Science & Technology

દેશની શાળાઓમાં રોબોટ લેબના યુગનો આરંભ

આજે રોબોટિક્સ માનવજીવનનો અભિન્ન હિસ્સો છે. એક સદી પહેલાં જેની માત્ર કલ્પના થતી હતી એ રોબોટનો હવે આપણે સાક્ષાત્કાર કરી રહ્યા છીએ. 19મી સદીના માનવીઓને રોબોટ્સની કલ્પના રોમાંચક લાગતી હતી, 21મી સદીમાં ડગલે ને પગલે રોબોટ્સની હાજરી છે. રોબોટિક્સની વ્યાખ્યા ખૂબ વિશાળ છે. આપણે જેને ખરેખર રોબોટ કહીએ છીએ એનો તો એમાં બહુ પછીથી સમાવેશ થયો. રોબોટિક્સમાં તો એક નાનકડા મશીનનો પણ સમાવેશ થાય છે. 20મી સદીના સેકન્ડ હાફમાં ખરેખર તો આજના રોબોટિક્સની ક્રાંતિ થઈ.

જગવિખ્યાત કાર ઉત્પાદક કંપની જનરલ મોટર્સમાં 1961માં યુનિમેટ નામના પ્રથમ રોબોટિક્સ મશીનને તૈનાત કરાયું એને પ્રથમ ઈન્ડસ્ટ્રિયલ રોબોટનો ઘણોખરો શ્રેય આપવામાં આવે છે. ઈન્ડસ્ટ્રિયલ રોબોટ્સની દુનિયા આજે બહુ મોટી છે. એક અંદાજ પ્રમાણે આજે દુનિયામાં 16થી 17 લાખ ઈન્ડસ્ટ્રિયલ રોબોટ કાર્યરત છે. આ રોબોટના કારણે ઘણાં કામ સરળ બન્યાં છે. જોખમી કહેવાય એવાં કામ પહેલાં માણસને કરવા પડતાં હતાં ને એમાં જીવનું જોખમ સર્જાતું હતું પરંતુ હવે આ રોબોટિક્સ ક્રાંતિના કારણે એ કામ મશીન પાસેથી લઈ શકાય છે.

એ પછી યુગ આવ્યો આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સથી સજ્જ રોબોટનો. ઈન્ડસ્ટ્રિયલ રોબોટ્સનું સંચાલન માણસના માધ્યમથી થતું હતું પરંતુ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના કારણે રોબોટ્સ પ્રોગ્રામિંગ પ્રમાણે કામ કરી આપે છે. એ સોફ્ટવેર બેઝ્ડ હોવાથી એના સંચાલન માટે માણસની જરૂર માત્ર એને કમાન્ડ આપવા પૂરતી જ સીમિત છે. એક વાર કમાન્ડ આપ્યા પછી રોબોટ એમાં ડિઝાઈન થયેલા પ્રોગ્રામ મુજબ સોંપેલું કામ કરી બતાવે છે. એના જ કારણે વિવિધ ક્ષેત્રમાં કામ કરતા રોબોટ્સ વધતા જાય છે. અલગ અલગ પ્રકારે ડિઝાઈન કરેલા રોબોટ્સ જુદાં જુદાં ક્ષેત્રમાં કામ કરે છે.

જેમ કે, ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆએ રોબોટ ડિઝાઈન કરીને તેની પાસેથી ન્યૂઝ રીડિંગનું કામ કરાવ્યું હતું. એ જ રીતે હોંગકોંગની કંપનીએ સોફિયા નામે એક રોબોટનું સર્જન કર્યું છે જે સોશ્યલ હ્મુમનોઈડ રોબોટ કહેવાય છે. એટલે કે માણસ જે કામ કરી શકે છે એવું જ કામ પ્રોગ્રામિંગ અને આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સની મદદથી આ પ્રકારના રોબોટ્સ પણ કરે છે. વાહન સંચાલનમાં પણ રોબોટનો યુગ આવી રહ્યો છે. ઓટોમેટિક ઓટો ઈન્ડસ્ટ્રીના પડઘા સંભળાવા લાગ્યા છે એટલે દોઢ દસકામાં એક કરોડ કાર ઓટોમેટિક ચાલતી હશે. બીજા શબ્દોમાં કહીએ તો એક કરોડ ડ્રાઈવરોની જરૂર નહીં પડે. બીજું એવું ક્ષેત્ર છે સ્વાસ્થ્યનું. હા. આશ્વર્યજનક લાગે એવી વાત હોવા છતાં એક્સપર્ટ્સ કહે છે કે પેરા મેડિકલ સ્ટાફ પ્રકારનું જે કામ છે એવા વિશ્વમાં લગભગ 2 કરોડ લોકોનું કામ મશીનરી આધારિત થઈ જશે. જેમાં બ્લડ ટેસ્ટથી લઈને દવાઓની સૂચના આપતા સ્ટાફ સુધીના લોકોને અસર થશે. ડિલિવરી બોયની જગ્યા લેવા માટે તો અત્યારે કેટલીય ખાનગી કંપનીઓ રોબોટ દ્વારા પ્રોડક્ટ પહોંચાડવાના પ્રયોગો કરી રહી છે.

