Comments

જ્ઞાનવાપી મસ્જિદનો પુરાતત્ત્વ સર્વે વિવાદના ઘણા મધપૂડાઓ છંછેડશે

અલ્હાબાદની હાઈ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો પુરાતત્ત્વ ખાતા દ્વારા વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી આપીને વીંછીનો દાબડો ખોલી આપ્યો છે. જો પુરાતત્ત્વ ખાતાના સર્વેમાં મસ્જિદ નીચેથી મંદિરના અવશેષો મળી આવશે તો હિંદુ પક્ષો તેને તોડી પાડવા માટે ઉતાવળા થઈ જશે. સવાલ હવે માત્ર જ્ઞાનવાપી મસ્જિદનો નથી; પણ ભારતમાં આવેલી હજારો મસ્જિદનો છે, જે મંદિરો તોડીને બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

અલ્હાબાદ હાઈ કોર્ટના ઉપરોક્ત આદેશ પર ટિપ્પણી કરતાં મુસ્લિમોના કથિત નેતા અસદુદ્દીન ઓવૈસીએ ભય વ્યક્ત કર્યો છે કે તેને કારણે ભારતમાં હજારો બાબરી મસ્જિદો પેદા થશે. આ ભય જરાય અસ્થાને નથી. ઇતિહાસના જાણકારો પણ કબૂલ કરે છે કે ઔરંગઝેબ જેવા ધર્માંધ શાસકો દ્વારા ભારતમાં હજારો મંદિરો તોડીને મસ્જિદો બનાવવામાં આવી હતી. બાબરી મસ્જિદ તેમાંની એક હતી તો જ્ઞાનવાપી મસ્જિદ બીજી હતી. તેવી જ રીતે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના સ્થાન ઉપર પણ મસ્જિદ બાંધવામાં આવી છે. દિલ્હીનો કુતુબમિનાર ૨૭ જૈન મંદિરો તોડીને તેના અવશેષો પર ઊભો કરવામાં આવ્યો છે.

અમદાવાદની જામા મસ્જિદના સ્થાને કોઈ સમયે ભવ્ય જૈન મંદિર ઊભું હતું. માંડવગઢમાં જામા મસ્જિદ તરીકે ઓળખાતા ઢાંચાના સ્થાને કોઈ કાળે જૈન મંત્રી પેથડ શાહ દ્વારા નિર્માણ કરવામાં આવેલું ભવ્ય ૫૨ જિનાલય વિદ્યમાન હતું. જો આ તમામ મસ્જિદોના ભૂગર્ભમાં ખોદકામ કરવામાં આવશે તો કોઈ હિન્દુ અથવા જૈન મંદિરના અવશેષો નીકળી આવશે. જ્ઞાનવાપીમાં હજુ તો પુરાતત્ત્વ ખાતા દ્વારા સર્વે ચાલુ કરવામાં આવ્યો ત્યાં હિંદુ પક્ષકારો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે મસ્જિદ હેઠળથી ત્રિશૂળ અને કળશ નીકળ્યા છે. આ પ્રકારની અફવાઓ હિંદુઓમાં રોષ પેદા કરી શકે છે અને દેશભરમાં કોમી રમખાણો પેદા કરી શકે છે. હકીકતમાં કટ્ટર હિંદુત્વવાદી પરિબળો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં રમખાણો કરાવીને હિંદુ મતોનું ધ્રુવીકરણ કરવા માગે છે.

અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ચાર હિંદુ મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આ સર્વેક્ષણને અધિકૃત કરવામાં આવ્યું છે, જેમણે ધ્યાન દોર્યું હતું કે ૧૭ મી સદીમાં બનેલી જ્ઞાનવાપી મસ્જિદ પહેલાંથી અસ્તિત્વમાં રહેલા મંદિરની ટોચ પર બાંધવામાં આવી હતી. જ્ઞાનવાપી મસ્જિદની જગ્યા પર મંદિરના અસ્તિત્વ અંગે હિંદુ કાર્યકરો દ્વારા આપવામાં આવેલાં ઐતિહાસિક તારણોની તપાસ કરવા અને તેની ખાતરી કરવા માટે આ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ કાર્યકરો દર્શાવે છે કે કેવી રીતે ઐતિહાસિક અને ભૌતિક પુરાવા દર્શાવે છે કે ૧૭મી સદીમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ હેઠળ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને આંશિક રીતે મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.

સર્વેક્ષણ માટેનો પ્રારંભિક આદેશ વારાણસીની જિલ્લા અદાલત દ્વારા જારી કરવામાં આવ્યો હતો. અરજદારોની દલીલ હતી કે સર્વેક્ષણ હાથ ધરવું એ નક્કી કરવાનો એકમાત્ર રસ્તો છે કે શું જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કરવા માટે મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો? જ્ઞાનવાપી મસ્જિદનું સર્વેક્ષણ એ એએસઆઈ દ્વારા સ્થળની આસપાસના ઐતિહાસિક અને ધાર્મિક વિવાદોને સંબોધવા માટે લેવામાં આવેલ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરીને ASIનો હેતુ પુરાવા એકત્ર કરવાનો અને હિંદુ કાર્યકર્તાઓ અને ભક્તો દ્વારા રજૂ કરાયેલાં તથ્યો પર પ્રકાશ પાડવાનો છે, જે આખરે સ્થળના ઇતિહાસની વધુ સારી સમજણ આપી શકે છે.

