Comments

દ્વિભાષી માધ્યમનું ગર્ભધારણ સુરતની શાળાઓમાં થયું છે…!

તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે, સમગ્ર રાજયની શાળાઓમાં દ્વિભાષી માધ્યમને મંજૂરી આપવાનો એક મહત્વનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ૨૯ જુલાઇ-૨૦૨૧ ના રોજ મા.શિક્ષણમંત્રીશ્રીએ પરિપત્ર બહાર પાડી આ ઇનોવેટીવ આઇડયાની જાહેરાત કરી છે. દ્વિભાષી માધ્યમ (Bilingual Medium) ની જોગવાઇ મુજબ આ વર્ષથી ગુજરાતમાં સ્વૈચ્છિક ધોરણે સ્વનિર્ભર શાળાઓ આ દ્વિભાષી (ગુજરાતી-અંગ્રેજી મિશ્ર) માધ્યમ શરૂ કરી શકશે. પ્રસ્તુત માધ્યમમાં ગણિત અને વિજ્ઞાન દ્વિભાષી (ગુજરાતી – અંગ્રેજી મિશ્ર) માધ્યમથી ભણાવવામાં આવશે.

જયારે અન્ય વિષયોનું શિક્ષણ માધ્યમ ગુજરાતી જ રહેશે. ધોરણ-ત્રણથી સાત દ્વિભાષી માધ્યમમાં, દ્વિભાષી પુસ્તકોની મદદથી અને નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘મોડયુલો’ ની મદદથી ભણાવવામાં આવશે. પછી ધોરણ-આઠ નવ અને દસમાં ક્રમશ: ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી માધ્યમમાં થઇ જશે. જે ખાનગી શાળાઓ સજજ અને તત્પર હોય, તે સ્વૈચ્છિક ધોરણે, સરકારશ્રીની મંજૂરી મેળવીને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકશે. પ્રવર્તમાન બંને માધ્યમો તો ચાલુ જ રહેેશે. દ્વિભાષી માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક રહેશે.

અહીં પાયાનો પ્રશ્ન એ ઊભો થાય છે કે દ્વિભાષી માધ્યમ શા માટે? અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ સ્વયં સ્પષ્ટ છે અને વર્ષોથી ચાલે છે તો આ ત્રીજા દ્વિભાષી માધ્યમની એન્ટ્રી શા માટે? શું આ ત્રીજા માધ્યમથી બાવા ને બેય બગડે એવા ઘાટ નહિ થાય? આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અંગ્રેજી તરફનો ઝોક વધ્યો છે! ગુજરાતી માધ્યમના વર્ગોની સંખ્યા ઘટતી જાય છે તેથી ગુજરાતી ભાષા બચાવો અભિયાન શરૂ કરવા પડે છે! ઘણીવાર વાલીઓ બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા કે ગુજરાતી માધ્યમમાં ભણાવવા એ અંગે દ્વિધા અનુભવે છે. આવી દ્વિધાજનક પરિસ્થિતિનો એકમાત્ર ઉકેલ છે, ગુજરાતી વત્તા અંગ્રેજી મિશ્ર કરીને ભણાવવું.

આમ જોવા જઇએ તો દ્વિભાષી માધ્યમનું અંતિમ ધ્યેય તો બાળકો અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી સાંપ્રત વૈશ્વિક પ્રવાહો સાથે તાલ મેળવે અને નેશનલ ટેલન્ટ સર્ચ પરીક્ષામાં પાછા ન પડે એ જ છે. તે સાથે બાળક સંપૂર્ણ અંગ્રેજીયત કે સંપૂર્ણ ગુજજુ બની ન જાય તે પણ છે. આ અભિયાન સાથે જોડાયેલાં શિક્ષણ શાસ્ત્રીઓનો દાવો છે કે દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક, માતૃભાષા દ્વારા પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલું રહેશે. સાથો સાથ વિશ્વભાષા (અંગ્રેજી) પર પ્રભુત્વ મેળવી વિશ્વ નાગરિક પણ બની શકશે. બાવા ના બેય બગડશે એવો પ્રશ્ન કે શંકા અસ્થાને છે. માનવ જીવનમાં પણ આપણે સૌ મધ્યમ માર્ગે જ જીવન – જીવવાનું પસંદ કરીએ છીએ! એ રીતે વિચારીએ તો દ્વિભાષી માધ્યમ એ શિક્ષણનો મધ્યમ માર્ગ છે!

આમ પણ અંગ્રેજી માધ્યમમાં સો ટકા અંગ્રેજીમાં અને ગુજરાતી માધ્યમમાં સ ટકા શુદ્ધ ગુજરાતીમાં કયાં ભણાવાય છે?! અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને ન સમજાય તેવી બાબતો હિન્દીમાં અને ગુજરાતીમાં સમજાવવામાં આવે જ છે! અને તેમાં આપણને કોઇ વાંધો પણ નથી! આપણે પણ આપણી રોજબરોજના પ્રત્યાપનમાં ગુજરાતી બોલતી વખતે જાણ્યે – અજાણ્યે અસંખ્ય અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ જ છીએ. સો ટકા શુદ્ધ ગુજરાતી બોલીએ તો ભદ્રં ભદ્ર જેવું લાગે! લોકો હસે એવું પણ બને!!

