SURAT

સુરતમાં રીંગ રોડની હાલત બદતર, ચંદ્ર પર યાન ઉતરી શકે પણ અહીં મોપેડ પણ ચલાવવું કપરૂં

સુરત: સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ (SuratMetroProject) માટે વર્ષ ઉપરાંતથી ભારે હાલાકી ભોગવી રહેલી શહેરની પ્રજાની પરેશાનીઓનો પાર જ નથી આવતો. મેટ્રોના કામ માટે શહેરમાં તાણી બંધાયેલા બેરિકેડ અને શહેરની ખાડે ગયેલી ટ્રાફિક (Traffic) સિસ્ટમના પાપે નાગરિકો તોબા પોકારી ચૂક્યા હતા તેવામાં વરસાદે (Rain) શહેરનાં રસ્તા ધોઈ નાંખ્યા.

કરોડોના ખર્ચે તૈયાર થયેલા રિંગરોડની હાલત તો એટલી બદતર થઈ છે કે ટુ વ્હીલર ધરાવતા વાહનચાલકોની કમર તૂટી જાય છે, જયારે ફોરવ્હીલર ધરાવનાર તો બેરિકેડ, રોડ સાઈડના દબાણો અને ટ્રાફિકજામની વચ્ચે તૂટેલા રસ્તાઓ પરથી આગળ નીકળતા દમ ફૂટી જાય છે.

શહેરના વિકાસ માટે નાગરિકો મેટ્રોના બેરિકેડનો ત્રાસ સહન કરી રહ્યાં છે પરંતુ મ્યુ. તંત્ર શહેરજનોને સારાં અને દબાણ વગરના રસ્તા તો પૂરી પાડવાની જવાબદારી નિભાવવામાંથી સદંતર ઊણું ઉતર્યું છે, હદ તો ત્યાં થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ વરસાદમાં ધોવાયા તેની સાથે તંત્ર અને ભાજપ (BJP) શાસકોની આબરૂનું પણ ધોવાણ થયું છે તેમ છતાં વહીવટી તંત્રનો કાગળ પરનો રિપોર્ટ એવું કહે છે, કે માત્ર અડધો કિલોમીટર નવા બનેલા રસ્તા જ તૂટ્યા છે, જે વાત ગધેડાને પણ ગળે ઊતરે તેવી નથી!

એટલું જ નહીં વરસાદ બંધ થાય કે ત્રણ દિવસમાં રસ્તાઓ રીપેર થઇ જશે તેવો દાવો શાસકો દ્વારા કરાયો હતો, પરંતુ વરસાદ બંધ થયાના અઠવાડિયા પછી પણ અનેક મુખ્ય રસ્તાઓની હાલત પણ એટલી હદે ખરાબ છે, કે ત્યાંથી વાહન લઇને નીકળવું એટલે હાડકાંઓ ભાંગી જાય તેવું લાગે છે. રિંગરોડ પર કયારેક સી.સી.રોડ હતો તે વાત સપના જેવી લાગે છે.

એક બાજુ સુરતને વૈશ્વિક સ્તરની સુવિધા ધરાવતા શહેર તરીકે ઓળખાવતા શાસકોને શરમ આવવી જોઇએ કે જે શહેરનો ધોરી માર્ગ ગણાય છે અને જ્યાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે તે રીંગ રોડની હાલત ચંદ્રની ધરતી જેવી થઇ ચૂકી છે. વરસાદ બંધ થાય ત્યારે પ્રાયોરિટીના ધોરણે આવા રસ્તાઓ પર પેચવર્ક થવું જોઇએ તેટલી સાચી સમજ પણ આ તત્રવાહકોમાં ના હોય તેમ નાના-નાના રસ્તાઓના રિપેરીંગની પ્રેસ રિલિઝ આપતાં અધિકારીઓ શું રીંગ રોડ જેવા મહત્વના રસ્તાને ભૂલી જ ગયા છે કે શું ?

ભાજપને ખોબે ને ખોબે મત આપનારા શહેરીજનો માત્ર એટલી અપેક્ષા રાખે છે કે, મેટ્રોની મોંકાણ અને દબાણો વચ્ચે જે રસ્તો બચ્યો છે તે ચાર-પાંચ મીટરના રસ્તાઓ પર તો વાહન લઇને નીકળી શકાય તેવા સારા રહે તેવી કાળજી લો, કે પછી તંત્રવાહકો એટલી પણ પરવા શહેરીજનોની કરવા માંગતા નથી?

Most Popular

To Top