Editorial

ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી અને કોંગ્રેસ હજુ ગુજરાતમાં હારના કારણો શોધે છે

તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની દિલ્હીમાં યોજાઇ ગઇ. જેમાં અન્ય વિકાસના મુદ્દા તો ચર્ચાયા જ હતા પરંતુ સાથે સાથે આગામી વિધાનસભાની ચૂંટણી જે આ વર્ષે 9 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં યોજાવા જઇ રહી છે તેના ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેના પરથી જ ભાજપનું 2024નું ભવિષ્ય નક્કી થશે. એટલે કે નરેન્દ્ર મોદીનું ભવિષ્ય નક્કી થશે. આ વર્ષે નવ રાજ્યોમાં થનારી ચૂંટણીઓ અને પછી 2024ની લોકસભા ચૂંટણીમાં ‘મંદિર અને રાષ્ટ્રવાદ’ પાર્ટીની રણનીતિની મહત્ત્વપૂર્ણ ધરી રહેશે.

ત્રિપુરામાં પોતાના એક ભાષણમાં ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યામાં બની રહેલ રામમંદિરને 1 જાન્યુઆરી, 2024 સુધી ખુલ્લું મૂકવાનનો એલાન કર્યું હતું. વિપક્ષે એ સમયે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અમિત શાહ શું મંદિરના પૂજારી છે કે તેની સાથે અમુક પ્રકારે જોડાયેલા છે જેથી તેઓ આ વાતની આવી રીતે જાહેરાત કરી રહ્યા છે. પરંતુ વર્ષ 2024 સુધી લોકસભા ચૂંટણીમાં, જેમાં પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવશે. નરેન્દ્ર મોદીનો ભાજપ પોતાની જાતને માત્ર આ બે મુદ્દા સુધી સીમિત રાખવાનું જોખમ ન ખેડીને અંતરિક્ષવિજ્ઞાનમાં હાલનાં વર્ષોમાં ભારતની પ્રગતિ અને સમગ્ર દેશમાં મૂળભૂત સુવિધાઓમાં થયેલ નિર્માણકાર્ય અને સુરક્ષાને પણ કેન્દ્રમાં રાખશે.

ભાજપ હાલમાં હિમાચલ પ્રદેશ સિવાય બીજા કોઈ સ્થળે ચૂંટણી નથી હાર્યો. એક સપ્તાહ પહેલાં પોતાના અધ્યક્ષીય ભાષણમાં જેપી નડ્ડાએ કહ્યું કે, “હિમાચલમાં રિવાજ બદલવાનો હતો, અમે ન બદલી શક્યા.” જેપી નડ્ડાએ કાર્યકર્તાઓ અને નેતૃત્વને પણ કહ્યું કે, “કમર કસી લો, આપણે એકેય ચૂંટણી નથી હારવાની.” આ વર્ષે ઉત્તર-પૂર્વનાં ચાર રાજ્યો (ત્રિપુરા, નાગાલૅન્ડ, મેઘાલય, મિઝોરમ), દક્ષિણનાં કર્ણાટક અને તેલંગાણા તેમજ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન એમ કુલ નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની 2018ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ જીત હાંસલ થઈ હતી. જોકે બાદમાં મધ્ય પ્રદેશના 20 કરતાં વધુ ધારાસભ્યો રાહુલ ગાંધીના નિકટના મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પાર્ટી છોડીને ચાલ્યા ગયા અને કમલનાથની કૉંગ્રેસ સરકાર પડી ભાંગી હતી. જેપી નડ્ડાએ પોતાના ભાષણમાં જે જગ્યાઓએ પાર્ટી નબળી છે, જેમ કે તેલંગાણા, તે અંગે પણ વાત કરી અન કહ્યું કે એક લાખ 30 હજાર બૂથોની ઓળખ કરાઈ છે જ્યાં કામ ચાલી રહ્યું છે. ગત વર્ષે ભાજપે 160 એવી બેઠકોની વાત કરી હતી જ્યાં તેને પોતાની સ્થિતિ મજબૂત કરવાની જરૂરિયાત છે.

વર્ષ 2014 અને 2019ની લોકસબાની ચૂંટણી બાદ ત્રીજી વખત મેદાનમાં મોજૂદ ભાજપનું ફોકસ વિદેશનીતિ પર પણ છે, જેમાં તે પોતાની સફળતા ગણાવી રહ્યો છે. કોવિડ રસીકરણ, નિર્માણના ક્ષેત્રમાં સતત થઈ રહેલ પ્રગતિ, કારનિર્માણમાં ભારતનું ત્રીજુ સ્થાન, મોબાઇલ તૈયાર કરવામાં બીજું સ્થાન અને દરરોજ 37 કિલોમિટર રોડ તૈયાર કરવા જેવી તમામ ઉપલબ્ધિઓ પાર્ટી ગણાવવા માગશે. તો બીજી તરફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે થોડા દિવસ અગાઉ સુરતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફોરન્સમાં લોકસભાની ચૂંટણીની તૈયારીની જાહેરાત કરી દીધી છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જણાવ્યું હતુંકે, ગુજરાત વિધાન સભા 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ચૂંટણી સમયે નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની જનતાને સભા દ્વારા કામોનો હિસાબ અને આગામી કામો અંગે પણ રજૂઆત કરી હતી તેના કારણે ભાજપના ઉમદેવારોની જીત થઇ છે, દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતની ચૂંટણીમાં સતત સક્રિય રહ્યા અને વિસ્તારમાં જીતી શકે તેવા ઉમેદવારની પસંદગી કરી તેના કારણે ભાજપને ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક કરી શકી છે.

ગુજરાતમાં 27 વર્ષ પછી પણ એન્ટીઈન્કમ્બન્સી નડી નથી તેના માટે ગુજરાતના મતદારોનો આભાર વ્યકત કરું છું. એટલું જ નહીં થોડા દિવસ અગાઉ સુરેન્દ્ર નગર ખાતે યોજાયેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણીમાં તાલુકા સીટ દીઠ કયા બુથમાં મત ઓછા મળ્યા છે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આખા દેશમાં તો ભાજપે હવે વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.

તો બીજી તરફ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા હતા તેમાં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો હતો. આ પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થઇ ગયું હતું અને તે વાતને આજે દોઢ મહિનો ઉપરાંત વિતી ગયો છે. ત્યારે કોંગ્રેસે ગુજરામાં હારના કારણો શોધવા માટે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી છે અને પોણા બે મહિના પછી હાર માટે જવાબદાર એવા પક્ષના જયચંદો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ બંને પક્ષ વચ્ચે ફેર માત્ર એટલો જ છે કે, ભાજપે લોકસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે જ્યારે કોંગ્રેસ હજી માત્રને માત્ર હારના કારણો શોધવામાંથી ઊંચી નથી આવી.

Most Popular

To Top