India

એર ઈન્ડિયા ફ્લાઇટમાં 4 સેકન્ડનો ખૌફનાક સંકટ: ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ, પાઇલટ્સનું કંટ્રોલ પણ ગયું

એર ઈન્ડિયાની ફુકેટથી દિલ્હી જતી ફ્લાઇટ AI2379માં 4 ઓગસ્ટે સર્જાયેલી ઘટનાને લઈને હવે ચોંકાવનારી ટેકનિકલ વિગતો સામે આવી છે. પ્રાથમિક વિશ્લેષણ મુજબ, ઉડાન દરમિયાન વિમાનની ત્રણેય સ્વતંત્ર હાઇડ્રોલિક સિસ્ટમમાં એકસાથે સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે થોડા સમય માટે વિમાનના મહત્વપૂર્ણ ફ્લાઇટ કંટ્રોલ્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. એરબસના પ્રારંભિક વિશ્લેષણ અનુસાર આ સ્થિતિ આશરે ચાર સેકન્ડ રહી હતી.

300 ફૂટ નીચે આવ્યું હતું વિમાન
ફ્લાઇટ AI2379 ફુકેટથી દિલ્હી આવી રહી હતી ત્યારે વિમાન અચાનક આશરે 300 ફૂટ નીચે આવી ગયું હતું. આ ઘટનામાં મુસાફરો અને ક્રૂના સભ્યોને ઈજા થઈ હતી. ઘટના બાદ વિમાન સ્થિર થયું અને સુરક્ષિત રીતે દિલ્હીમાં લેન્ડ થયું હતું. ભારતીય સત્તાવાળાઓએ આ ઘટનાને ગંભીર ઘટના તરીકે ગણાવી તપાસ શરૂ કરી છે.

ચાર સેકન્ડ સુધી ફ્લાઇટ કંટ્રોલનો પ્રતિસાદ ન મળ્યો
એરબસના પ્રાથમિક વિશ્લેષણમાં જણાવાયું છે કે વિમાનના એલિવેટર અને એઇલરોન લગભગ ચાર સેકન્ડ માટે અસરકારક રીતે ઉપલબ્ધ નહોતા. એલિવેટર વિમાનને ઉપર-નીચે કરવાની દિશા નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ હોય છે, જ્યારે એઇલરોન વિમાનના ડાબા-જમણા ઝુકાવને નિયંત્રિત કરે છે.આ સમય દરમિયાન ફર્સ્ટ ઓફિસરે વિમાનનું નાક નીચે કરવાની સંપૂર્ણ કમાન્ડ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફ્લાઇટ કંટ્રોલ સરફેસ તરફથી તરત સીધો પ્રતિસાદ મળ્યો નહોતો. થોડા જ સમય બાદ હાઇડ્રોલિક સિસ્ટમ્સ ફરી કાર્યરત થતાં વિમાનનું નિયંત્રણ સામાન્ય સ્થિતિમાં આવ્યું હતું.

ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમમાં એકસાથે સમસ્યા
વિમાનમાં ગ્રીન, બ્લૂ અને યલો ત્રણ સ્વતંત્ર હાઇડ્રોલિક સિસ્ટમ હોય છે. આ સિસ્ટમ્સ દબાણયુક્ત પ્રવાહીના માધ્યમથી વિમાનના ભારે મિકેનિકલ અને ફ્લાઇટ કંટ્રોલ ઘટકોને ચલાવવામાં મદદ કરે છે.ઘટના બાદના મેન્ટેનન્સ ડેટામાં ત્રણેય સિસ્ટમના લો-પ્રેશર સંબંધિત ચેતવણીઓ નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું. કેટલીક ચેતવણીઓમાં હાઇડ્રોલિક રિઝર્વોયર લેવલ, ઓટોપાઇલટ ડિસકનેક્ટ અને એલિવેટર ફ્લાઇટ-કંટ્રોલ સંબંધિત સમસ્યાઓનો પણ ઉલ્લેખ હતો.

હજુ સુધી મૂળ કારણ સ્પષ્ટ નથી
આ વિગતો સામે આવ્યા બાદ ઘટનાની ગંભીરતા વધી છે, પરંતુ તપાસ એજન્સીઓએ હજુ સુધી આ ટેકનિકલ ખામીનું ચોક્કસ મૂળ કારણ જાહેર કર્યું નથી. એરબસે એર ઈન્ડિયાને સિસ્ટમ અને સેન્સરની તપાસ કરવા તથા વધુ મેન્ટેનન્સ માહિતી ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.ભારતની Aircraft Accident Investigation Bureau (AAIB) સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ તપાસમાં એરબસ ઉપરાંત ફ્રાન્સની BEA તરફથી પણ ટેકનિકલ સહાય મળી રહી છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે સંપૂર્ણ પુરાવા અને ડેટાનું વિશ્લેષણ થયા પહેલાં કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.

બ્લેક બોક્સથી ખુલશે વધુ રહસ્ય
ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર ઘટનાની તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા છે.તેમાં ફ્લાઇટની ઊંચાઈ, સિસ્ટમની ચેતવણીઓ, કંટ્રોલ ઇનપુટ્સ અને કોકપિટમાં થયેલી વાતચીત જેવી માહિતી મળી શકે છે.હાલમાં સામે આવેલી વિગતોને પ્રાથમિક ગણવામાં આવી રહી છે. અંતિમ તપાસ રિપોર્ટમાં જ સ્પષ્ટ થઈ શકશે કે ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમમાં એકસાથે ખામી કેમ સર્જાઈ અને તેના કારણે વિમાનની ફ્લાઇટ કંટ્રોલ ક્ષમતા થોડા સમય માટે કેમ પ્રભાવિત થઈ.આ ઘટના બાદ એર ઈન્ડિયા અને સંબંધિત ટેકનિકલ ટીમો માટે વિમાનની સિસ્ટમ્સ, સેન્સર્સ અને મેન્ટેનન્સ રેકોર્ડની તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે.ચાર સેકન્ડનો આ સમયગાળો ટૂંકો હતો, પરંતુ હવામાં રહેલા વિમાન માટે તે અત્યંત ગંભીર ટેકનિકલ પરિસ્થિતિ હતી.

Most Popular

To Top