટો બોજો આવે તેવી સંભાવના એક અભ્યાસમાં વ્યક્ત કરવામાં આવી છે.

તાજેતરમાં દિલ્હીના મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ડોકટરો દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેને ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે. લોકનાયક હોસ્પિટલમાં દાખલ થયેલા એક હજાર જેટલા વૃદ્ધોની દવાઓના માટે થતાં ખર્ચનું વિશ્લેષણ કરીને આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ વૃદ્ધોને 127 જેટલા ફોર્મ્યુલેશનની 8366 દવાઓ આપવામાં આવી હતી અને તેની પાછળ 10.87 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

અભ્યાસ પ્રમાણે આ ખર્ચમાં 91 ટકા જેટલો દવાનો ખર્ચ પાચન તંત્ર સિવાયના પેરેન્ટલ માર્ગો દ્વારા આપવામાં આવતી દવાઓ પર કરવામાં આવ્યો હતો. એક કરતાં વધુ બીમારીના કારણે દાખલ થનારા વૃદ્ધ દર્દીઓમાં દવાનો ખર્ચ વધારે હતો. સરકારી હોસ્પિટલોમાં નર્સિંગ, ડોકટરોની સલાહ તેમજ તપાસ મફત છે. તે સંજોગોમાં આટલો ખર્ચ થયો છે. સંયુક્ત રાષ્ટ્રના વસતી વિભાગના અંદાજ પ્રમાણે, 2050 સુધીમાં ભારતમાં વૃદ્ધોની વસતી 30 કરોડથી પણ વધારે થશે. હાલમાં આ વસતીનો આંક 10 કરોડ છે. વૃદ્ધોની સંખ્યા વધે તો રાષ્ટ્રીય સ્તરે મોટી સરકારી હોસ્પિટલોનો ખર્ચ કરોડોમાં થઈ શકે છે. સંભવત: 20 વર્ષમાં આ ખર્ચ 400 ગણો વધી શકે છે.

આ કારણે જ સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે વૃદ્ધો માટે દવાની નીતિ બનાવવામાં આવે અને વૃદ્ધો માટે દવાઓ પરના ખર્ચ પર દેખરેખ રાખવા માટે તબીબો દ્વારા માંગણી કરાઈ રહી છે. તબીબો કહી રહ્યા છે કે આ બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ. એક અંદાજ પ્રમાણે ભારતમાં 2030 સુધીમાં વૃદ્ધો પર કરાતા ખર્ચનો આંક કુલ ખર્ચના 45 ટકા પર પહોંચવાની સંભાવના છે. જે પરિવારોમાં વૃદ્ધ છે તે પરિવારો દ્વારા જે પરિવારોમાં વૃદ્ધ નથી તે પરિવારો કરતાં 3.8 ગણો વધુ ખર્ચ કરવામાં આવે છે. આવા પરિવારો દ્વારા તેમની આવકના 13 ટકા જેટલો ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે.

જે લોકનાયક હોસ્પિટલમાં દાખલ વૃદ્ધો પાછળ અભ્યાસ કરવામાં આવ્યો તે વૃદ્ધો પૈકી ચાર વૃદ્ધ દર્દીમાંથી ત્રણને એક કરતાં વધુ બીમારી હતી. 74.7 ટકા દાખલ દર્દીઓમાં એકથી છ જેટલા રોગ જોવા મળ્યા હતા. ચારમાંથી એક દર્દી હ્રદયરોગથી પીડિત જોવા મળ્યો હતો. જ્યારે મોટાભાગનામાં ફેફસાને લગતી બીમારીઓ જોવા મળી હતી. આ આંકડાઓ અને અભ્યાસ જોતાં સરકાર તો વડીલોના આરોગ્ય પાછળ આયોજનો કરવા જ પડે તેમ છે પરંતુ પ્રત્યેક પરિવારે પણ પરિવારમાં રહેલા વૃદ્ધોના આરોગ્ય માટે ચોક્કસ રકમની જોગવાઈ કરવી પડે તેમ છે. હાલમાં આયુષ્યમાન કાર્ડના આધારે સારવારો થઈ રહી છે પરંતુ એ વાત પણ એટલી સમજવી પડે તેમ છે કે આયુષ્યમાન કાર્ડ સામાન્ય બીમારીઓમાં કામ લાગી શકતું નથી. જેથી સામાન્ય બીમારીઓ માટે પણ જે તે પરિવારે નાણાકીય જોગવાઈઓ કરવી જ પડે તેમ છે.

પ્રત્યેક વ્યક્તિએ પોતાના વૃદ્દાવસ્થામાં આરોગ્ય માટે કામ લાગી શકે તે રીતે અત્યારથી જ ભંડોળનું આયોજન કરવું પડશે. આ માટે અત્યારથી જ બચતની શરૂઆત કરવી પડશે. સરકાર દ્વારા પગલાઓ લેવામાં આવશે ત્યારે લેવાશે પરંતુ પ્રત્યેક વ્યક્તિએ પોતાના માટે આ જોગવાઈ કરવી પડે તેમ છે. બીજી તરફ સરકારે પણ આ મામલે ગંભીરતા બતાવીને સામાન્ય સારવાર પણ નિ:શુલ્ક અથવા તો ઓછા ખર્ચે થાય તેવા આયોજનો હોસ્પિટલોમાં કરવા પડશે. ખાનગી હોસ્પિટલો પણ ઓછા ખર્ચે સારવાર કરે તેવું આયોજન સરકારે કરાવવું પડશે. જે તે વ્યક્તિએ આ સાથે પોતે ફિટ રહે તેવા આયોજનો પણ નાની ઉંમરથી જ કરવા પડે તેમ છે. જો આમ થશે તો જ જે તે પરિવાર વૃદ્ધોના આરોગ્ય પાછળનો ખર્ચ કરી શકશે. અન્યથા જે તે વૃદ્ધ માટે આરોગ્યના મામલે સ્થિતિ કફોડી થશે તે નક્કી છે.

Most Popular

To Top