Editorial

રશિયા અને અમેરિકા બંને મોદીને મિત્ર સમજે તે ભારત માટે સબળ પાસુ ગણી શકાય

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફોન પર અર્થપૂર્ણ વાતચીત કરી હતી, અને યુક્રેનમાં સંઘર્ષ પર વિચારોનું આદાનપ્રદાન કરતી વખતે દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. બંને નેતાઓ વચ્ચે ટેલિફોન પર વાતચીત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વર્ચ્યુઅલ સમિટના થોડા દિવસો પહેલા થઈ હતી, જેનું આયોજન ભારત દ્વારા 4 જુલાઈના રોજ કરવામાં આવી રહ્યું છે. રશિયાના સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પટરુશેવ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે દ્વિપક્ષીય સંબંધો અને રશિયામાં તાજેતરના સુરક્ષા વિકાસ અંગે ચર્ચા કર્યાના એક દિવસ પછી પણ આ વાતચીત થઈ છે.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને નેતાઓ એકબીજાના સંપર્કમાં રહેવા અને બંને દેશો વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પ્રયાસો ચાલુ રાખવા સંમત થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીથી પૂર્વી યુરોપમાં ચાલી રહેલા યુદ્ધ વિશે કહેવામાં આવ્યું છે કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિને મોદીને કૂટનીતિ દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવવાનો યુક્રેનના સ્પષ્ટ ઇનકારની માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, યુક્રેનની પરિસ્થિતિ અંગે ચર્ચા કરતી વખતે વડા પ્રધાન મોદીએ સંવાદ અને કૂટનીતિ માટેના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો.

ભારતે હજી સુધી યુક્રેન પરના રશિયન આક્રમણની નિંદા કરી નથી અને તે જાળવી રહ્યું છે કે કટોકટીનો ઉકેલ મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા લાવવો જ જોઇએ. તો બીજી તરફ પ્રમુખ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના ‘મોટા મિત્ર’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમના મેક ઇન ઈન્ડિયા અભિયાનની દેશના અર્થતંત્ર પર ‘પ્રભાવશાળી અસર’ થઈ છે. પુતિને ગુરુવારે રશિયાની એજન્સી ફોર સ્ટ્રેટેજિક ઇનિસેટિવ દ્વારા મોસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. ‘ભારતમાં અમારા મિત્રો અને અમારા મોટા મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષો પહેલા ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ શરૂ કરી હતી. ભારતીય અર્થતંત્ર પર તેની ખરેખર પ્રભાવશાળી અસર પડી છે.

તે સારી રીતે કામ કરી રહ્યું છે તેનું અનુકરણ કરવાથી કોઈ નુકસાન થશે નહીં, ભલે તે આપણે નહીં પણ આપણા મિત્રોએ બનાવ્યું હોય’, એમ પ્રમુખે કહ્યું હતું. પુતિને ભારતનો દાખલો આપ્યો હતો જ્યારે તેમણે પશ્ચિમની પ્રતિબંધની નીતિઓના કારણે રશિયન કંપનીઓની તક અંગે અને દેશની કંપનીઓને તેમના ઉત્પાદનને વધુ કુશળતાથી માર્કેટ કરવામાં મદદ કરવા રશિયાની સરકાર કઈ રીતે ટેકો આપે તે અંગે ચર્ચા કરી હતી. તો આ પહેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના સ્ટેટ ગેસ્ટ બન્યા હતાં. આ સન્માન જવલ્લે જ કોઇ નેતાને આપવામાં આવે છે.

અમેરિકાનો મોદીનો પ્રવાસ પણ સફળ ગણી શકાય તેમ છે. કારણ કે, રાજકીય રીતે તો બંને દેશ એક બીજાની નજીક આવ્યા જ છે સાથે સાથે અનેક આર્થિક મુદ્દાઓ પર પણ બંને દેશ વચ્ચે સહમતિ બની હતી. સંરક્ષણ ક્ષેત્રે અમેરિકા ડ્રોન આપવા માટે સહમત થઇ ગયું હતું જેનાથી ભારત આ ક્ષેત્રમાં વધુ મજબૂત બનશે. હવે અનેક એવા નાના નાના ટારગેટ છે કે જેનો નાશ ડ્રોન દ્વારા જ કરવામાં આવે છે. જેના ઉદાહરણ છેલ્લા કેટલાક વખતમાં સમગ્ર વિશ્વએ જોયા છે. તો અમેરિકાના દિગ્ગજ કારોબારી સાથે પણ તેમણે મુલાકાત કરી હતી અને અનેક કંપનીઓએ ભારતમા રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી.

રશિયા અને અમેરિકા વચ્ચે વર્ષોથી શીતયુદ્ધ ચાલી રહ્યું છે. આ બાબત સમગ્ર વિશ્વ જાણે છે. એક વાત એવી પણ છે કે, જે દેશ ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કરે તેને અમેરિકા સાથ આપતું નથી અને જે દેશ અમેરિકાને સાથ આપે છે તેનાથી રશિયા અંતર રાખે છે. પરંતુ મોદી એવું વ્યક્તિત્વ છે કે, જે બંને દેશ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. અમેરિકા અને યુરોપના દેશોએ જ્યારે યુક્રેન હુમલા પછી રશિયાનું ક્રૂડ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેવા સમયમાં ભારત તેની પાસે ખુલ્લેઆમ ક્રુડની ખરીદી કરે છે. આ બાબત જાહેર હોવા છતાં અમેરિકા પણ ભારત સાથે નિકટના સંબંધ
ઇચ્છે છે.

Most Popular

To Top