કેટલાક દેશોમાં તો એ સર્વિસ શરૂ પણ થઈ ચૂકી છે. કંપનીએ ઓનલાઈન પાસવર્ડ આપ્યો હોય એ જ ખાનું ઓર્ડર કરનારથી ઓપન થાય. એ ખાનામાં ઓર્ડર કરેલી પ્રોડક્ટ હોય એટલે કંપનીને ફિડબેક મળી જાય. કામ પૂરું! હમણાં તો એવા અહેવાલો પણ આવ્યા કે અમેરિકાની પોલીસમાં રોબોટ મદદ કરશે. સાન ફ્રાન્સિસ્કોના પોલીસ વિભાગે રોબોટને પોલીસ અધિકારીઓની મદદ માટે તૈનાત કરવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ કર્યો છે. સાન ફ્રાન્સિસ્કો પોલીસ વિભાગ પાસે 17 રોબોટ છે, જે ખાસ પોલીસની કામગીરીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન થયા છે.

બોમ્બ સ્કવોડ જેવી જોખમી કામગીરી આ રોબોટ કરી શકે તેમ છે. એમ તો ભારતીય સૈન્યમાં પણ રોબોટની મદદ લેવામાં આવી રહી છે. 5-6 મહિના પહેલાં જ BSFના અધિકારીઓએ કહ્યું હતું કે આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સથી સજ્જ બે રોબોટ પંજાબની સરહદે તૈનાત કરાયા છે. એ રોબોટ્સ ઘૂસણખોરોને રોકવામાં મદદ કરશે. ખાસ પ્રોગ્રામિંગથી આ રોબોટ્સ રાતે બહુ ઉપયોગી ભૂમિકા ભજવશે.

દિલ્હી સરકારે ફાયર ફાઈટર્સ વિભાગમાં બે રોબોટ તૈનાત કર્યા એની પણ થોડા મહિના પહેલાં દેશભરમાં ચર્ચા થઈ હતી. આગની ઘટનાઓ વખતે રોબોટ્સ જોખમી કામ કરે તો ફાયર ફાઈટર્સ પર તોળાતું જોખમ ઓછું કરી શકાય. એ જ હેતુથી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત આ રોબોટ્સ તૈનાત થયા હતા. ભારતમાં અનેક ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ વધ્યો છે. રસોઈથી લઈને ઘરકામ સુધીમાં ખાસ ડિઝાઈન થયેલા રોબોટ્સ દુનિયાભરમાં વધી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં રોબોટ આવી રહ્યા હોવાથી એક તરફ રોબોટ લોકોની રોજગારી આંચકી રહ્યા હોવાનો ભય ફેલાઈ રહ્યો છે.

બીજી તરફ આને અવસર માનીને આગળ વધવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. અનેક કંપનીઓ લોકોની જરૂરિયાત પ્રમાણે રોબોટ્સ બનાવી આપે છે. રોબોટિક્સની ડિમાન્ડના કારણે એમાં રોજગારીની તકો પણ વિશાળ છે. એ તકનો લાભ લેવા માટે ભારતમાં પણ પ્રયાસો શરૂ થયા છે.  કેન્દ્ર સરકારે રોબોટિક્સમાં ભારતની નિકાસ વધે તે માટે ખાસ યોજનાઓ જાહેર કરી છે. એ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સને સરકાર લોન આપે છે.

દેશભરમાં એની શૈક્ષણિક ઈન્સ્ટિટ્યૂટ બનાવવાનું પણ શરૂ થયું છે. એમાં કેરળે દેશને નવી દિશા દેખાડી છે. કેરળના મુખ્ય મંત્રી પી. વિજયને ખાસ યોજના હેઠળ શાળાઓમાં રોબોટિક્સ લેબ શરૂ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. એક બે કે પાંચ-પચ્ચીસ નહીં, 9000 રોબોટિક્સ લેબનું સર્જન થશે. રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને આ લેબનો લાભ મળે એવું આયોજન કરાયું છે. આ રોબોટ લેબથી બાળકોના સામાન્ય જ્ઞાનમાં તો વધારો થશે જ પરંતુ રોબોટિક્સમાં તેમની રૂચિ વધશે. પ્રથમ તબક્કામાં કેરળ સરકાર 60 હજાર વિદ્યાર્થીઓને રોબોટિક્સની તાલીમ આપશે. એમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડ્રોન ટેકનોલોજી વગેરે વિષયોને આવરી લેવાશે. ભારતના IT એક્સપર્ટ્સની દુનિયાભરમાં ડિમાન્ડ છે. ભારતના તેજસ્વી-કુશળ વિદ્યાર્થીઓ ટાંચા સાધનોમાં તાલીમ પામીને પણ અમેરિકાની ટોચની કંપનીઓમાં ઊંચા હોદ્દે પહોંચ્યા છે. જો રોબોટિક્સના ક્ષેત્રમાં આવો માહોલ સર્જાશે તો દુનિયાભરમાં ભારતના રોબોટિક્સ એન્જિનિયર્સની ડિમાન્ડ હશે એ સમય બહુ દૂર નથી.
-હરિત મુનશી

Most Popular

To Top