Columns

બુદ્ધનો જવાબ

એક દિવસ ભગવાન બુદ્ધ પોતાના ઉપદેશમાં ધ્યાનનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા.તેઓએ ભાર દઈને કહ્યું કે ‘દરેક વ્યક્તિએ ધ્યાન કરવું જોઈએ.માત્ર મારા શિષ્યો કે જેઓ બૌધ્ધ ભિક્ષુક છે તેમણે તો સવાર, બપોર, સાંજ જેટલો સમય કરી શકે એટલું ધ્યાન કરવું જોઈએ.બાકી નાના મોટા, સ્ત્રી પુરુષ દરેક જણે પોતાની અનુકૂળતા પ્રમાણે ધ્યાન કરવું જોઈએ અને તેનો સમય ધીમે ધીમે વધારતાં રહેવું જોઈએ.’

ભગવાન બુદ્ધના એક નવા શિષ્યે આ વાત ગાંઠે બાંધી લીધી અને તે સતત વધુ ને વધુ ધ્યાન કરવામાં વિતાવવા લાગ્યો.રોજ રોજ તે વધુ ને વધુ સમય ધ્યાન કરતો, પણ તેને કોઈ ફરક દેખાયો નહિ.તે ભગવાન બુદ્ધની પાસે ગયો અને નમન કરી પૂછ્યું, ‘ભગવાન તથાગત તમે રોજ ધ્યાન કરવા કહો છો અને હું તમારી આજ્ઞા માથે ચઢાવી વધુ ને વધુ ધ્યાન કરું છું.પણ મને તો ધ્યાન કરવાથી કોઈ ફાયદો થયો હોય તેમ લાગતું નથી. ધ્યાન કરવાથી મને તો કંઈ મળતું હોય તેમ લાગતું નથી તો તમે મને સમજાવો કે તમે ધ્યાન કરવા પર આટલો બધો ભાર મૂકો છો તો તમે ધ્યાન કરવાથી શું મેળવ્યું છે?’

ભગવાન બુદ્ધે એક સ્મિત કર્યું અને બોલ્યા, ‘વત્સ, મેં ધ્યાન કરવા કહ્યું છે.મેં કયારેય ધ્યાન કરવાથી તમને કંઇક મળશે તેવું ક્યારેય નથી કહ્યું અને આજે તેં પૂછ્યું છે તો ખાસ કહું છું કે ધ્યાન કરવાથી મને કંઈ જ મળ્યું નથી, ઉલટું મેં ઘણું ખોયું છે.’ ભગવાન બુદ્ધનો આવો અટપટો જવાબ સાંભળી શિષ્ય મૂંઝાયો.કંઈ બોલ્યો નહિ. ભગવાન બુદ્ધ આગળ બોલ્યા, ‘વત્સ, ધ્યાન કરવાથી મેં ઘણું ખોયું છે. મારા મનના નકારાત્મક વિચારો, મગજનો ગુસ્સો, મનની ચિંતા, નિરાશા, અસુરક્ષા, ભય, બુઢાપા અને મૃત્યુનો ડર, આ બધું જ મેં ધ્યાન કરવામાં ખોઈ નાખ્યું છે.

જે ખોવા જેવું છે તે ધ્યાન હરી લે છે. તું પણ વિચાર, તું જેટલો સમય ધ્યાન કરે છે એટલો સમય તું બોલતો નથી.મૌન રહે છે એટલે વાદવિવાદ ટળે છે.વાદવિવાદ ન થતાં ગુસ્સો નથી આવતો. ખોટા શબ્દો નથી બોલાતા.ધ્યાન કરવાથી મન શાંત રહે છે.જેટલો સમય તું ધ્યાન કરે છે એટલો સમય ચિંતાઓ, ડર તારાથી દૂર રહે છે અને જેટલું વધારે ધ્યાન તું કરીશ એટલું વધારે આ બધું ખોઈશ. સમજી ગયો, ધ્યાન કરવાથી મળતું ભલે કંઈ ન હોય.ન રાખવા જેવું ઘણું ખોઈ શકાય છે માટે ધ્યાન કરતાં રહેવું જરૂરી છે.’    -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top