Sports

મહિલા એશિયા કપ : થાઈલેન્ડને ફરીવાર કચડી ફાઇનલ પ્રવેશ કરવા પર ભારતની નજર

સિલ્હટ: મહિલા એશિયા કપમાં (Women’s Asia Cup) ભારતીય ટીમનો (Indian Team) અત્યાર સુધીની પ્રવાસ સરળ રહ્યો છે અને ગુરુવારે અહીં ટીમ ઇન્ડિયા પહેલી સેમિફાઇનલમાં નબળા થાઈલેન્ડની (Thailand) ટીમ સામે ટકરાશે ત્યારે ટીમ તેની સામે બીજી જોરદાર જીત નોંધાવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતીય ટીમ આ મેચ જીતીને ફાઇનલમાં એન્ટ્રી કરવા માગશે.

  • બાંગ્લાદેશની યુએઇ સામેની અંતિમ લીગ મેચ વરસાદે ધોઇ નાંખતા થાઇલેન્ડની ટીમે પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો
  • લીગ મેચમાં ભારત સામે ખરાબ રીતે હારેલી થાઇલેન્ડની ટીમને સેમીફાઇનલમાં પોતાના બેટરો પાસે વધુ સારા પ્રદર્શનની આશા

આ બંને ટીમો વચ્ચેની છેલ્લી મેચ ખૂબ જ એકતરફી રહી હતી જેમાં ભારતે થાઈલેન્ડનો 15.1 ઓવરમાં માત્ર 37 રનમાં વિંટો વાળી દઇને પછી 9 વિકેટે સરળ જીત મેળવી હતી. થાઈલેન્ડની ટીમ ભારત સામેની ગત મેચ કરતાં બેટિંગમાં વધુ સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશની યુએઇ સામેની અંતિમ મેચ વરસાદે ધોઇ નાંખતા તેને માત્ર એક પોઇન્ટ મળ્યો હતો અને તેના કારણે બે જીત સાથે તેના માત્ર પાંચ પોઇન્ટ થયા હતા થાઇલેન્ડની ટીમે ત્રણ જીત મેળવીને છ પોઇન્ટ સાથે પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

નરુમોલ ચાઈવાઈની ટીમ એ સાબિત કરવાની આશા રાખશે કે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થવું એ ફ્લૂક નથી. ભારતને આ ટૂર્નામેન્ટ દ્વારા તેમની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાની મોટી તક મળી છે અને ટીમના ઓછા અનુભવી ખેલાડીઓને આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા પૂરતી મેચો રમવાનો સમય મળ્યો છે. આ વ્યૂહરચના હેઠળ, ભારતીય સુકાની હરમનપ્રીત કૌરે છમાંથી માત્ર ત્રણ લીગ મેચ રમી અને પાકિસ્તાન સામે ભારતની એકમાત્ર હાર વખતે તે સાતમા નંબર પર બેટિંગ કરવા ઉતરી હતી. બીજી સેમિફાઇનલ પણ ગુરુવારે જ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે.

Most Popular

To Top