અલ્હાબાદ હાઈ કોર્ટે ASI ના ડાયરેક્ટરને ગ્રાઉન્ડ-પેનિટ્રેટિંગ રડાર સર્વે, ખોદકામ, ડેટિંગ પદ્ધતિઓ અને અન્ય આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને સંપૂર્ણ વૈજ્ઞાનિક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. મોજણી ટીમ મસ્જિદના થાંભલા અને પશ્ચિમી દિવાલની ઉંમર જાણવા માટે પરીક્ષણો પણ કરશે. ઉલ્લેખિત પરીક્ષણો ઉપરાંત મસ્જિદની નીચે શું છે તે ઉજાગર કરવા માટે રડાર સર્વે હાથ ધરવામાં આવશે. જો કે, આ સર્વે મસ્જિદના ત્રણ ગુંબજો પૂરતો મર્યાદિત રહેશે. સર્વેક્ષણના ભાગ રૂપે ટીમ કમ્પાઉન્ડની અંદરનાં તમામ ભોંયરાંઓને સંપૂર્ણ રીતે તપાસશે અને બિલ્ડિંગની અંદર મળી આવેલી કલાકૃતિઓની વ્યાપક સૂચિનું સંકલન કરશે. ટીમ આ કલાકૃતિઓની ઉંમર નક્કી કરવા માટે પરીક્ષણો હાથ ધરશે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સર્વેક્ષણમાં મસ્જિદના વઝુખાનાને આવરી લેવામાં આવશે નહીં. હાઈ કોર્ટે એએસઆઈને ખાસ સૂચના આપી છે કે સર્વેક્ષણ પ્રક્રિયા દરમિયાન મસ્જિદને કોઈ નુકસાન ન થાય તે માટે જરૂરી સાવચેતી રાખવી. અલ્હાબાદ હાઈ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે વિવાદિત જમીન પર ઉભેલા માળખાને નુકસાન ન થાય અને તે જોવું.
પ્રથમ દિવસે શુક્રવારે ASI અને અન્ય નિષ્ણાતોની ૪૧ સભ્યોની ટીમે પરિસરનો નકશો તૈયાર કરવામાં સાત કલાકનો સમય લીધો હતો. પરિસરનું માપન કરવામાં આવ્યું હતું અને દિવાલો અને તેની આસપાસના વિસ્તારોમાંથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા.

ટીમે સર્વેને ચાર ભાગમાં વહેંચી ત્રણેય ગુંબજ નીચે અને ભોંયરામાં સર્વેની રૂપરેખા તૈયાર કરી હતી. શનિવારે રેડિયેશન દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી હતી. ASIની ૬૧ સભ્યોની ટીમના લગભગ ૫૩ સભ્યો બીજા દિવસે જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે માટે હાજર હતા. બીજા દિવસે મા શૃંગાર ગૌરી કેસમાં ચાર મહિલા વકીલોના વકીલ સુધીર ત્રિપાઠીએ ખુલાસો કર્યો કે નંદીની સામે વ્યાસજીના ભોંયરામાંથી મૂર્તિઓના અવશેષો મળી આવ્યા છે. હિન્દુ પક્ષનાં વકીલ સીતા સાહુએ પણ દાવો કર્યો હતો કે એક મૂર્તિ મળી આવી છે. ઘાસ સાફ કર્યા બાદ મૂર્તિ બહાર કાઢવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે એએસઆઈ ઊંડાણપૂર્વક અભ્યાસ કરતી વખતે સર્વેક્ષણ હાથ ધરે છે અને તેની પદ્ધતિ વ્યાપક છે અને બધું વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે સર્વેનો બહિષ્કાર કરનાર મુસ્લિમ પક્ષે બીજા દિવસે સંપૂર્ણ સહકાર આપવાનું શરૂ કરી દીધું છે. શનિવારે સર્વેની પ્રક્રિયા દરમિયાન મુસ્લિમ પક્ષના બે વકીલો મુમતાઝ અહેમદ અને મોહમ્મદ એખલાક અહેમદ સહિત ત્રણ વકીલો હાજર હતા. મસ્જિદના કેરટેકર એજાઝ અહેમદે આજે મસ્જિદનું તાળું ખોલ્યું હતું અને એસઆઈ ટીમને મસ્જિદની અંદર પ્રવેશવાની મંજૂરી આપી હતી. મસ્જિદનું તાળું ખોલ્યા બાદ ASIની ટીમે સમગ્ર સંકુલનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને જ્ઞાનવાપીની અંદર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીની કામગીરી હાથ ધરી હતી.

બધું રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું. ASIની ટીમ દ્વારા નંદીની સામેના ભોંયરાની સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત મશીન દ્વારા જ્ઞાનવાપી કેમ્પસનું ૩-ડી ઇમેજિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેમ્પસના જુદા જુદા ભાગોમાંથી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. શહેરના જ્ઞાનવાપી, કાશી વિશ્વનાથ, ગોદૌલિયા ચૌરાહા, બુલાનાલા, મૈદાગીન સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ, આરએએફ, પીએસી, એલઆઈયુ અને અન્ય સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી હતી. મંદિર પરિસરના એક કિલોમીટરના દાયરામાં કમાન્ડો પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે. શનિવારે પણ જ્ઞાનવાપીથી આવતા-જતા માર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને માત્ર પદયાત્રીઓને જ મંદિર તરફ જવા દેવાયાં હતાં. ASIએ તેમનો રિપોર્ટ રજૂ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે.

Most Popular

To Top