શરૂઆતના વર્ષોમાં દ્વિભાષી માધ્યમમાં ભણવાના ઘણાં ફાયદાઓ છે. આ બાબતે આચાર્યો, શિક્ષકો, વાલીઓ કે વિદ્યાર્થીઓમાં કોઇ શંકા – કુશંકા રહેવી ન જોઇએ. કેમકે ભાષા વિજ્ઞાન પર થયેલાં સંશોધનોના તારણો જણાવે છે કે બાળકો ૨ થી ૮ વર્ષની ઉંમર વચ્ચે ખૂબ ઝડપથી માતૃભાષા જ નહિ બે કે ત્રણ ભાષાઓ સરળતાથી શીખી લે છે! ટી.વી. મોબાઇલમાં પણ પ્રત્યાયન મોટે ભાગે હિન્દી – અંગ્રેજીમાં થતું હોવાથી બાળકો એક સાથે ગુજરાતી – હિન્દી – અંગ્રેજીના પારિભાષિક ઝડપથી શીખી લે છે!

બીજી મહત્વની બાબત એ છે કે રાજય સરકારે જે પરિચયાત્મક માર્ગદર્શિકા બહાર પાડી છે તે ખૂબ જ સ્વયંસ્પષ્ટ છે અને આપણાં તમામ પ્રકારની શંકાનું નિરસન કરે તેવી છે.  મૂળ વાત તો સુરતીઓએ આનંદનો ઔચ્છવ મનાવવાની છે! કેમકે દ્વિભાષી માધ્યમનું સૌ પ્રથમ બીજ શહેરની એક ઇનોવેટિવ શાળા – ‘ભૂલકાં વિહાર’ માં રોપાયું! આ શાળાના પ્રાથમિક વિભાગના ગુજરાતી માધ્યમના વર્ગોમાં ગણિત – વિજ્ઞાન જેવાં વિષયોના પારિભાિષક શબ્દો અંગ્રેજીમાં શીખવવામાં આવતા હતા. બાળકો ખૂબ ઝડપથી આ પારિભાષિક શબ્દો સમજી શકતા હતા તેથી વિષયવસ્તુ (Content) આસાનીથી આત્મસાત્‌ કરી લેતાં હતા. શાળાના ઇનોવેટીવ પ્રિન્સિપાલે આ વાત તત્કાલીન ડી.ઇ.ઓ. ડો. ઉમેદસિંગને પહોંચાડી. ડી.ઇ.ઓ.ને વાતમાં દમ લાગ્યો. પછી ધીમે ધીમે પ્રયોગાત્મક ધોરણે શહેરની સાત શાળાઓ આ અભિયાનમાં જોડાઇ.

વર્ષને અંતે આ સાત શાળાઓનું થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન થયું અને સંશોધનાત્મક સર્વે રીપોર્ટ રાજય સરકારને સુપ્રત કરવામાં આવ્યો. રાજય સરકારને આ સર્વેક્ષણ રીપોર્ટ હકારાત્મક લાગ્યો. તેમ છતાં તેનાં ઊંડાણપૂર્વકના તલસ્પર્શી અભ્યાસ માટે  અગીયાર જેટલાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોની એક બીજી કમીટીની રચના કરી. આ કમિટિના સભ્યોએ પ્રત્યેક શાળાની રૂબરૂ મુલાકાત યોજી. આચાર્યો, શિક્ષકો, વાલીઓ, ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી. શાળાના વર્ગખંડોમાં દ્વિભાષી માધ્યમથી ચાલતા વર્ગોનું નિરીક્ષણ કર્યું અને અંતે સર્વગ્રાહી રિપોર્ટ સરકારશ્રીને સુપ્રત કર્યો. આ રીપોર્ટ પર શિક્ષણ વિભાગે દીર્ઘકાલીન વિચારણા કરી અને છેવટે આ માધ્યમને મંજૂરીની મ્હોર મારવમાં આવી.

સતત સાત વર્ષની મહેનત અને મથામણને અંતે સરકારશ્રીએ વૈકલ્પિક અને સ્વૈચ્છિક ધોરણે દ્વિભાષી માધ્યમને મંજૂરી આપી છે. કોણ કહે છે સુરતની શાળાના આચાર્યો કે શિક્ષકો ઇનોવેટીવ નથી? દ્વિભાષી માધ્યમ તેનો જીવતો જાગતો પુરાવો છે. આ લખનાર પણ શરૂઆતથી જ આ અભિયાન સાથે જોડાયેલા હોવાથી તેના સાક્ષી છે. શરૂઆતના વર્ષોમાં આ અભિયાનને કેટલાંક ‘ગુજલીસ’ કહીને રમૂજ કરતાં! ત્યારબાદ થર્ડ પાર્ટી ઇવેલ્યુએશનમાં આ પ્રોજેકટને Global Gujarati Medium – (G G M) નામ આપવામાં આવ્યું અંતે શિક્ષણ વિભાગે તેનો દ્વિભાષી માધ્યમ (Biligual Medium) તરીકે સ્વીકાર કર્યો.

દ્વિભાષી માધ્યમનનું વિચારબીજ આજે અંકુરિત થઇ ગયું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ થી પ્રેરાઇને ‘મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ’ માં પણ તેનો સમાવેશ કરવામાં આવશે. નજીકના દિવસોમાં ગુજરાતની મુલાકાત વેળા મા. વડાપ્રધાનશ્રી ‘મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ’ની જાહેરાત કરનાર છે. દ્વિભાષી માધ્યમના સ્વીકારનો યશ પ્રોજેકટ સાથે જોડાયેલી શાળાઓના સંચાલક મંડળને, આચાર્યોને, શિક્ષકોને, વાલીઓને, તત્કાલીન ડી.ઇ.ઓ. ડો. ઉમેદસિંગને અને સક્રિય ભૂમિકા ભજવનાર પ્રિ. મીના વકીલ, ડો. રઇશ મણીયાર ને આપવો જેાઇએ. વિશેષ માહિતી એમણે શરૂ કરેલ વેબસાઇટ www.bilingualmedium.in પર ઉપલબ્ધ છે.
          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top